પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ.અમદાવાદ): સ્ત્રીઓ શનિ મંદિરમાં જઈ શકે કે નહીં તે મુદ્દે બહુ મોટું કમઠાણ થયું, હવે મુંબઈની હાજીઅલીની દરગાહમાં સ્ત્રીઓને  પ્રવેશ મળતો નથી તે મુદ્દે બાંયો ચઢાવવામાં  આવી છે. જેને લઈ છેલ્લાં કેટલાય સમયથી મારા મનમાં પણ એક વિચાર પ્રક્રિયા શરૂ થઈ હતી, ઈશ્વરના દર્શન અંગે સ્ત્રી-પુરૂષ માટે અલગ નિયમોને લઈ મનમાં દ્વંધ ચાલતો હતો, પણ અચાનક મારૂ ધ્યાન મારા ઘર અને ઘરમાં ચાલી આવતી પરંપરા તરફ ગયું અને મને લાગ્યું કે આ વાત તો મને ક્યારેય ખરાબ લાગી જ નહીં, હું જે વાત કરી કરવા જઈ રહ્યો છું, તેવી ઘટનાઓ મારા અને તમારા ઘરમાં બનતી જ હોય છે પણ તે અંગે ક્યારેય આપણે ધ્યાન નહીં આપી, ઈશ્વરનું અપમાન કરીએ છીએ તેવું હું માનું છું.

ગયા મહિને હિન્દુ પંચાગ પ્રમાણે ચૈત્ર મહિનો હતો, ચૈત્ર નવરાત્રી હતી, પણ નવરાત્રી શરૂ થઈ તેના બીજા કે ત્રીજા દિવસે મારા કાને કેટલાંક વાક્યો પડયા... ભગવાનના રૂમમાં જતી નહીં, કોઈ વસ્તુની અડકીશ નહીં... પ્રસાદ જોઈ તે થાળીમાં હાથ નાખતી નહીં, બાલ્કનીમાં તુલસીના છોડ પાસે જઈશ નહીં, તુલસી બળી જશે... આવું મેં કઈ પહેલી વખત સાંભળ્યું ન્હોતું, હું નાનો હતો ત્યારે મારી દાદી, મારી ફોઈને કહેતી, મારી માઁ મારી ભત્રીજીને કહેતી અને મારા કાને જે શબ્દો પડી રહ્યા તે મારી પત્નીના હતા, અને તે મારી દિકરીને કહેતી હતી. જેને થોડાક મહિનાઓથી માસીક ધર્મની શરૂઆત થઈ હતી. મને પુજા કરતી વખતે સાંભળેલા શબ્દો કેટલાય દિવસો સુધી મારી સાથે વાત કરતા હોય તેવું લાગ્યું.

માસીક આવવુ કોઈ પણ સ્ત્રી માટે સહજ-કુદરતી અને વૈજ્ઞાનિક ઘટના છે. જેને આપણે માસીકધર્મ તેવુ સુંદર નામ આપ્યું છે, ધર્મ પવિત્ર છે તો માસીક ધર્મ અપવિત્ર કેવી રીતે થયો, માસીક આવવુ એક કુદરતી ક્રમ છે. ઈશ્વર દ્વારા સ્ત્રીને માતા થવા માટે આપેલી પરવાનગીની નિશાની છે. સ્ત્રી પુર્ણ હોવાનો પુરાવો છે ત્યારે માસીક ધર્મના નામે તેની સાથે દરમહિને આભડછેટ શા માટે થાય છે. માસીક આવવાની ઘટનામાં સ્ત્રીનો કોઈ દોષ નથી, તો પછી તે મંદિરમાં કેમ જઈ શકે નહીં, તુલસીના છોડને પાણી કેમ પીવડાવી શકે નહીં... જે સમાજ માસીક ધર્મને અપવિત્ર માને છે તે ઈશ્વરમાં અગાધ શ્રધ્ધા રાખે છે, પણ ઈશ્વર દ્વારા તરફથી કુદરતી શારિરીક રચનાને કારણે આવતા માસીકને અપવિત્ર માને છે.

માસીક ધર્મ દરમિયાન સ્ત્રીને શારિરીકની સાથે માનસીક યાતનાઓમાંથી પણ પસાર થવુ પડે છે, તેથી તેને આરામ મળી રહે તે ઈરાદે આપણા જે કોઈ પુર્વજોએ માસીક ધર્મ વખતે સ્ત્રીઓ ઘરનું કામ કરવુ નહીં અને રોજબરોજના કામથી અળગા રહેવુ તેવુ ધર્મના નામે કહ્યુ માટે આપણે સ્ત્રીઓને આરામ કરવા દીધો, કારણ તે જમાનામાં સ્ત્રીઓ કુવે પાણી ભરવા જતી અને તળાવે કપડા ધોવા જતી હતી, પણ આજે તેવી સ્થિતિ રહી નથી,. ધર્મના નામે જે પરંપરા ચાલી આવે છે તેને ધર્મને સાથે કોઈ નીસ્બત નથી, કારણ ઈશ્વર પવિત્ર છે તો તે પોતાની દિકરીઓ અપવિત્ર માસીક ધર્મ શુ કામ આપતો ..

આ અંગે ખુબ વિચાર કર્યા પછી, મેં મારી પત્નીને કહ્યુ હવે પછી આપણા ઘરમાં કોઈ પણ સારો પ્રસંગ અથવા પુજા હોય અને જો તે વખતે દિકરી માસીક ધર્મમાં આવે તો તે આપણી સાથે રોજની જેમ રહેશે અને તે પણ પુજા કરશે..અમે કહી શકીએ હવે અમારા ઘરમાં દિકરી સાથે કોઈ આભડછેટ નહી થાય.