મેરાન્યૂઝ નેટવર્ક, નવી દિલ્હી:  ભારતમાં કોરોનાની પ્રથમ લહેર બાદ આવેલી બીજી લહેર પણ લગભગ સમાપ્ત થવાની તૈયારીમાં છે. જો કે હવે આગામી એકાદ મહિનામાં જ ત્રીજી લહેર પણ આવશે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી છે. ત્રીજી લહેરમાં કોરોનાના દરરોજ આશરે 1 લાખ કેસ સામે આવશે.

ત્રીજી લહેરની ચેતવણી આપતા ઇન્ડિયન કાઉન્સીલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ના ડિવિઝન ઓડ એપિડેમીયોલોજી એન્ડ કમ્યુનિકેબલ વિભાગના વડા ડો. સમીરન પાંડાએ જણાવ્યું હતું કે, જો વાયરસ આગળ વધુ બદલાતો નથી તો તે પ્રથમ લહેરની સમાન હશે, પરંતુ જો વાયરસ તેના સ્વરૂપમાં ફેરફાર કરે છે તો પરિસ્થિતિ ખૂબ જ ખરાબ થઈ શકે છે. કોરોનાની ત્રીજી લહેરની ચેતવણી દરમિયાન તેમણે કહ્યું હતું કે આવનારી લહેર બીજી લહેરની જેમ વિનાશક નહીં બને. પ્રોફેસર પાંડા માને છે કે નીચો વેક્સિનેશનનો દર અને લોકડાઉનમાં છૂટના કારણે કોરોનાના કેસમાં ઝડપી વધારો થઈ શકે છે.

Advertisement


 

 

 

 

 

કોરોનાની ત્રીજી લહેરના જોખમનો અંદાજો લગાવવા માટે ઇપીરીયલ કોલેજ લંડન અને આઈસીએમઆરએ ગાણિતિક મોડેલોનો આશરો લીધો છે. પ્રોફેસર પાંડાએ કહ્યું કે, વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, અમે એવું કહી શકીએ કે ત્રીજી લહેર આવી ગઈ છે. તેમણે કહ્યું હતું કે જો ત્રીજી લહેરને રોકવી હોય તો લોકોએ આજથી જ લગ્ન સમારોહ અને પાર્ટીમાં જવાથી બચવું જોઈએ અને માસ્કનો ઉપયોગ ફરજિયાત કરવો.

પ્રોફેસર પાંડાએ સ્વીકાર્યું કે ભારતને વ્યૂહાત્મક વેક્સિનેશન અભિયાનની જરૂર છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે આ સમય દરમિયાન મુસાફરી શક્ય તેટલી ઓછી કરવી જોઈએ. પાંડાએ જણાવ્યા અનુસાર વેક્સિન લેવાથી જ સંક્રમણના દરને ઘટાડી શકાય છે અને ત્રીજી લહેરનું જોખમ પણ ઓછું થઈ શકે છે.

Advertisement