રમેશ સવાણી (મેરાન્યૂઝ.અમદાવાદ): ઇન્ડિયન પીનલ કોડ અને ક્રિમિનલ પ્રોસીઝર કોડ; બંને સેક્યુલર કાયદા છે. જ્ઞાતિજાતિ, જાતપાત, અમીર-ગરીબ, ધર્મ, રંગ, પ્રદેશ, હોદ્દો વગેરે કોઈ પણ ભેદભાવ વિના આ કાયદો લાગુ પડે છે. આ બન્ને કાયદા ઉત્તમ કક્ષાના છે; લોકોને ન્યાય અપાવી શકે છે. એટ્રોસિટી એક્ટ અંગે એવું કહેવાય છે કે આ કાયદાનો દુરુપયોગ થાય છે. કોઈપણ કાયદાનો દુરુપયોગ થઈ શકે છે. માણસની અંદર માણસ ન હોય ત્યારે કોઈપણ કાયદાનો મિસયુઝ થઈ શકે છે. IPC/CrPC દરેક નાગરિકને સમાન રીતે લાગુ પડવા જોઈએ; પરંતુ આ કાયદાઓ કઈ રીતે લાગુ પડે છે? શું આ કાયદાઓ સમાન રીતે લાગુ પડે છે? ના. એવી કઈ કઈ બાબતો છે, જ્યાં આ કાયદાઓ પોલીસની ઈચ્છા મુજબ લાગુ પડે છે? એના માટે મુખ્ય ચાર કારણો છે.

પ્રથમ કારણ છે : તમે સત્તામાં છો કે સત્તામાં નથી ! જો તમે સત્તામાં હશો તો IPC ની બધી જોગવાઈઓ મુજબ કડક ફરિયાદ તરત જ નોંધાઈ જશે; પરંતુ તમે સરકારની નીતિનો વિરોધ કરતા હશો, વિપક્ષમાં હશો અને સત્તાપક્ષની વિદ્યાર્થીપાંખના ગુંડાઓ તમારું માથું ફોડી નાંખે તોપણ પોલીસ તમારી ફરિયાદ નોંધશે નહીં; નોંધશે તો પ્રોપર સેકશન હેઠળ નોંધશે નહીં. જો તમે સત્તાપક્ષમાં છો તો પોલીસ તમારી ખોવાયેલી ભેંશ બે દિવસમાં શોધી આપશે. જો તમે વિપક્ષમાં હશો તો તમારી ફરિયાદની તપાસ ગોકળગાયની ગતિ કરતાંય ધીમી ચાલશે !

બીજું કારણ છે : તમે અમીર છો કે ગરીબ છો ! જો તમે પૈસાપાત્ર હશો તો પોલીસ તમારી સાથે સારું વર્તન કરશે. તમે આર્થિક/સામાજિક રીતે સધ્ધર છો તો પોલીસ તમારી ફરિયાદ યોગ્ય કલમ હેઠળ નોંધશે અને તપાસ કરશે. પરંતુ તમે ગરીબ હો તો પોલીસનું તોછડું વર્તન સહન કરવું પડશે. પોલીસ તમારી ફરિયાદ નોંધશે જ નહીં. ફરિયાદ લેશે તો IPCની જે કલમ હેઠળ ગુનો બનતો હોય તે કલમ લગાડશે નહી, હળવી કલમ લગાડશે. ગુનો મિનિમાઈઝ કરશે અથવા ગુનો બન્યો જ નથી, એવું માનશે. ગુનાનું બર્કિંગ કરશે.

ત્રીજું કારણ છે : તમે નીચલી જ્ઞાતિના છો કે ઉપલી જ્ઞાતિના છો ! IPCના અમલ આડે આવતું આ મહત્વનું કારણ છે. એક માથાભારે જ્ઞાતિનો ઇસમ, IPC કલમ-506(2) હેઠળ પોતાને જાનથી મારી નાંખવાની ધમકી મળી છે; એવી ખોટી ફરિયાદ નીચલી જ્ઞાતિના શાંતિપ્રિય નાગરિક સામે નોંધાવી શકે છે. પરંતુ માથાભારે ઇસમે જાનથી મારી નાખવાની ધમકી  આપેલ હોય તે અંગે શાંતિપ્રિય નાગરિક ફરિયાદ લખાવી શકતો નથી. દલિતની દિકરી ઉપર રેપ થશે તો પોલીસ ફરિયાદ લેવામાં મોડું કરશે; પરંતુ પ્રભુત્વવાળી જ્ઞાતિની દિકરી સાથે રેપ થયો હશે તાત્કાલિક ફરિયાદ નોંધશે અને તપાસ જડબેસલાક કરશે. માની લો કે ભારત ‘હિન્દુરાષ્ટ્ર’ બની જાય અને ચારવર્ણવાળી વ્યવસ્થા અમલી બને તો દલિતોને અન્યાય જ સહન કરવો પડે; થોડા અંશે ભૂલાયેલું અછૂપણુ ફરી દ્રઢ બને. એવું પણ બને કે ઉપલા વર્ણવાળાઓ, દલિત IAS/IPSની પીઠ પાછળ ઝાડું બાંધવાની હિમાયત કરે ! સતીપ્રથા ફરજિયાત કરે !

ચોથું કારણ છે : તમે લઘુમતિના સભ્ય છો કે બહુમતિના ! લઘુમતિના સભ્યો સાથે પોલીસ ભેદભાવ કરે છે. કોમ્યુનલ કેસમાં લધુમતિ સામે IPCની કલમો બરાબર લગાડશે; જ્યારે લધુમતિના સભ્યની ફરિયાદ બહુમતિના સભ્યો સામે હશે તો પોલીસ ઠાગાઠૈયા કરશે. નછૂટકે હળવી કલમો હેઠળ ફરિયાદ નોંધશે. રાયોટ/ક્રાઉડ કંટ્રોલના બનાવોમાં સ્થાનિક પોલીસ પક્ષપાત કરતી હોવાથી કેન્દ્ર સરકારે 11 ડીસેમ્બર 1991ના રોજ RAF-રેપિડ એક્શન ફોર્સની રચના કરી છે. ગુજરાતમાં 2002 ના કોમી રમખાણોમાં લધુમતિના સભ્યોની ફરિયાદો સુપ્રિમકોર્ટની સૂચના પછી જ પ્રોપર કલમ હેઠળ નોંધવામાં આવી અને મોટાભાગના કેસમાં આરોપીઓને સજા પણ થઈ.

કાયદાઓનો વાંક નથી; વાંક આપણી સીસ્ટમનો છે, એટલા માટે ‘નેશનલ પોલીસ કમિશને’ પોતાના આઠ અહેવાલોમાં વિસ્તૃત ભલામણો કરી છે. આ ભલામણોનો અમલ સરકારે ન કર્યો; તેથી ઉત્તરપ્રદેશના પૂર્વ DGP પ્રકાશસિંધે સુપ્રિમકોર્ટમાં દાદ માંગી. સુપ્રિમકોર્ટે લાલ આંખ કરી છતાં પોલીસમાં થવું જોઈતું પરિવર્તન હજુ સુધી થઈ શક્યું નથી. સીસ્ટમમાં પરિવર્તન લાવશે કોણ? નાગરિક સભાનતા જ પરિવર્તન લાવી શકે.