મેરાન્યૂઝ નેટવર્ક.અમદાવાદ: સરદારનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા છારાનગરમાં દારૂનું ચેકીંગ કરવા ગયેલી પોલીસ પાર્ટી ઉપર હુમલો થયો હતો. આ ઘટના પછી સ્થળ પર પહોંચેલી પોલીસે બળપ્રયોગ કર્યો હતો. જેમાં સંખ્યાબંધ લોકો ઘવાયા હતા, આ મામલે પોલીસ ઉપર હુમલો કરવા અને હંગામો કરવાના આરોપસર આરોપીઓને મેજીસ્ટ્રેટ સામે રજુ કરતા 29 આરોપીઓએ  પોલીસ સામે અલગ અલગ ફરિયાદ આપતા કુલ 29 ફરિયાદ મેજીસ્ટ્રેટ દ્વારા નોંધવામાં આવી છે.

સરદારનગર પોલીસ દ્વારા પકડવામાં આવેલા આરોપીઓને શુક્રવારે સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર આપ્યા બાદ રાતના સાડા અગીયાર વાગે શાહીબાગ ખાતે મેજીસ્ટ્રેટના ઘરે રજુ કર્યા હતા, જ્યાં મોટી સંખ્યામાં આરોપીઓના પરિવારજનો અને વકિલો હાજર હતા. મેજીસ્ટ્રેટ સામે વકિલો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે સરદારનગર પોલીસ દ્વારા તેમના અસીલોને માર મારવામાં આવ્યો છે જે અંગે તેઓ ફરિયાદ આપવા માગે છે. મેજીસ્ટ્રેટે તેમની ફરિયાદ લેવાની તૈયારી બતાડી હતી, પણ વકિલોએ આગ્રહ કર્યો હતો કે એક ફરિયાદ નહીં, પણ તમામ પોતાની ફરિયાદ વ્યકિગત રીતે આપશે.

જેના કારણે મેજીસ્ટ્રેટ દ્વારા 29 આરોપીઓની વ્યકિગત ફરિયાદ નોંધવામાં આવી હતી, આમ 29 ફરિયાદ નોંધતા રાતના બે વાગ્યા હતા. આ ફરિયાદમાં મુખ્યત્વે જેમના નામનો ઉલ્લેખ છે તેવા સેકટર-2 ખાસ પોલીસ કમિશનર અશોક યાદવ, ડેપ્યૂટી પોલીસ કમિશનર શ્વેતા શ્રીમાળી, સરદારનગરના પોલીસ ઈન્સપેકટર વિરાણી, સર્વેલન્સ પીએસઆઈ ડી કે મોરી અને મહિલા સબઈન્સપેકટર ધીલ્લોનનો સમાવેશ થાય છે. કોર્ટ હવે આ તમામ 29 ફરિયાદની તપાસ કરવાનો આદેશ આપશે ત્યાર બાદ આગળની કાર્યવાહી થશે.