જયેશ શાહ.(મેરાન્યૂઝ.કચ્છ) : કચ્છ જિલ્લામાં વગર ચૂંટણીએ વાતાવરણ ગરમ બની ગયું છે. ભાજપ અને કોંગ્રેસમાં આંતરિક વિખવાદ અને જૂથબંદીને કારણે આવી સ્થિતિ થઈ છે. ભાજપનાં ભુજનાં ધારાસભ્ય ડોક્ટર નીમાબેનનાં ગ્રૂપીઝમ અંગેનાં લેટરનો વિવાદ હજુ શાંત પણ નથી પડ્યો ત્યાં હવે કચ્છ કોંગ્રેસનો કકળાટ બહાર આવ્યો છે. કચ્છ યુથ કોંગ્રેસનાં પ્રમુખે જિલ્લાનાં પ્રમુખ યજુવેન્દ્ર જાડેજાને નબળા નેતા તરીકે ચિતરીને કચ્છમાં કોંગ્રેસને બચાવવી હોય તો તેમને હટાવવા જોઈએ તેવી પોસ્ટ ફેસબુકમાં કરતા ખળભળાટ મચી ગયો છે.

કચ્છ જિલ્લા યુવા કોંગ્રેસના પ્રમુખ હરિસિંહ જાડેજાએ ફેસબુક ઉપર ગુરુવારે આ અંગેની બે પોસ્ટ મૂકી હતી. જેમાં એકમાં તેમણે કચ્છનાં કોંગ્રેસને નબળા નેતા તરીકે યજુવેન્દ્ર જાડેજાને કારણે એક વર્ષમાં કોંગ્રેસના સારા નેતા ભાજપમાં જોડાઈ ગયા હોવાનું તથા સારા આગેવાનો નિષ્ક્રિય બની ગયા હોવાનું લખ્યું હતું. જો કચ્છમાં કોંગ્રેસને બચાવવી હોય તો યજુવેન્દ્રસિંહને કચ્છ કોંગ્રેસનાં પ્રમુખ પદેથી તાત્કાલિક હટાવવા જોઈએ તેવી માંગણી કરતી પોસ્ટને પગલે કચ્છ કોંગ્રેસ સહિત સરહદી જિલ્લાના રાજકારણમાં સમગ્ર મામલો ટોકિંગ પોઇન્ટ બન્યો હતો.

બીજી એક પોસ્ટમાં યુથ કોંગ્રેસનાં આ નેતાએ કોંગ્રેસનાં ભવિષ્યની ચિંતા કરતા હોય તે રીતે અગાઉનાં પ્રમુખ નવલસિંહ જાડેજાનાં કાર્યકાળને યાદ કર્યો હતો. અને નવલસિંહને જ ફરીથી જિલ્લા પ્રમુખનો હવાલો સોંપવામાં આવે તેવી વાત કરી હતી.

જોકે યુથ કોંગ્રેસના નેતા બંને પોસ્ટ ફેસબુકમાં મૂક્યા બાદ દબાણમાં આવી ગયા હોય તે રીતે જિલ્લા પ્રમુખ યજુવેન્દ્ર જાડેજાનાં નામવાળી પોસ્ટ હટાવી દીધી હતી. અલબત્ત તે પહેલા જ કેટલાક કાર્યકરો દ્વારા તેનો સ્ક્રીન શોટ લઈ લીધો હોવાને કારણે પોસ્ટ દૂર કર્યા પછી પણ તે પોસ્ટ વાઇરલ થઈ હતી.

પ્રમુખ બનાવ્યા ત્યારે જ વિવાદ થયેલો

યજુવેન્દ્રસિંહ જાડેજાને જયારે કચ્છ કોંગ્રેસનું સુકાન સોંપવામાં આવ્યું હતું ત્યારે જિલ્લાનાં કોંગી અગેવાનોમાં રોષ જોવા મળ્યો હતો. કારણ કે કોંગ્રેસની આંતરિક ચૂંટણી વખતે જ યજુવેન્દ્રસિંહ જાડેજાને કચ્છ ગાંધીધામમાંથી વોટ મળ્યા ન હતા. એટલું જ નહીં પરંતુ ગાંધીધામ નગર પાલિકાની ચૂંટણી હારી ગયેલા વ્યક્તિને જિલ્લાનાં પ્રમુખ બનવતા જે તે સમયે  કોંગ્રેસમાં રોષનું વાતાવરણ જોવા મળ્યું હતું. યજુવેન્દ્રસિંહ જાડેજાનાં પિતા શૈલેન્દ્રસિંહ જાડેજાને કારણે તેમને પ્રમુખ બનાવ્યા હોવાની વાતો તથા ત્યારબાદ લોકસભાની ચૂંટણી વેળાએ કોંગ્રેસનાં ઉમેદવાર નરેશ મહેશ્વરીની સાથે મળીને ચૂંટણી ફંડ ઘર ભેગું કર્યાની વાતથી પણ કોંગ્રેસના કાર્યકરો રાઘવાયા બન્યા હતા.