મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ટ્વીટર કેમ્પેઈન મેં ભી ચૌકીદારને કારણે ઠેરઠેર લોકો પોતાના નામની આગળ ચૌકીદાર લખતા થયા છે. આ દરમિયાનમાં એક સણસણતો જવાબ એક માતા દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આપવામાં આવ્યો છે અને તે સાથે પોતાની હૈયા વરાળ પણ તે માતાએ વડાપ્રધાન સામે મુકી છે.

જેએનયૂથી ગુમ થયેલા વિદ્યાર્થી નજીબ અહમદની માતા ફાતિમા નફીસે એક ટ્વીટ કર્યું છે અને ટ્વીટ કરતાં તેમણે સવાલ કર્યો છે કે જો તમે જ ચૌકીદાર છો તો મારો દિકરો નજીબ ક્યાં છે. આ ટ્વીટ શનિવારે નજીબની માતા દ્વારા કરવામાં આવ્યું હતું. તેમણે એવો સવાલ કર્યો હતો કે, જો તમે ચોકીદાર છો તો અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (એબીવીપી)ના આરોપીની ધરપકડ કેમ નથી થઈ રહી. કેમ દેશની ત્રણ ટોપ એજન્સી મારા દિકરાને શોધવામાં નિષ્ફળ થઈ ગઈ છે. આ તમારી કેવી ચૌકીદારી?

પોતાના સંતાનની લાંબા સમયથી કાગ ડોળે વાટ જોતી માતાની મનોસ્થિતિ સહુ સમજી શકે છે. પોતાના દિકરાની શોધમાં જ્યારે ઘણી એજન્સીઓ હોવા છતાં તે મળતો નથી ત્યારે માતાની વેદના સ્વાભાવિક રીતે સીસ્ટમ તરફ હોય. માતાએ આ અંગે ચૂંટણી દરમિયાનના વડાપ્રધાનના કેમપેઈનને સણસણતો સવાલ કરી દીધો છે. ઉલ્લેખનીય છે કે જ્યારે એરફોર્સના પાયલટ વિંગ કમાન્ડર અભિનંદનની પાકિસ્તાનથી મુક્તિ થવા પર નજીબની માતએ એક ટ્વિટ કર્યું હતું કે, 'પાયલટ અભિનંદનને તો પાકિસ્તાને મુક્ત કરી દીધો, પરંતુ એબીવીપી મારા દીકરા નજીકને ક્યારે મુક્ત કરશે.' જોકે માતાને હજુ સુધી દિકરો તો મળ્યો નથી પરંતુ જવાબો પણ મળ્યા નથી.