મેરાન્યૂઝ નેટવર્ક.શ્રીનગરઃ અમરનાથ યાત્રા પર આતંકવાદી હુમલાની ગુપ્ત માહિતી બાદ જમ્મુ કશ્મીર સરકારે અમરનાથ યાત્રિઓ અને પર્યટકોની માટે એડવાઈઝરી બહાર પાડી છે. સરકારે તીર્થ યાત્રિઓ અને પર્યટકોને કશ્મીર ઘાટીમાં પોતાનું રોકાણ અને યાત્રાની સમયમર્યાદા ઓછી કરી દેવા કહ્યું છે. એટલું જ નહીં, અમરનાથ યાત્રાળુઓને અને પર્યટકોને જેટલું જલ્દી થઈ શકે તેટલું જલ્દી કશ્મીર ઘાટીથી પાછા આવી જવાના જરૂરી પગલા લીધા છે.

જમ્મુ-કશ્મીરના પ્રિન્સિપલ સેક્રેટરી (હોમ) તરફથી જાહેર સિક્યોરિટી એડવાઈઝરીમાં શ્રદ્ધાળુઓ અને પર્યટકોને યાત્રાની મર્યાદા ઓછી કરવા અને જલ્દી પાછા જવાનું કહેવાયું છે.

આપને જણાવી દઈએ કે સુરક્ષા દળોએ શુક્રવારે અમરનાથ યાત્રા પર મોટા આતંકવાદી હુમલાના ષડયંત્રને નાકામ કર્યું છે, સીઆરપીએફ, જમ્મુ- કશ્મીર પોલીસ અને સેનાએ શુક્રવારે પ્રેસ કોન્ફરન્સ કરીને તેની જાણકારી આપી હતી. આ દરમિયાન હાજર અધિકારીઓએ કહ્યું કે, અમરનાથ યાત્રિઓ પર સ્નાઈપરથી હુમલા થવાના પ્રયત્નો કરાયા, પણ સુરક્ષાદળોએ તેને વિફળ બનાવ્યા છે. સેનાની તરફથી કહેવાયું કે પાકિસ્તાનની સેના સતત કશ્મીરમાં શાંતિ ભંગનો પ્રયાસ કરી રહી છે. ઘણી વાર સર્ચ ઓપરેશન દરમિયાન બારુદી સુરંગોની પણ ખબર પડી છે પરંતુ તેમના તમામ પ્રયાસો વિફળ બનાવી દેવાયા છે. સેનાના અધિકારીએ કહ્યું કે કશ્મીરમાં ઘાટીમાં સ્થિતિત સુધરી છે અને આતંકીઓની સંખ્યા પણ ઓછી થઈ છે.

લેફ્ટનેન્ટ જનરલ કેજેએસ ઢિલ્લનને કહ્યું કે, સુરક્ષાદળોએ અમરનાથ યાત્રાના રુટ પર આતંકીઓના એક ઠેકાણેથી સર્ચ ઓપરેશન દરમ્યાન એક અમેરિકન સ્નાઈપર રાઈફલ એમ-24 મળી આવી છે. તે ઉપરાંત પાકિસ્તાનમાં નિર્મિત બારુદી સુરંગ અને અન્ય વિસ્ફોટકો મળી આવ્યા છે. પકડાયેલા માઈન્સનો ઉપયોગ પાકિસ્તાની સેના કરે છે.