મેરાન્યૂઝ નેટવર્ક.અમદાવાદઃ ગુજરાતમાં હાલ કોરોનાની સ્થિતિ અત્યંત ગંભીર બનતી જાય છે. અહીં જાણિતી સંસ્થા આઈઆઈએમ અમદાવાદ અને ગાંધીનગર આઈઆઈટીમાં કોરોનાની સ્થિતિ વધુ ગંભીર બની છે. હાલમાં આ બંને સંસ્થાઓમાં એક્ટિવ કેસ વધ્યા છે. પ્રાપ્ત જાણકારી અનુસાર મેનેજમેન્ટ સંસ્થા અમદાવાદમાં 40 દર્દીઓ છે જ્યારે ગાંધીનગરની સંસ્થામાં 25 દર્દીઓ કોરોનાના થયા છે.

ઈન્ડિયન ઈન્સ્ટીટ્યૂટ ઓફ મેનેજમેન્ટ (આઈઆઈએમ) અમદાવાદ અને ઈન્ડિયન ઈન્સ્ટીટ્યૂટ ઓફ ટેક્નોલોજી (આઈઆઈટી) ગાંધીનગરમાં કોરોના કેસની સંખ્યા ચિંતાજનક રીતે વધી રહી છે. ગત 12 સુધીના અમુક કેસને બાદ કરતાં લગભગ સંસ્થા કોરોના મુક્ત હોવાનું કહ્યું હતું. જોકે તે પછી ઝડપથી વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત થવા લાગ્યા હતા. તેમાંથી ઘણામાં તો સંક્રમણના લક્ષણો પણ જોવા મળી રહ્યા ન્હોતા. એક નિવેદનમાં કહેવામાં આવ્યું કે સંક્રમણની શરૂઆતના પાંચ કેસ 12 કે 13 તારીખે સામે આવ્યા હતા. અમદાવાદ કોર્પોરેશનના નાયબ સ્વાસ્થ્ય અધિકારી મેહુલ આચાર્યનું કહેવું છે કે સંસંથામાં તપાસ દરમિયાન 22 વિદ્યાર્થીઓ અને એક પ્રોફેસર સંક્રમિત હોવાનું સામે આવ્યું હતું. જે પછી બીજા 17 વ્યક્તિ કોરોના સંક્રમિત થયા હતા.


 

 

 

 

 

આઈઆઈએમ અમદાવાદે એક નિવેદનમાં કહ્યું કે કોરોનાનો ચેપ જે વિદ્યાર્થીઓને લાગ્યો હતો તેમને પરીક્ષામાં બેસવાની પરવાનગી અપાઈ નથી. તમામ વિદ્યાર્થીઓને અને ત્યાં રહેનારા લોકોની નિઃશુલ્ક આરટી-પીસીઆર તપાસ પણ કરાઈ રહી છે અને હાલ ટેસ્ટિંગની સંખ્યા પણ વધારી દેવાઈ છે. આવી જ રીતે ગાંધીનગરની આઈઆઈટીમા પણ સંક્રમણ વધ્યું છે. સંસ્થાના પ્રવક્તાનું કહેવું છે કે ગત કેટલાક દિવસોમાં 25 જેટલા વિદ્યાર્થીઓ કોરોનાની ઝપેટે આવી ગયા હતા. તેમની સારવારનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. 

ઉલ્લેખનીય છે કે શુક્રવારે કોરોનાના રાજ્યમાં 2190 કેસ નોંધાયા હતા. ઉલ્લેખનીય છે કે રવિવારે હોળી અને સોમવારે ધૂળેટીનો તહેવાર છે. જોકે સરકારે તહેવારો દરમિયાન કેટલીક ગાઈડલાઈન્સ જાહેર કરી છે. ગુજરાત સરકારે ધાર્મીક વિધિ કરફ્યૂ સિવાયના સમયમાં કરવાની છૂટ આપી છે પરંતુ તેમાં પણ ટોળા એક્ઠા થાય તેવી કોઈ ગતિવિધિઓને સરકારે મંજુર કરી નથી. આવી તમામ ગતિવિધિઓ પર કાર્યવાહી કરવામાં આવશે તેવી પણ સરકારે આકરી વાત કરી લીધી છે. જોકે હવે આગામી સમયમાં કોરોનાના કેસ વધે નહીં તેવી આશાઓ અને પ્રાથનાઓ સાથે લોકોએ પોતાની સુખાકારી જાતે વિચારવાની રહી છે કારણ કે કોરોના મામલે તંત્ર પર વધુ નિર્ભર રહેવા કરતાં જાત પર નિર્ભરતા વધુ લાભદાયી છે.