મેરાન્યૂઝ નેટવર્ક.ગાંધીનગરઃ ગુજરાતમાં મહિલાઓની સલામતી અને સશક્તિકરણની વાતો કરતી ભાજપ સરકારનાં રાજમાં છેલ્લાં બે વર્ષમાં અભયમ હેલ્પ લાઈનમાં કુલ ૩.૧૦ લાખ કરતાં વધારે મહિલાઓએ ફરિયાદ કરી છે. એટલે કે, સરેરાશ રોજની ૪૨૫ જેટલી મહિલાઓ અભયમ દ્વારા સરકાર પાસે મદદ માંગે છે.

ગુજરાત વિધાનસભામાં આજે પ્રશ્નોત્તરીમાં ટંકારાના ધારાસભ્ય લલિત કગથરાએ રાજ્યમાં ૧૮૧ અભયમ મહિલા હેલ્પ લાઈન અંગે પ્રશ્ન પૂછયો છે તેનાં લેખિત જવાબમાં મહિલા અને બાળ કલ્યાણ મંત્રીએ જણાવ્યું છે કે, રાજ્ય સરકાર દ્વારા આ હેલ્પ લાઈન તા. ૪-૨-૨૦૧૪થી શરૂ કરવામાં આવી છે. જેમાં જૂન - ૨૦૧૭ થી મે - ૨૦૧૮ દરમિયાન આ હેલ્પ લાઈનમાં કુલ 1,35,481 ફરિયાદો મળી છે. જ્યારે જૂન - ૨૦૧૭ થી મે - ૨૦૧૮ દરમિયાન આ હેલ્પ લાઈનમાં કુલ 1,74,805 ફરિયાદો મળી છે. આમ બે વર્ષ દરમિયાન કુલ 3,10286 મહિલાઓની ફરિયાદો મળી છે.

રાજ્ય સરકારે જણાવ્યું છે કે, આ હેલ્પ લાઈન માટે પ્રથમ વર્ષે વાહનો પાછળ કુલ રૂપિયા 2,03,48,315 નો ખર્ચ કરવામાં આવ્યો છે. જ્યારે બીજાં વર્ષે 2,94,22,883 જેટલો ખર્ચ કરવામાં આવ્યો છે. આમ આ મહિલા હેલ્પ લાઈનમાં બે વર્ષમાં કુલ રૂપિયા 4,97,71,153 જેટલો ખર્ચ કરવામાં આવ્યો છે.