પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ.અમદાવાદ) : માણસને શિક્ષણ બદલી શકે તેવુ આપણે કહી છીએ, પણ તે એકસો ટકા સાચુ નથી, શિક્ષણ આપણને નવા વિચાર અને નવી દિશા આપે છે, પણ શિક્ષીત થયા પછી નવા વિચાર અને દિશા તરફ આપણે જવુ કે નહીં તેનો નિર્ણય જાતે જ લેવો પડે છે. અમદાવાદના રાણીપ વિસ્તારમાં કરોડો રૂપિયાના બંગલા છે. બંગલા જોતા તમને ખ્યાલ આવે કે અહિયા સમૃધ્ધ માણસો રહે છે. પણ આ સમૃધ્ધી આર્થિક છે માનસીક સમૃધ્ધીનો સંપુર્ણ દુષ્કાળ છે. આ બંગલાની બહાર બોર્ડ મારેલા છે કે પટેલ સિવાય આ બંગલા કોઈને વેચવા નહીં, આવુ જ અમદાવાદના નારણપુરા વિસ્તારમાં છે જયાં મકાન ખરીદનારની અટક પરમાર, વાઘેલા મકવાણા હોય તો તમને મકાન મળે નહીં, અમદાવાદના આ નારણપુરા વિસ્તારમાં રહેતા 100 ટકા શિક્ષીત છે. આમ છતાં ચોક્કસ અટક ધરાવતી વ્યકિતને પોતાનું ઘરે વેચતા નથી અને ભાડે આપતા નથી તેનો અર્થ ડીગ્રી મેળવ્યા પછી પણ શિક્ષણ અહિયા માણસને માણસ બનાવવામાં નિષ્ફળ ગયુ છે.

વાત અહિયા માત્ર પટેલ અને બ્રાહ્ણણ અથવા કોઈ  ચોક્કસ જ્ઞાતિની નથી, સૌરાષ્ટ્રમાં છેલ્લાં કેટલાંક મહિનાઓથી પોતાને રાજપુત સમાજના આગેવાન સમજતા લોકો જેમાં રાજપુત મહિલાઓ પણ છે તેમને લાગે છે કે તેમના કારણે જ રાજપુત સંસ્કૃતી અને પરંપરા ટકી રહી છે. આવા આગેવાનો રાજપુત કન્યાઓ અન્ય જ્ઞાતિમાં લગ્ન કરે નહીં તેની ઝુંબેશ ચલાવી રહ્યા છે, આવી ઝુંબેશ ચલાવાનો તેમનો અધિકાર છે. પોતાને સમાજના ઠેકેદાર સમજતા આ આગેવાનો પોતાની વાત સમાજ સામે મુકે અને સમાજ તે સ્વીકારે તો પણ અન્ય કોઈને વાંધો નથી અને વાંધો હોવો જોઈએ પણ પણ નહીં, પણ આ નેતાઓ જેને સમાજનું ભલુ સમજે છે તે સમાજને તેમા ભલાઈ લાગે છે કે નહીં તેની તેમને ચીંતા નથી ભાવનગરની ડૉકટર કાજલબાને જે જન્મે રાજપુત છે તેમને ભાવનગરના એન્જીનીયર જેનીલ સાથે પ્રેમ થઈ ગયો, જેનીલનો જન્મ દરજી પરિવારમાં થયો છે પ્રેમ કયારેય અટક પુછીને થતો નથી.

કાજલબા અને જેનીલના પરિવારના વિડીલો ભેગા થાય અને તેમણે પોતાના સંતાનનો લગ્ન કરવાનો નિર્ણય કર્યો, તેમના વડિલોને રાજપુત-દરજીનો વાંધો ન્હોતો., કંકોત્રીઓ વહેચાઈ ગઈ અને લગ્નના થોડા દિવસ બાકી હતા, સમાજના ઠેકેદારોને લાગ્યુ તેમનો ગરાસ લુંટાઈ ગયો, કાજલબાના ઘરે ફોન ઉપર ફોન આવવા લાગ્યા કઈ રીતે એક રાજપુત દરજી સાથે લગ્ન કરી શકે માહોલ એટલે હદે તંગ બન્યો અને બંન્ને પરિવારે લગ્ન રોકી દેવાનો વિચાર કર્યો, ભાવનગર કોઈ ગામડુ નથી, અહિયા રહેનાર અશિક્ષીત નથી છતાં નેતાઓની માનીસક પછાતપણાને કારણે,  લગ્ન અટકાવી દેવામાં આવ્યા , થોડા વર્ષો  પહેલા શંકરસિંહ વાઘેલાને એક ક્ષત્રીય સંમેલનમાં ગયા હતા, સંમેલન ક્ષત્રીયોનું હોવાને કારણે અને લોકો ત્યાં પરંપરા પ્રમાણે ખભા ઉપર બંદુકો લટકાવી આવ્યા હતા સંમલેનમાં બોલતા શંકરસિંહે બહુ સુચક વાત કરી તેમણે કહ્યુ આપણા સમાજનો વિકાસ ત્યારે થશે જયારે આપણા ખભા ઉપર બંદુકોને બદલે આપણા હાથમાં લેપટોપ હશે કારણ બંદુકો કયારેય વિકાસ કરવા દેતી નથી.

બંદુક પ્રતિકાત્મક છે, મને લાગે છે કે ડીગ્રી અને પૈસા આવ્યા પછી આપણે આપણા મન ઉપર ચઢી ગયેલી ઘુળ ખંખેરવી પડશે, થોડા વર્ષો પહેલા મે મુસ્લિમો અંગે એક લેખ લખ્યો હતો, જેમાં બહુમતી હિન્દુઓના મનમાં મુસ્લિમો અંગે રહેલા ખોટા ખ્યાલની વાત હતી, મારો લેખ વાંચી મારા હિન્દુ વાંચક ટીપ્પણી કરી કે જો તમને મુસ્લિમો આટલા ગમતા હોય તો તમારી દિકરીને કોઈ મુસ્લિમ સાથે પરણાવો, મેં મારા વાંચકને કહ્યુ મારી દિકરીને કોઈ મુસ્લિમ સાથે પ્રેમ થાય અને તે લગ્ન કરવા માગતી હોય તો ચોક્કસ મુસ્લિમ સાથે લગ્ન કરાવીશ, એક તબ્બકે માની લઈએ આપણે જે જ્ઞાતિઓને આપણે  પસંદ કરતા નથી તેવી જ્ઞાતિમાં આપણા સમાજનાની યુવતી લગ્ન કરે તો  દુખી થાય છે તો પછી જેઓ જ્ઞાતિમાં જ લગ્ન કરે છે તેવા તમામ સુખી જ રહેવા જોઈએ પણ તેવુ થતુ નથી, તમે કોઈ દિવસ ફેમેલી કોર્ટમાં જઈ તપાસ કરશો તો ખબર પડશે તે કોર્ટમાં છુટાછેડા લેવા આવનાર 99 ટકા દંપત્તીઓએ પોતાના પરિવારે પસંદ કરેલા પોતાની જ જ્ઞાતિની વ્યકિતઓ સાથે લગ્ન કર્યા હતાા, તો પછી તેમને અલગ થવુ પડે તેવી સ્થિતિ કેમ નિર્માણ થઈ.

આપણી માન્યતા અથવા એકાદ ખરાબ અનુભવને આધારે આપણા સંતાનનું ભવીષ્ય દાવ ઉપર લગાડી શકાય નહીં,   વાત માત્ર લગ્ન પુરતી સિમીત નથી, આપણે માણસ તરીકે પણ માનસીક પછાતપણામાંથી બહાર નિકળવુ પડશે, મારા પત્રકાર મિત્ર વિજયસિંહ પરમારે થોડા વર્ષો પહેલા રૂચી દવે સાથે લગ્ન કર્યા, વિજય રાજપુત છે અને રૂચી બ્રાહ્મણ છે. હવે રૂચી પણ અમારી મિત્ર છે, રૂચીને રેન્જ ફોરેસ્ટ ઓફિસર તરીકે નોકરી મળી તેના કારણે વિજયસિંહને રાજકોટ છોડી અમદાવાદ આવવાની ફરજ પડી, વિજયને અમદાવાદમાં ઘરની જરૂર હતી, મારૂ અમદાવાદના નારણપુરામાં ઘર ખાલી હતું, વિજયએ મને કહ્યુ અમે ભાડે ઘર શોધીએ છીએ તમારૂ ઘર મળી શકે, મેં તરત વિજયને મારા ઘરની ચાવી આપી, રૂચી ઘર જોઈ ગઈ તેને ગમી ગયુ અને તેઓ રહેવા આવી ગયા એક દિવસ મને રૂચીએ કહ્યુ તમે ગજબની હિમંત કરી મેં કહ્યુ શુ થયુ તેણે મને કહ્યુ તમે વિજયસિંહને ઘરની ચાવી આપી દીધી કોઈ કાગળ પણ કર્યા નહીં અમારા રાજકોટમાં તો દરબારને ઘર ભાડે આપતા જ નથી.

આ તો કેવુ શહેર જયાં માણસની કોઈ કિમંત નથી માણસ કયાં જન્મયો છે તેના આધારે તેની લાયકાત નક્કી થાય છે. જયાં સુધી આપણે આવી સ્થિતિમાં અટવાયા કરીશુ ત્યાં સુધી આપણું માનસીક પછાતપણુ દુુર થશે નહીં કારણ માનસીક પછાતપણની સારવાર કોઈ ડૉકટર કરી શકતો નથી અને તેની કોઈ દવા નથી, આ બીમારી તો આપણે ઓળખવી પડશે અને તેની સારવાર પણ જાતે જ કરવી પડશે.