પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ, અમદાવાદ): ક્રિકેટનાં મેદાનની બહાર બેઠેલા પ્રેક્ષકો હોય અથવા બોક્સિંગ રીંગની બહાર બેઠેલા પ્રેક્ષકો હોય તેઓ પોતાના પ્રિય ખેલાડીને રમતા જોઈ બુમો પાડે, તાળીઓ વગાડે અને ચિચિયારીઓ પણ પાડે પણ રમત રમનારે રમતના નિયમોને આધિન રમત રમવાની હોય છે. ખેલાડીએ દર્શકની બુમો, તેની ઈચ્છા, તેની માગણી કે પછી તેના સુખ દુખના આધારે રમત રમવાની હોતી નથી. જે ખેલાડી તેણે સ્વેચ્છાએ સ્વીકારેલા નિયમો પ્રમાણે રમે છે, કદાચ તે રમત હારી પણ જાય તો પણ તેનો અફસોસ હોતો નથી કારણ તે નિયમોને આધીન રમ્યો હતો. જ્યાં સુધી સોશિયલ મીડિયાનું આગમન થયુ ન્હોતુ ત્યાં સુધી અખબારમાં પત્રકાર અને કોલમીસ્ટ જે કંઈ પણ લખતા તે વાંચકને પસંદ પડ્યું અથવા નાપસંદ પડ્યું તેની તરત ખબર પડતી ન્હોતી પણ હવે તેવુ રહ્યું નથી. સોશિયલ મીડિયાને કારણે વાંચક તરત પોતાનો અભિપ્રાય આપતો થયો છે.

તેના કારણે કેટલાંક ગંભીર સવાલો પણ ઉભા થયા છે. ખાસ કરી જેઓ પત્રકારત્વ કરે છે અથવા કોલમ લખે છે તેઓ સોશિયલ મીડિયા ઉપર આવતી પ્રતિક્રિયાને આધારીત પોતાનો મત વ્યક્ત કરી રહ્યા છે. આ જોખમી સ્થિતિ છે. દરેક વખતે  જે લખાયુ છે તે વાંચકને પસંદ પડે તે જરૂરી નથી ક્યારેક વાંચકને પણ કડવુ લાગે તેવુ લખવું પડે છે. પત્રકારે ક્યારેય કોઈને રાજી કરવા અથવા દુખી કરવા લખવાનું હોતું નથી. વાંચીને કોઈ રાજી થાય અથવા કોઈ દુખી થાય તે તો બાય પ્રોડક્ત હોય છે. વાંચકો પોતાના  પ્રિય લેખક અથવા પત્રકારને લાંબા સમયથી વાંચતા હોય છે તેના કારણે તે પોતાના મનમાં પોતાના  પ્રિય લેખક અથવા પત્રકારની એક છબી તૈયાર કરે છે, તે માની લે છે કે તેનો  પ્રિય પત્રકાર અથવા લેખક આવો જ છે અને તેણે આખી જિંદગી આવા જ રહેવાનું છે.

મારી એક સરકારી વિરોધી પત્રકાર હોવાની છાપ છે. ગુજરાતમાં છેલ્લાં  બે દાયકા કરતા વધુ ભાજપ અને નરેન્દ્ર મોદીનું શાસન હોવાને કારણે ખુદ નરેન્દ્ર મોદી અને તેમના સમર્થકો મને નરેન્દ્ર મોદી વિરોધી માને છે. મારૂ કામ શાસન ખોટું કરે ત્યારે તે તરફ તેમનું ધ્યાન દોરવાનું છે. પરંતુ 2016માં નરેન્દ્ર  મોદીએ નોટબંધી જાહેર કરી ત્યારે મોદી વિરોધીઓ તેમના ઉપર તુટી પડ્યા હતા. નરેન્દ્ર મોદી જે કરે છે તે ખોટું જ કરે છે તેવા મતનો હું ત્યારે પણ ન્હોતો અને આજે પણ નથી. વિરોધ નરેન્દ્ર મોદીનો નહીં પણ તેમના નિર્ણયો થવો જોઈએ. જ્યારે દેશનો મોટો વર્ગ તેમનો વિરોધ કરી રહ્યો હતો ત્યારે મેં લખ્યુ કે નોટબંધીનો નિર્ણય સાચો છે કે ખોટો તેના માટે આપણે મોદીને પચાસ દિવસનો સમય આપવો જોઈએ.  દેશના કરોડો લોકોની જેમ હું પણ બેંકની કતારમાં ઉભો હતો. હું ત્યારે માનતો કે નોટબંધીને કારણે દેશને ફાયદો થશે કે નુકશાન તે સમજવા મોદીને સમય આપવો જોઈએ.

ત્યારે મેં મોદીના નિર્ણયને સમર્થન ન્હોતુ આપ્યુ પણ મોદીને સમય આપવો જોઈએ તેવા મતનો હતો. મેં જ્યારે મોદીને સમય આપવો જોઈએ તેવુ લખ્યું ત્યારે મને પસંદ કરતા અનેક વાંચકો નારાજ થયા. તેમને મન  મારે કાયમ મોદીની ટીકા જ કરવાની હતી. આજે હું માનુ છું કે નોટબંધી ફારસ સાબીત થઈ, પણ તે ફારસ સાબીત થાય નહીં ત્યાં સુધી મારે મોદીની ટીકા કરવાની ન્હોતી. શાસનમાં આજે મોદી છે આવતીકાલે બીજુ કોઈ હશે.  મારે અને પત્રકારે શાસનના ટીકાકાર જ રહેવાનું છે, પણ ટીકાકારે સાવધ રહેવાની જરૂર હોય છે ટીકાકારે કે મારે વ્યક્તિગત ગમાઅણગમા બાજુ ઉપર રાખી માત્ર નિર્ણય આધારીત ટીકા કરવાનો પ્રામાણિક પ્રયત્ન કરવાનો હોય છે, નહીં કે પેવેલીયનમાં બેઠેલા દર્શકોની તાળીઓને આધારે પોતાનો મત વ્યક્ત કરવાનો હોય છે.

હજી થોડા દિવસ પહેલા મેં  2019ની ચૂંટણી અંગે જયોતિષ શું માને છે તેવી સ્ટોરી કરી. આપણા દેશમાં હું જ્યોતિષમાં માનતો નથી તેવુ કહેનાર લોકોને મેં રોજ અખબારમાં રાશીફળ વાંચતા જોયા છે. આમ સેક્સની જેમ જ્યોતિષ પણ વંચાતો વિષય છે. આ સ્ટોરી મને પણ પ્રભાવીત કરે તેવી ન્હોતી. આ સ્ટોરી પ્રસિધ્ધ થયા બાદ મારા એક મિત્રએ મને મેસેજ કર્યો કે બ્રાન્ડ પ્રશાંત દયાળ પાસે જે સ્ટોરીની અપેક્ષા છે તેવી નથી. આવુ ભુતકાળમાં પણ અનેક વખત થયુ છે. મને કોઈ કહે છે ઘણા દિવસ થયા કંઈ ધડાકા ભડાકા કર્યા નથી. બસ પછી તો કંઈ બબાલ થઈ જાય તેવી સ્ટોરી કરી નાખવાની, પણ મને ક્રમશ: સમજાયુ કે વાંચકો અથવા મિત્રને મઝા પડે અથવા તેમના થ્રીલ માટે હું લખતો નથી. મારી ઈમેજ સરકાર વિરોધી હોવાને કારણે નરેન્દ્ર મોદીનો ક્યાંકથી વાંક શોધી લખ્યા કરવાનું તેવુ પણ નથી. વાંચકોની તાળીઓ અને ચિચિયારીઓથી પ્રભાવીત થયા વગર માનસિક સમતોલન રાખી લખવું જરૂરી છે.

આવુ સામે પક્ષે પણ થાય છે. જેઓ નરેન્દ્ર મોદીને પ્રેમ કરે છે તેવા વાંચકો અનેક વખત લખે છે કે તમે તો કોંગ્રેસી છો, તમે કોંગ્રેસ વિરૂધ્ધ તો કંઈ લખતા નથી, જયાં સુધી હું મારી જાતને તપાસુ છું ત્યારે મને ખબર પડે છે કે કોંગ્રેસ વિરૂધ્ધ લખવામાં મારી જુવાની ખર્ચાઈ ગઈ અને નરેન્દ્ર મોદીના સમર્થકો હું કોંગ્રેસ વિરૂધ્ધ લખી  શકુ તેવી તક મને છેલ્લાં અઢી દાયકાથી આપતા નથી, પણ હું  કોંગ્રેસી નથી તેવુ સાબીત કરવા બીસ્માર થઈ ગયેલી કોંગ્રેસને હું નિષ્પક્ષ છું તેવુ સાબીત કરવા ગાળો આપવાની તે પણ વાજબી નથી. જે પત્રકાર પોતાની શરત પ્રમાણે જીવે છે તેને શાસન તો પસંદ કરતુ નથી પણ જેઓ પોતાની શરત પ્રમાણે જીવી શકતા નથી તેઓ પણ તેમને સહન કરી શકતા નથી. પોતાની શરત પ્રમાણે જીવનારે કિંમત ચુકવવી પડે છે અને દરેકમાં કિંમત ચુકવવાની તૈયારી પણ હોતી નથી.