મેરાન્યૂઝ નેટવર્ક.સુરતઃ મારામારી, ચોરી, લૂંટ, હત્યા, હત્યાની કોશીશ, બળાત્કાર જેવા ગુના કર્યા બાદ જેલવાસ ભોગવી રહેલા આશરે 2,600 જેટલા કેદીઓ સુધરી જાય તો ના નહીં. કારણ કે લાજપોર જેલમાં એક નહીં ચાર ચાર સાધુ-સંત, મૌલવી પણ અલગ અલગ ગુનામાં કેદ છે.

બળાત્કારના ગુનામાં છેલ્લાં પાંચેક વર્ષ જેલવાસ ભોગવી રહેલા નારાયણ સાંઇ ઉપરાંત બળાત્કારના જ ગુનામાં જેલમાં ગયેલા જૈનાચાર્ય શાંતિસાગર, બે બાળકીને અડપલાં કરવાના ગુનામાં જેલમાં ગયેલા બારડોલીના મૌલવી શિરાઝ મોહંમદરઇસ રાઇન અને તાજેતરમાં જ નકલી નોટના ગુનામાં પકડાયેલા સ્વામીનારાયણ સંપ્રદાયના રાધારમણ સ્વામી હાલ  લાજપોર જેલમાં કેદ છે. આ તમામ સમયાંતરે સમાજ સુધારવાનો ઠેકો લઈને સત્સંગ, પ્રવચનો આપતાં હતાં. આજે તમામ એક જ જગ્યાએ અને સદંતર ફ્રી છે. જેથી જો આ તમામ જેલમાં કેદીઓને સુધારવાનો પ્રયાસ કરે તો લાજપોર જેલના આશરે 2,600 જેટલા કેદીઓ સુધરી જાય તો ના નહીં.

પણ, કડવું સત્ય કહો કે વરવી વાસ્તવિકતા કહો વાત એમ છે કે જે પોતાની જાતને ન સુધારી શક્યા તે અન્યને કેવી રીતે સુધારે. એટલે કે સલાહની જેમ આવા કહેવાતા લંપટ સાધુ માટે તો બોધપાઠ આપવાનું પણ બધાને ગમે, સ્વીકારવાનું કોઇને ન ગમે. આમ છતાં આ ચારેય કહેવાત ધર્મગુરુઓ જેલમાં સત્સંગ કરતા હશે કે કેમ એ એક સવાલ છે.