પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ.અમદાવાદ): મારો એક મિત્ર છે તેને જ્યારે પણ મળો ત્યારે તે ગુ્સ્સામાં હોય, તે મને જઈ દેશના કોઈ એક વિષયને લઈ મારી સામે ગુસ્સો ઠાલવવા લાગે, તેને ખબર છે કે હું પત્રકાર છું, તે ક્યારેક પોલીસ પરેશાન કરે છે તેવા વિષય ઉપર બોલવા લાગે તો ક્યારેક મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ચાલતા ભ્રષ્ટાચારની ફરિયાદ કરે આમ તેની પાસે રોજ એક નવો વિષય હોય છે, તેનો કોઈ વિષય બીજી વખત રિપીટ થતો હોય તેવું બન્યું નથી, પણ મુળ તેની નારાજગી એવી છે કે દેશમાં કઈ જ સારૂ થઈ રહ્યું નથી, આટલી બધી સમસ્યા છે છતાં પ્રજા કઈ બોલતી નથી, માધ્યમો પણ કઈ લખતા નથી, વિરોધ પક્ષ તેનું કામ કરતો નથી. આમ દેશ આખામાં અંધેર છે પણ કોઈ કશું કરતું નથી. હું તેને વર્ષોથી સાંભળું છું, ક્યારેક તેને વધુ ગુસ્સે કરવા માટે તેની સાથે ચર્ચા પણ કરૂ છું. મને થોડા દિવસ પહેલા લાગ્યું મિત્રને આકરો ડોઝ આપવા પડશે.

મારો મિત્ર જે પ્રકારનો વ્યવહાર કરે છે, તેવી સ્થિતિમાં દેશના કરોડો લોકો છે. પોતાની નોકરીના સ્થળે, બસ સ્ટેન્ડ ઉપર, પાનની દુકાન ઉપર અને સામાજીક પ્રસંગોમાં લોકો ભેગા થાય ત્યારે અચુક ચર્ચા નિકળે કે દેશમાં કઈ જ સારૂ થઈ રહ્યું નથી અને બધા કામ ચોર થઈ ગયા છે. આ પ્રકારના લોકોનો દેશ પ્રેમ અને દેશની ચિંતા પાનની દુકાન સુધી સિમિત છે. પાનની પીચકારીની સાથે તેઓ પોતાનો દેશ પ્રેમ પણ રસ્તા ઉપર વેરી જતા રહે છે,  મને લાગ્યુ કે વર્ષોથી દેશને લઈ પોતાનો રોષ ઠાલવી રહેલા મારા મિત્રની સમજમાં સુધારો કરવાનો વખત આવી ગયો છે. તે દિવસે હું તેને મળ્યો તેની થોડીક જ વારમાં  દેશની સમસ્યા અને લોકોને સાપ સુંઘી ગયો છે તે વિષય ઉપર બોલવાની શરૂઆત કરી, મેં તેને પુછ્યું તું બધી સમસ્યાને એક સાથે ભેગી કરી વાત કરીશ નહીં.

તારી પહેલી ફરિયાદ કોની સામે છે તે કહે. તેણે કહ્યું આ મ્યુનિસિપાલટીવાળા કઈ કરતા નથી, મેં તેને પુછ્યું કે તારી જે કોઈ ફરિયાદ છે તે માટે તે ક્યારેય મ્યુનિસિપાલટીને ફોન કર્યો. તે મારી સામે જોઈ રહ્યો,  મેં તેને કહ્યું ચાલ તે ફોન નથી કર્યો પણ ક્યારેય તું મ્યુનિસિપાલટીમાં જઈ સંબંધીત અધિકારીને મળ્યો. તે તરત મારી ઉપર તડુકયો, અરે કેવી વાત કરો છો હું મારો ધંધો કરૂ કે પછી ધંધો છોડી સાહેબોની પાછળ ફરૂ. મેં કહ્યું જો ભાઈ તારી પીડાની દવા તો તારે જાતે જ કરવી પડશે આપણી બગલમાં ગુમડુ થયું હોય તો નસ્તર આપણે મુકાવવું પડે, આપણા બદલે  કોઈ બીજો નસ્તર મુકાવે તો આપણું ગમડુ મટી જતું નથી. તે તરત મારી ઉપર બગડયો  તેણે મને કહ્યું તમે પત્રકારો પણ ફુટી ગયા છો તમે પણ કઈ લખતા નથી બધા મીડિયાવાળા વેંચાઈ ગયા છે.

મેં કહ્યું ચાલ માની લે કે અમે ભ્રષ્ટ થઈ ગયા, અમને પોલીસવાળા, કોર્પોરેશનવાળા, નેતા અને કંપનીવાળા પૈસા આપે છે માટે અમે કઈ કરતા નથી, પણ મારો પ્રશ્ન બહુ સરળ અને સીધો તને જ છે કે દેશમાં જઈ કઈ થઈ રહ્યું છે તેમાં સુધારો લાવવા માટે તે શું કર્યું, તે મારી સામે જોઈ રહ્યો, તેને લાગ્યું કે હું કેવો મુર્ખ જવો પ્રશ્ન પુછી રહ્યો છું, તેણે કહ્યું હું શું કરી શકું, મેં  તેના ખભે હાથ મુકતા કહ્યું તારી લડાઈ તારે જ જાતે જ લડવી પડશે, જેમ મહાભારતની લડાઈમાં અર્જુનની મદદે  કુષ્ણ આવ્યા હતા તેમ  તારી લડાઈ માટે બીજુ કોઈ આવશે તેવી અપેક્ષા રાખીશ નહીં, આપણને ભગતસિંહ ગમે  છે, પણ આપણો દિકરો ભગતસિંહ થાય  તે આપણને મંજુર નથી કારણ ભગતસિંહના નસીબમાં ફાંસી જ હોય છે, મારો મિત્ર મારી સામે જોઈ  રહ્યો મેં તેને કહ્યું  આ તારી એકલાની લડાઈ નથી, બધાની છે, પણ શરૂઆત કોણ કરે અને ત્યાર પછી કિંમત કોણ ચુકવે તેની રાહ જોઈ બધા બેઠા છે.

આવી માનસીક સ્થિતિને કારણે  ક્યારેય કોઈ સારી શરૂઆત થતી નથી. આવુ મારો મિત્ર કરે છે તેવું નથી. હમણાં હું એક જુના ગાંધીવાદી નેતાને મળ્યો, તેમણે અમદાવાદમાં થઈ રહેલા આડેધડ વિકાસને લઈ ચિંતા વ્યકત કરી, પર્યાવરણને નુકસાન થઈ રહ્યું છે તે સામે આક્રોશ ઠાલવ્યો, હું તેમને સાંભળતો રહ્યો, મેં થોડીવાર પછી તેમને પુછ્યું આડેધડ થઈ રહેલા વિકાસને રોકવા તમે શું કર્યું, તેમણે તરત મને સામો સવાલ કર્યો, કમાલ છે હું શું કરી શકું, મેં બીજો સવાલ કર્યો, પર્યાવરણને બચાવવા તમે શું કર્યું. તેઓ મારી ઉપર તડુક્યા તેમણે મને કહ્યું હું કઈ સરકાર છું, મેં કહ્યું તમારી બધી ચિંતા સાચી છે, મને પણ તેવી જ ચિંતા થાય છે મને સમજાયું કે જે પણ સરકાર આવે તેમને કહેવાતા વિકાસમાં જ રસ છે અને પર્યાવણ ખતમ થઈ રહ્યું છે. હું વિકાસને તો રોકી શકતો નથી, પણ પર્યાવરણ બચાવવા માટે મેં એેક વ્યકિગત નિર્ણય કર્યો છે કે પહેલી તારીખે પગાર થાય એટલે  એક હજાર રૂપિયાના વૃક્ષ ખરીદી આપણા અથવા મિત્રોના આંગણામાં વાવી દેવાના, મારી હેસીયત આટલી છે તો હું આટલુ કરીશ.

લડાઈ નાની હોય કે મોટી, અથવા કોઈ સારા કામનો વિચાર આવે તો તેની શરૂઆત કોણ કરશે તેની રાહ જોયા વગર તેની શરૂઆત આપણે જ કરવી પડશે. જે પોતાની લડાઈ લડતો નથી તેને ન્યાય મળતો નથી, કાયદાના પુસ્તકો ભલે કહેતા હોય ન્યાય મફત મળે છે પણ ન્યાય કયારેય મફત મળતો નથી. તેની માટે કોઈએ તો કિંમત ચુકવવી જ પડે છે.