મેરાન્યૂઝ નેટવર્ક.અમદાવાદ: હમણા આવું છું... આ છેલ્લા શબ્દો હતા અમદાવાદના પોલીસ કોન્સ્ટેબલ લક્ધીરસિંહ ગોહિલના. કદાચ આ શબ્દો તેમનો પરિવાર ક્યારેય નહીં ભુલી શકે. કારણ કે હમણા આવું છું કહીને નિકળેલા લક્ધીરસિંહ પાછા જીવંત આવ્યા ન હતા. ગતરાત્રીના સમયે તેમણે પરિવારને આ શબ્દો કહ્યા હતા. તેમની લાશ વટવા નજીક ટ્રેનના પાટા પર કપાયેલી મળી હતી. તેમણે કરેલી આત્મહત્યામાં પરિવાર માટે ભારે આઘાત લાગ્યો છે. પોલીસે બનાવની વધુ તપાસ હાથ ધરી છે પરંતુ તેમની આત્મહત્યાનું કારણ હજુ પોલીસ જાણી શકી નથી.

વટવા ખાતે રહેતા 31 વર્ષિય લક્ધીરસિંહ મહાવિરસિંહ ગોહિલ વટવા પોલીસ સ્ટેશનમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે નોકરી કરતા હતા. તેઓ છેલ્લા 3.5 વર્ષથી અહીં નોકરી કરતા હતા. તેમની સાથે અહીં પરિવારમાં તેમની પત્ની અને એક બે વર્ષનો દિકરો છે.

ગઈ કાલે તેઓ રોજની જેમ પોતાની નોકરી પરથી ઘરે આવ્યા અને બાદમાં બાઈક લઈને ક્યાંક જવા નિકળ્યા, ત્યારે તેઓ કહીને નિકળ્યા કે હમણા આવું છું. જોકે ત્યાંથી તેઓ બાઈક લઈને ક્યાં ગયા તે પરિવાર જાણતું નથી. તેઓ બાઈક લઈને વટવા નજીક આવેલા રેલવે ક્રોસીંગ પાસે પહોંચ્યા હતા. જ્યાં સુર્યનગરી એક્સપ્રેસ ટ્રેન સાથે અથડાઈ તેમનું મોત થયું છે. તેઓ પાસેથી કોઈ ચિઠ્ઠી મળી નથી, તેમની સાથે કામ કરતા અન્ય પોલીસ કર્મીઓને પણ તેમણે આત્મહત્યા કયા કારણસર કરી હશે તેનો કોઈ અંદાજ નથી.

હાલ આ અંગે અકસ્માતે મોતનો ગુનો નોંધી પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે. તેમના મૃતદેહને પણ પોસ્ટ મોર્ટમ માટે મોકલી વધુ તપાસ હાથ ધરી છે. બનાવ અંગે હાલ પોલીસ પાસે કોઈ નક્કર કારણ નથી પરંતુ ઘટનાસ્થળની તપાસ પ્રમાણે પોલીસને હાલ આ ઘટના આત્મહત્યાની હોય તેવું લાગી રહ્યું છે. જોકે વધુ વિગતો પોલીસની વધુ તપાસ બાદ જ બહાર આવશે. હાલ પરિવાર માટે તેમના થયેલા અચાનક અવસાનને કારણે અત્યંત દુઃખદ પ્રસંગ સામે આવ્યો છે.