પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ.અમદાવાદ) :  પત્રકારત્વના ત્રીસ વર્ષ દરમિયાન અસંખ્ય વખત કોઈએ મને કોર્ટ કેસ કરવાની ધમકી આપી, કોઈએ મને મારી નાખવાની ધમકી આપી અને બે ત્રણ વખત ખરેખર મારા જીવને જોખમ હોય તેવી સ્થિતિ પણ નિર્માણ થઈ, બે વખત રાજય સરકાર દ્વારા પોલીસ રક્ષણ પણ આપવામાં આવ્યુ હતું મને નજીકથી ઓળખનારાઓ દ્વારા મને અનેક વખત તેવો પ્રશ્ન પુછવામાં આવ્યો કે તમને ડર લાગતો નથી, જયારે પણ મને આવો પ્રશ્ન પુછવામાં આવ્યો ત્યારે મે ડરનો સામનો કેવી રીતે કર્યો, મને કોણે મદદ કરી, કોણ મારો સાથ છોડી જતા રહ્યા વગેરે વગેરે અનેક જુદા જુદા જવાબ આપ્યા હતા જો કે મને બહુ સરળ જે પ્રશ્ન પુછવામાં આવ્યો કે તેમને ડર લાગતો નથી  તો મેેં કયારેય તેનો સ્પષ્ટ જવાબ આપ્યો ન્હોતો, તેનું કારણ એટલુ જ છે કે મને ડર લાગે છે કે નહીં તે મામલે હું સ્પષ્ટ ન્હોતો જેના કારણે તેનો જવાબ પણ આસ્પષ્ટ હતો થોડા દિવસ પહેલા મે પત્રકાર રવીશકુમારના જુના અનેક ઈન્ટરવ્યુ વિડીયો જોયા  અને મારો જવાબ મળી ગયો.

રવીશની મુલાકાત  લેનાર તમામ પત્રકારોનો એક કોમન પ્રશ્ન હતો કે તમને ડર લાગે છે, રવીશકુમાર જે પ્રકારનું પત્રકારત્વ કરે છે તેના કારણે રવીશકુમારની ટીકા કરનારો એક વિશાળ સમુહ છે., વાત માત્ર ટીકા સુધી સિમીત નથી, સોશીયલ મિડીયાના પ્લેટફોર્મ ઉપરથી રવીશકુમાર સહિત તેમના પરિવારના સભ્યોને પણ રીતસરની ગાળો આપવામાં આવી રહી છે અનેક લોકો તેમને ધમકી પણ આપી રહ્યા છે રવીશ એક પત્રકાર હોવાની સાથે એક પુત્ર, પિતા અને પતિ પણ છે, જેના કારણે સ્વભાવીક જ રવીશને પોતાની નહીં તો પરિવારની ચીંતા થાય છે. તમને ડર લાગે છે તેવો પ્રશ્ન પુછનાર પત્રકારને રવીશ બહુ નીખાલસતાથી જવાબ આપે છે હા મને ડર લાગે છે, કારણ કોઈ પણ નોર્મલ માણસને ડર લાગવો જોઈએ અને મને ડર લાગે છે તેનો અર્થ હું નોર્મલ માણસ છુ, રવીશકુમારનું પત્રકારત્વ કોઈ પણ અન્ય બહાદુરી કરતા ઉતરતુ નથી છતાં ડરના મામલે તેઓ કોઈ પણ પ્રકારની શાબ્દીક ફાંકા ફોજદારી કરતા નથી.

મને ડર લાગે છે તેવુ કહેવામાં તેમને સંકોચ થતો નથી, આપણે ત્યાં બધાને જ કોઈને કોઈ વાતનો ડર લાગતો હોય છે, કોઈને જીવ ગુમાવવાનો ડર લાગતો હોય તો , કોઈને સ્વજન ગુમાવવાનો , કોઈને નોકરીનો તો કોઈને છોકરીનો પણ વત્તા-ઓછા અંશે આપણી આસપાસ કોઈને કોઈ પ્રકારનો ડર ફરતો હોય છે. આમ છતાં આપણો જે ઉછેર થયો છે તેમાં કેટલીક ખામી છે, જેમાં પુરૂષને તો ડર લાગવો જ જોઈ નહીં, અને સ્ત્રી તો ડરપોક જ હોય તેવુ આપણને બીટવીનધ લાઈન્સ સમજાવી દેવામાં આવ્યુ છે, જેના કારણે કોઈ છોકરો અંધારામાં જતા ડરે ત્યારે તેને પરિવારના સભ્યોવાળા ઠપકો આપતા કહે છે છોકરી જેવો છે, છોકરો થઈ ડરે છે, આમ જાણે અજાણે આપણને  પુરૂષને તો ડર લાગે જ નહીં તેવુ ઠસાવી દેવામાં આવ્યુ છે, તેના કરતા ઉલ્ટુ કોઈ છોકરી હિમંતવાન હોય અને લડી લેવાના મુડમાં જ રહેતી હોય ત્યારે આપણે તે છોકરી ભાયડા જેવી છે તેવુ કહીએ છીએ, આમ સ્ત્રીએ સુંદર, અને ગુણવાન હોવાની સાથે ડરપોક પણ હોવુ જોઈએ તેવુ આપણે માનીએ છીએ.

ડર લાગવો તે એક સહજ  પ્રક્રિયા છે, હવે મને સમજાય છે કે મને જયારે પણ ધમકી મળી ત્યારે મને ડર લાગ્યો હતો, જયાં નોકરી કરતો હતો તે નોકરી છુટી જવાનો ડર મને લાગ્યો હતો, મોડ઼ી રાત્રે પરિવારમાંથી કોઈનો ફોન આવે ત્યારે કઈક માઠા સમાચાર હશે તેવો ડર લાગે છે, આમ ડર લાગવો તે એક સહજ પ્રક્રિયા છે. પણ  મને જયારે પણ ડર લાગ્યો ત્યારે હું ડરીને ખુણામાં બેસી ગયો નહીં, પરિણામની ચીંતા કરી  લખવાનું બંધ કર્યુ નહીં, નોકરી છુટી ગઈ તો જીંદગીનો અંત આવી ગયો તેવુ માની લીધુ નહીં, અગાઉ મને ઘણા કહેતા હતા કે પત્રકારત્વમાં આવ્યા પછી આપણાથી બીજુ કોઈ કામ થાય નહીં ત્યારે હું કહેતો કે પત્રકારત્વની નોકરી છુટી જશે તો રસ્તા ઉપર આમલેટની લારી કરીશ , હું તો રીક્ષા ચલાવતા ચલાવતા પત્રકાર થયો છુ, પણ 2015માં મારી પત્રકાર તરીકેને નોકરી છુટી પછી ખરેખર મને ગુજરાતના અખબારોએ કામ આપવાનું બંધ કરી દીધુ, ત્યારે મને ડર પણ લાગ્યો હતો, પણ ત્યારે મેં મારી જાતને સમજાવી કે અમદાવાદમાં પચાલ લાખ લોકો છે બધા જ પત્રકાર નથી, તેઓ તમામ નાના મોટા વ્યવસ્થા કરી જીંદગી  જીવે છે. તો તુ પણ સચવાઈ જઈશ

આમ ડર લાગે કઈ રીતે ડર ઉપર વિજય મેળવી શકાય તે શીખી લેવાની જરૂર છે. મને લાગે છે કે આપણ સવારે ઉઠીએ ત્યારે રોજ આપણને કોઈને કોઈ ડરનો સામનો કરવો પડતો હોય છે પણ તે ડર ઉપર રોજ આપણે જીત મેળવવાની હોય છે. મારા અનુભવ પ્રમાણે જયારે પણ આપણને ડર લાગે ત્યારે કયારેય નિરાશાવાદી વાતો કરનાર સાથે બેસશો નહીં અથવા તેમની સાથે કોઈ ચર્ચા કરતા નહીં કારણ તેઓ પોતાની નકારાત્મક વાતો દ્વારા તમારા ડરને વધારે ઘાંટો બનાવશે, મને વર્ષો પહેલા મારી નાખવાની ધમકી મળી હતી, મારી સાથે મારા રક્ષણ માટે પોલીસ પણ હતી, આ વખતે મારા વર્ષો જુના મિત્ર ચેતન પટેલ(ગાય)ને મળવાનું થયુ, તેણે મારી સ્થિતિ જોતા મને સરસ વાત કરી, ચેતને મને કહ્યુ આપણા હાથમાં બે બાબતનો નિયંત્રણ હોતો નથી, આપણે કયારે જન્મીશુ તે આપણે આપણે નક્કી કરી શકતા નથી તેવી જ રીતે મૃત્યુ કયારે થશે તેની પણ ખબર નથી. તો આપણને જેની ખબર નથી તેની ચીંતામાં આપણે કેમ રોજ મરીએ છીએ,

દેશી ભાષામાં તેણે મને કહ્યુ પાંચમની છઠ્ઠ થતી નથી આમ તમારા મૃત્યુની તીથી કોઈ બદલી શકતુ નથી, આમ મૃત્યુનો ડર લાગવો સહજ છે, પણ તેવા ડરથી આપણા ભાગે જે કામ આવ્યુ છે તે છોડી દેવુ જોઈએ નહીં, સૌથી પહેલા તો મને ડર લાગે છે તેવુ કહેવુ પડશે કારણ ડર લાગે છે તેવી કબુલાત પછી ડર ઉપર વિજય મેળવવાની પ્રક્રિયા શરૂ થાય છે, માત્ર ડર લાગે છે તેવુ કહીને બેસી રહીશુ તો પણ તેનો કોઈ અર્થ નથી પણ પણ ડર ઉપર વિજય કેવી રીતે મેળવો તેની વ્યુહ રચના પણ ઘડવી પડશે, ડરના કારણે આપણે જે કામ કરતા નથી, તેનો ડર તે કામ કરતા નથી ત્યાં સુધી જ હોય છે એક વખત ડરને પડકારી ત્યાં પહોચી જઈએ પણ વિજય આપણો જ હોય છે.