પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ, અમદાવાદ): વર્ષ 2002થી 2006 સુધીમાં ગુજરાત પોલીસના આઇપીએસ અધિકારી ડી. જી. વણઝારાએ  સાદિક જમાલ, સોહરાબુદ્દીન શેખ અને ઇશરત જહાં સહિત ગણેશ ખૂટે જેવા લોકોને ઠાર મારી આતંકવાદી તરીકે ખપાવી દીધા હતા. આ મામલે અમિત શાહ સહિત કુલ 38 પોલીસ અધિકારીઓ આરોપી બન્યા અને જેલમાં ગયા પણ ડી જી વણઝારા એન્ડ કંપની સરકારની સાથે હોવાને કારણે સંખ્યાબંધ કેસના આરોપીઓ હોવા છતાં મોટાભાગના કેસમાં તેઓ નિર્દોષ છૂટી ગયા છે. પરંતુ ગુજરાતના પૂર્વ આઈપીએસ સંજીવ ભટ્ટ સરકારની  સામે હોવાને કારણે જામનગર કસ્ટોડિયલ કેસમાં એમને આજીવન કારાવાસની સજા થઈ છે. સંજીવ ભટ્ટને  સજા થયા પછી ઘણા બધાને એવું લાગી રહ્યું છે કે સંજીવ ભટ્ટ સાથે અન્યાય થયો છે.

અત્યારે જેમને એવું લાગી રહ્યું છે કે સંજીવ ભટ્ટ નરેન્દ્ર મોદી સરકારનો ભોગ બન્યા છે તો હું તમને યાદ અપાવવા માગું છું કે 2010 સુધી સંજીવ ભટ્ટ નરેન્દ્ર મોદીની   હોડીમાં સફર કરતા હતા. સંજીવ ભટ્ટે સુપ્રીમ કોર્ટમાં કરેલી એફિડેવીટ અને દાવા પ્રમાણે 2002માં નરેન્દ્ર મોદીના સરકારી  નિવાસસ્થાને મળેલી બેઠકમાં નરેન્દ્ર મોદી  પોલીસ અધિકારીઓને આદેશ આપ્યો હતો કે હિન્દુ અને પોતાનો રોષ ઠાલવી દેવા દો. સંજીવ ભટ્ટનો દાવો છે કે આ બેઠકમાં તેઓ પણ હાજર હતા.

એક તબક્કે માની લઈએ કે સંજીવ ભટ્ટ નરેન્દ્ર મોદી દ્વારા બોલાવવામાં આવેલી બેઠકમાં હાજર હતા તો 2011 સુધી પોતાને બહાદુર અને પ્રામાણિક ગણાવનાર સંજીવ ભટ્ટ કેમ શાંત રહ્યા? ગોધરાના તોફાનોના નવ વર્ષ બાદ તેમનો આત્મા અચાનક કેમ જાગ્યો? અને તેમણે સુપ્રીમ કોર્ટમાં સોગંદનામુ  કર્યું. 2002થી 2010 સુધી સંજીવ ભટ્ટ પોતાના વકીલ મિત્ર તુષાર મહેતાના મારફતે અમિત શાહ પાસે પ્રમોશન અને પોસ્ટિંગ લેતા રહ્યા ત્યાં સુધી તેમને કોઈ વાંધો આવ્યો નહીં પણ 2011માં સંજીવ ભટ્ટને ભાન થયું કે નરેન્દ્ર મોદીએ મુસલમાનો ઉપર ખૂબ અત્યાચાર કર્યો છે.

વર્ષ 2002માં નરેન્દ્ર મોદીની ભૂમિકા અને સંજીવ ભટ્ટ કેસ આ બંને એકસાથે એક હરોળમાં રાખી તેની ચર્ચા કરી શકાય નહીં. 1988ની બેચના આઇપીએસ ઓફિસર સંજીવ ભટ્ટ એડિશનલ પોલીસ સુપ્રિટેન્ડન્ટ તરીકે જામનગરમાં મુકાય છે ત્યાં તેમની સામે કસ્ટોડિયલ ડેથનો ગુનો નોંધાય છે ત્યાર પછી તેમનું પોસ્ટિંગ બનાસકાંઠામાં થાય છે અને ત્યાં રાજસ્થાનના એક વકીલ ઉપર નાર્કોટીક્સનો ખોટો કેસ દાખલ કરવાનો ગુનો નોંધાય છે. આ બંને ઘટનાઓ જ્યારે ઘટી ત્યારે નરેન્દ્ર મોદી સક્રિય રાજકારણમાં ન્હોતા. આમ સંજીવ ભટ્ટના ભૂતકાળ સાથે જોડાયેલી ઘટનાઓ માટે મોદીને જવાબદાર ઠેરવી શકાય નહીં.

હવે વાત કરીએ ડી. જી. વણઝારા અને સંજીવ ભટ્ટની. કોઈપણ સામાન્ય વ્યક્તિને સમજાય તેવી આ ઘટનાઓ છે. વણઝારા પોતાની કસ્ટડીમાં રહેલા નિર્દોષોને આતંકવાદી કહી ઠાર માર્યા હતા જ્યારે સંજીવ ભટ્ટે પણ પોતાની કસ્ટડીમાં રહેલા વ્યક્તિને એટલો ઢોરમાર માર્યો કે તેનું મોત નીપજ્યું. ત્યાર પછી એક જજને રાજી કરવા માટે જજના મકાનમાં રહેતા વકીલ ઉપર નાર્કોટીક્સનો ખોટો કેસ કરી દીધો. આમ જુઓ તો વણઝારા કામ કરતા હતા તેવા તમામ કામ સંજીવ ભટ્ટે પણ કર્યા છે.  આમ સંજીવ ભટ્ટ અને ડી.જી. વણઝારામાં કોઈ અંતર નથી, માત્ર ફેર એટલો જ છે કે વણઝારા સરકાર સાથે રહ્યા એટલે છૂટી ગયા અને સંજીવ ભટ્ટ સરકારની સામે રહ્યા તેના કારણે જેલમાં ગયા.

કોઈ નિર્દોષ છૂટી જાય તેનાથી ગુનાની માત્રા ઘટતી નથી અને કોઈ સરકારની સામે હોવાને કારણે જેલમાં જાય તો તે સહાનુભૂતિની લાયક પણ નથી. જેઓ માનવ અધિકારની નિસ્બત કરે છે અને જેમને ડી. જી. વણઝારા સામે ગુસ્સો આવે છે તેમને એટલો જ ગુસ્સો સંજીવ ભટ્ટ સામે પણ આવો જોઈએ. કારણ સંજીવ અને વણઝારા સિક્કાની બે બાજુ છે, બંનેએ પોતાની કસ્ટડીમાં રહેલા લોકોની હત્યા કરી છે. સંજીવ ભટ્ટની ઘટનામાં સૌથી વધુ કોઈ પ્રભાવિત હોય તો ભટ્ટનો પરિવાર છે. શ્વેતા ભટ્ટના આંસુની વેદના સમજાય છે, પરંતુ સંજીવ  ભટ્ટને કારણે અનેક સ્ત્રીઓની આંખમાં આ જ પ્રકારના આસું અને વેદના હતી. કદાચ સંજીવને તે વેદના સમજાઈ હોત તો આજે શ્વેતા ભટ્ટની આંખમાં આંસુ ના હોત. કોઈ વ્યક્તિ નરેન્દ્ર મોદી સામે લડે તેના કારણે તેણે કરેલા ગુના માફ થતા નથી અને તેની માત્રા ઘટતી નથી. વણઝારા કેમ છૂટી ગયા અને સંજીવને જ કેમ સજા થઈ તેવી વાહિયાત દલીલ આપણે કરવી જોઈએ નહીં. નરેન્દ્ર મોદી સામે લડનારાઓને મોદી જ લડવાની તક આપશે પણ સંજીવના મુદ્દે તો મોદી વિરોધીઓએ પણ શાંત રહેવું જોઈએ.