પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ.અમદાવાદ): થોડા દિવસો પહેલા મને એક નિવૃત્ત આઈપીએસ અધિકારી મળી ગયા, તેમની નિવૃત્તીને ઘણા વર્ષો થઈ ગયા, જ્યારે તેઓ નોકરીમાં હતા ત્યારે સરકારી ગાડીમાં ફરતા અને તેમની આસપાસ બંદુકો સાથે જવાનો રહેતા હતા, હવે તેઓ નિવૃત્ત છે, તેઓ જે કારમાં આવ્યા હતા તે આલીશાન મોંધી કાર હતી, કારની કિંમત લાખોમાં જ હશે, સાહેબની નોકરી દરમિયાન તે પ્રકારની પ્રકૃતિ હતી તે પ્રમાણે તેમની પાસે આવી મોંઘી કાર હોવી સ્વભાવીક હતું, મારી નજર તેમની કારના ડેસ બોર્ડ ઉપર પડી મેં જોયું તો ડેસ બોર્ડ ઉપર પોલીસનો ડંડો પડયો હતો, મેં તેમને પુછ્યું સાહેબ ડેસ બોર્ડ ઉપર ડંડો કેમ છે, તેમણે મારી સામે  જોયું અને થોડા ધીમા અવાજે કહ્યું, પોલીસમાંથી તો નિવૃ્ત્ત થઈ ગયો પણ મનમાં પડેલો પેલો પોલીસવાળો હજી જતો નથી.

મને બહુ આશ્ચર્ય થયું, તેઓ પોલીસમાં હતા તેના કારણે મારા ચહેરાના ભાવ સમજી ગયા, તેમણે મારા ખભા ઉપર હાથ મુકતા કહ્યું, આખી જીંદગી પોલીસવાળા સલામ કરતા હતા તેનો પણ એક નશો હોય છે, પણ નિવૃ્ત્તી પછી કોણ સલામ કરે, પણ મેં  રસ્તો શોધી  કાઢયો, નિવૃત્ત પોલીસવાળાને મેં મારા બંગલે નોકરી આપી દીધી, તેને બીજુ  કોઈ કામ કરવાનું નહીં હું બંગલાની બહાર નિકળું ત્યારે મને સલામ કરવાની, હું તેમની સામે જોઈ રહ્યો, તેમણે મને કહ્યું એક વખત તમને કોઈ સાહેબ  કહે પછી તે સાહેબ તમારો પીછો છોડતો નથી, તેઓ મને મળી નિકળી ગયા પણ મને લાગ્યું કે એક વખત આ ચક્કરમાં પડયા પછી નિકળવા માટે ખુબ મહેનત કરવી પડે છે.

આપણું કામ, આપણો હોદ્દો આપણને એક ઓળખાણ આપે છે, મોટા ભાગની ઓળખાણ હોદ્દા સાથે સંકળાયેલી હોય છે, બહુ ઓછા લોકો પાસે પોતાના કામની ઓળખાણ હોય છે, અને જેઓ કામથી ઓળખાય છે તેઓ પણ સમયની સાથે પોતાની ઓળખ ગુમાવતા હોય છે, જ્યારે આપણી નોકરી રહેતી નથી અને જ્યારે આપણે કામ કરી શકતા નથી ત્યારે પહેલા લોકો જે રીતે આપણી સાથે વ્યવહાર કરતા હતા તેવો વ્યવહાર થતો નથી  ત્યારે મનમાં સંતાપ થાય છે, મન દુઃખી થાય છે, પણ જ્યારે આપણે હોદ્દા ઉપર હોઈ ત્યારે જો આપણી જાતને સમજાવી શકીએ કે હાલમાં જે ઓળખ છે તે કાયમી રહેવાની નથી તો આવનાર માનસીક પરિતાપથી આપણે પોતાની બચાવી શકીએ.

પોતાની નોકરી-પદ અને વ્યવસાયને કારણે મળતા ગ્લેમરનો અનુભવ કરનાર તમામ આ રસ્તે પસાર થાય છે. મેં ગાંધીનગરનું રિપોર્ટીંગ કરનાર પત્રકારોને પણ જોયા છે, જેઓ વર્ષોથી સચિવાલયનું  રિપોર્ટીંગ કરે છે તેના કારણે તેમનો સીધો નાતો મંત્રી અને આઈએએસ અધિકારી સાથે રહે છે, નિવૃત્તી બાદ હવે તેમને ગાંધીનગર તરફ મોઢું રાખી સુવાની પણ જરૂર નથી, તેઓ પોતાના સમયના નામ અને દામ બંન્ને કમાયા, તેમના સંતાનો પણ સારી જગ્યાએ કામે લાગી ગયા, પૈસાની પણ કોઈ તંગી નથી છતાં તેઓ ગાંધીનગર જતી પત્રકારોની બસમાં સચિવાલય આવે છે. અમે ઘણા મઝાકમાં કહીએ છીએ કે સરકારે આવા વયો વૃધ્ધ પત્રકારો માટે એક એમ્બ્યૂલન્સ પણ રાખવી જોઈએ.

આપણે જ્યાં વર્ષો સધી કામ કર્યું અને નોકરી પુરી થઈ પછી આપણે તે સ્થળ અને કામ સાથે કેમ વળગણ થાય છે તેનું કારણ આપણે આપણી ઓળખને છોડવા માગતા નથી. આપણને લાગે છે કે આપણી ઓળખ ભુલાઈ જશે તો આપણું શું થશે, દેશમાં કરોડો લોકો રહે છે જેમની પાસે પોતાના હોદ્દાની કોઈ ઓળખ નથી છતાં તેઓ સારી રીતે જીવે છે અને મરે છે, પણ જેમને હોદ્દા અને પદને કારણે ઓળખ મળી છે તેઓ સતત પોતાની ઓળખ જાળવી રાખવા માટે મથામણ કરતા હોય છે. આપણે ઘણી વખત રસ્તામાં ઝઘડતા લોકો જોયા છે. તેમાં બે માંથી એક અચુક રીતે એવુ બોલે છે તું મને જાણતો નથી હું કોણ છું ?

જ્યારે જ્યારે આપણે હું કોણ છું તેવી ઓળખ આપવી પડે ત્યારે સમજવું આપણો  સમય પુરો થયો છે, આજે આપણે જે કામ કરીએ છીએ આપણી પહેલા બીજુ કોઈક કરતુ હતું, તેમના પહેલા બીજુ કોઈક કરતુ હતું અને આપણે જતા રહીશું પછી આપણા પછી આવનાર પણ તે કામ કરશે અને આપણે થોડા સમયમાં ભુલાઈ જઈશું. એવી જ રીતે જેવી રીતે આપણી પહેલાના લોકો ભુલાઈ ગયા. એટલે લોકો આપણને ભુલી ગયા તેનું દુઃખ આપણને લાગે તે પહેલા આપણે પોતાના પદ-હોદ્દા અને તેના દ્વારા મળેલી ઓળખને ભુલવી પડશે, ઓળખનો ભાર આપણે જ ઉતારવો પડશે કારણ ક્યાં સુધી આપણે આ ભાર સાથે જીવીશું.