પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ.અમદાવાદ): પત્રકારત્વનો અભ્યાસ કરનાર અને પત્રકારત્વનો અભ્યાસ કર્યા વગર પણ જેઓ પત્રકારત્વમાં પ્રવેશ્યા છે તે પૈકી મોટો વર્ગ એવો છે કે તેમની પહેલી પસંદગી ટેલીવીઝનમાં કામ કરવાની રહી છે. કોણે કયાં કામ કરવુ તે પસંદગી તેણે પોતે જ કરવાની હોય છે, પરંતુ આ પસંદગી પોતાની રીતે કરવાને બદલે સામાન્ય રીતે કોઈને જોઈને થતી હોવાને કારણે તે નિર્ણયમાં ભુલ થવાની સંભાવના છે. આપણે ત્યાં ટીવી ડીબેટનું આગમન થયું ન્હોતુ તે પહેલા પણ આપણે  કહેતા હતા કે વિશ્વની કોઈ પણ સમસ્યાનું સમાધાન સંવાદ દ્વારા થઈ શકે છે. હવે જ્યારે સંવાદ કરીએ ત્યારે કોઈક વખત આપણે બોલીએ કોઈક વખત સામેની વ્યકિતએ બોલવાનું હોય છે. સંવાદમાં સામેની વ્યકિતને સાંભળવી જોઈએ તેવી પણ વ્યવસ્થા હોય છે, પરંતુ દેશની વિવિધ સમસ્યા ઉપર થતી ટીવી ડીબેટમાં એન્કર સહિત ચોક્કસ વિષય ઉપર પોતાનો મત વ્યકત કરવા આવેલી તમામ વ્યકિતઓ એક સાથે બોલવા લાગે છે. જાણે એક સાથે તમામને કોઈ બિમારી લાગુ પડી હોય તેવું લાગે છે.

ડીબેટમાં સૌથી મહત્વની જવાબદારી કાર્યક્રમનું સંચાલન કરનારની હોય છે જેને આપણે એન્કર તરીકે ઓળખી છીએ, હમણાં જેઓ એન્કરીંગ કરે છે, તેમની મર્યાદાઓ આંખે ઉડીને વળગે તેવી હોય છે. જો કે તેમાં માત્ર એન્કરનો વાંક હોતો નથી જે તે ટીવી ચેનલના હેડનો પણ હોય છે. ચેનલ હેડે એન્કરને ડીબેટનો વિષય આપતા પહેતા તકેદારી રાખવાની જરૂર હોય છે. કે જે એન્કરને તેઓ જવાબદારી સોંપી રહ્યા છે. તેમને તે વિષયના સંદર્ભમાં કેટલી સમજ છે. અથવા તેઓ વિષયને સમજી તેનો અભ્યાસ કરશે કે નહીં, ચેનલ હેડ આ બાબતને ધ્યાનમાં રાખ્યા વગર એન્કરને કાર્યક્રમ સોંપી દેતા હોય છે. જ્યારે એન્કર પણ પોતાને સોંપવામાં આવેલા કાર્યક્રમ માટે રીસર્ચ બહુ ઓછુ કરે છે અથવા રીસર્ચ ટીમ તેમને જરૂરી માહિતી આપવામાં નિષ્ફળ જાય છે. એન્કર્સ પણ પોતાના ઉપરી અધિકારીને કહેતા નથી કે તેમને સોંપવામાં આવેલા વિષયની તેમની પાસે બહુ ઓછી જાણકારી છે જેના કારણે તેઓ આ કાર્યક્રમને યોગ્ય ન્યાય આપી શકશે નહીં.

અહિયા માત્ર વાત એન્કરને કારણે બગડે છે તેવું નથી, ડીબેટમાં કોઈની પસંદગી થાય છે તે પણ ખુબ મહત્વનું હોય છે. સામાન્ય રીતે રાજકીય પક્ષો દ્વારા ડીબેટ માટે એક ટીમ નક્કી કરવામાં આવી છે, આ ટીમ વિષયની નિપુણતાને કારણે નહીં પણ કોણ આપણી વાત સાચી કે ખોટી રીતે રજુ કરી શકે છે તેના આધારે હોય છે. જેના કારણે રાજકીય પક્ષો દ્વારા જ્યારે ડીબેટ માટે જેમને મોકલવામાં આવે છે તે તમામના સ્તર સારા જ હોય તે દરેક વખતે જરૂરી હોતું નથી. આવુ તમામ રાજકીય પક્ષો કરતા હોવાને કારણે રાજકીય ડીબેટનું સ્તર મોટા ભાગે ખાસ્સુ નીચે જતુ રહે છે. આ ઉપરાંત રાજકીય ડીબેટ સિવાયના વિષયમાં પણ આવુ થાય છે તેનું એક કારણ એવું છે કે થોડીક ચેનલ્સને બાદ કરતા મોટા ભાગની ચેનલ્સ ડીબેટમાં આવતા વિષય નિષ્ણાતને પોતાનો સમય અને જ્ઞાન આપવાના બદલામાં મહેનતાણું આપતી નથી.

બહુ જ જુજ ચેનલ્સ દ્વારા ડીબેટમાં આવનારને એક ચોક્કસ રકમ મહેનતાણા રૂપે આપે છે, બાકીની તમામ મોટા ભાગની ચેનલો વિષય નિષ્ણાતને પૈસા આપતી નથી પણ તેઓ જાણે વિષય નિષ્ણાતને પોતાની ચેનલ ઉપર તક આપી તેમના ઉપર ઉપકાર કરતી હોય તેવું દર્શાવે છે. જેના કારણે જેઓ ખરેખર પોતાના વિષયમાં માહિર છે તેવા નિષ્ણાતો ડીબેટમાં આવવાનું એક અથવા બીજા કારણે ટાળે છે. જો કે જેઓ મફતમાં ડીબેટમાં હિસ્સો બને છે તે તમામ પોતાના વિષયમાં માહિર હોતા નથી તેવું દરેક માટે કહી શકાય નહીં, છતાં મહંદ અંશે તેવું થાય છે. જેના કારણે ડીબેટ માટે ઉત્તમ અવકાશ ઓછો થઈ જાય છે. આમ જ્યારે એન્કર સહિત ડીબેટમાં આવનારી વ્યકિત  પુરતા અભ્યાસ વગર ડીબેટનો હિસ્સો બને છે ત્યારે વિષય ઉપર બોલવાને બદલે બાકીના તમામ વિષય ઉપર બોલવાની શરૂઆત થાય છે.

એન્કરનું કામ વિષયની સમજ આપી કાર્યક્રમનું સંચાલન કરવાનું અને જે કડી ખુટે છે તેની માહિતી સંબંધીતો પાસે કઢાવવાનું છે, પરંતુ કાર્યક્રમ શરૂ થતાં  જ કેટલાક એન્કર્સ 25 મિનીટના કાર્યક્રમમાં 12 મિનીટ તો પોતે જ બોલે છે. ત્યારે બાદ તે કાર્યક્રમને કઈ દીશામાં લઈ જવાનો છે તે પહેલાથી નક્કી કરી નાખે છે. જેના કારણે પોતાની દિશાને અનુકુળ હોય તેવા મહેમાનને વધુ બોલવાની તક આપે છે અને પોતાના મતથી વિપરીત મતાધારી મહેમાનની વાત પુરી થાય તે પહેલા તેમને વચ્ચે વચ્ચે અટકાવે છે અને  એન્કાઉન્ટરની શરૂઆત ઘોંઘાટને જન્મ આપે છે. ઘણા કાર્યક્રમમાં મહેમાનો તેવી ફરિયાદ કરે છે જો તમારે અમને સાંભળવા જ ના હોય તો શું કામ બોલાવો છો. આમ ડીબેટમાં એન્કર સહિત તમામ એક સાથે રીસતર રાડો પાડતા હોય તેવી રીતે બરાડી ઉઠે છે ક્યારેક તો એવો ડર પણ લાગે છે કે તેઓ આટલા ગુસ્સામાં એકબીજા ઉપર હુમલો કરી બેસશે.

અમારા એક મિત્ર મઝાકમાં કહે છે કે દેશની  હોસ્પિટલમાં ઓપરેશન કરતા પહેલા દર્દીને બેભાન કરવા માટે એનેસથેસીયા આપવાને બદલે તેમને ચોક્કસ ચેનલની ડીબેટ બતાડી દેવામાં આવે તો આખુ ઓપરેશન થાય ત્યાં સુધી બેભાન રહેશે.