પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ.અમદાવાદ): કર્ણાટકમાં બહુમતી હોવા છતાં સરકાર બનાવવામાં નિષ્ફળ ભાજપને વધુ એક તોફાનનો સામનો કરવો પડે તેવી સ્થિતિ નરેન્દ્ર મોદી અને અમિત શાહના હોમ ગ્રાઉન્ડ  ગુજરાતમાં જ આકાર લઈ રહી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીની સરકારમાં રહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને પ્રધાનમંડળમાંથી પડતા મુકવાનો નિર્ણય ભાજપનું રાષ્ટ્રીય  નેતૃત્વ લઈ ચૂક્યું છે, જેના પગલે નીતિન પટેલે જ ભાજપ સાથે છેડો ફાડી નવું જૂથ રચવાનો નિર્ણય લીધો હોવાનું હાલના તબક્કે જાણવા મળ્યું છે. જોકે આ બાબતની જાણકારી ગુજરાત અને કેન્દ્રીય ભાજપને પણ થઈ ચૂકી છે જેના પગલે ભાજપના અગમચેતી પ્લાન અંતર્ગત ડેમેજ કંટ્રોલ એક્સસાઇઝ શરૂ કરી દીધી હોવાનું જાણવા મળી રહ્યું છે.

વિજય રૂપાણીની સરકારની રચના થઈ ત્યારે ખાતા ફાળવણીના મુદ્દે રિસાઈ ગયેલા નીતિન પટેલે શિસ્તબદ્ધ કહેવાતી ભાજપને વિમાસણમાં મુકી દીધી હતી. નીતિન પટેલ જૂથનો દાવો છે કે ભાજપની નેતાગીરી શિસ્તના નામે આંતરિક અવાજને કાયમ માટે દબાવી દેવાય છે, તેમનો આરોપ છે કે અમિત શાહ, નીતિન પટેલને પસંદ કરતા નથી. જેના કારણે નીતિન પટેલને કોઈપણ કારણોસર પ્રધાન મંડળમાંથી પડતા મુકવાનો નિર્ણય લેવાયો છે. જ્યારે ભાજપના સૂત્રોએ આપેલી માહિતી પ્રમાણે નીતિન પટેલ, બાબુ બોખીરિયા, પુરષોત્તમ સોલંકી અને સી.કે.રાઉલજીની ધરી રચાઇ રહી છે. આ ચારેય સિનિયર નેતાઓ મળી ભાજપથી અલગ થઈ એક નવું જૂથ રચવાનો નિર્ણય કર્યો હોવાની જાણકારી કેન્દ્રીય નેતાઓને મળી રહી છે. જ્યારે નીતિન પટેલને પ્રધાનમંડળમાંથી પડતાં મુકાય તેની સાથે એક નવું જૂથ વિજય રૂપાણી સામે અવિશ્વાસની દરખાસ્ત લાવી ભાજપની સરકારને લઘુમતીમાં મુકી શકે તેવી સ્થિતિનું નિર્માણ કરવાનો ઇરાદો છે.

ભાજપના નેતાના જણાવ્યાનુસાર આ બાબતની જાણકારી કેન્દ્રીય નેતાગણને થતા તેમણે કોઈ પણ ભોગે આ જૂથને નિષ્ફળ બનાવવાની કામગીરી ખુદ મુખ્યમંત્રી વિજય રૂપાણીને સોંપી છે. તેમણે નારાજ બાબુ બોખીરિયા સાથે બે દિવસ પહેલા એક ગુપ્ત મિટિંગ કરી હતી, જેમાં તેમને વધુ એક વખત આશ્વાસન આપવામાં આવ્યું છે કે, તેમની નારાજગી બહુ જલ્દી દુર કરવામાં આવશે અને તેમને કોઈક સારું સ્થાન કરવા ફાળવવામાં આવશે. આવી જ સ્થિતિ પુરષોત્તમ સોલંકી અને સી.કે.રાઉલજીની છે પરંતુ હજી સુધી તેમની સાથે વિજય રૂપાણીએ કોઈ વાત કરી નથી.

સી.કે.રાઉલજી શંકરસિંહ જૂથના હોવાનું મનાય છે જેના કારણે તેઓ તેલ જુઓ તેલની ધાર જુઓ...ની નીતિ અખત્યાર કરી રહ્યા છે. હજી રાઉલજીને નીતિન પટેલ ઉપર  ભરોસો નથી. તે ખરેખર નીતિન પટેલ સાથે કેટલાક ધારાસભ્યો છે. સુત્રોના દાવા પ્રમાણે ભાજપની નેતાગીરીથી નારાજ 25થી વધુ ધારાસભ્ય નીતિન પટેલ સાથે ભાજપ છોડવાના મૂડમાં છે.

આટલા વર્ષોથી ભાજપ સાથે રહ્યા પછી નીતિન પટેલ ભાજપ છોડવા કેમ તૈયાર થયા પ્રશ્નના ઉત્તરમાં સૂત્રોએ જણાવ્યું કે ખરેખર તેમની નારાજગી તેમને મુખ્યમંત્રી બનાવ્યા નહીં ત્યારથી શરૂ થઇ છે, ભાજપથી અલગ થયા બાદ તેઓ મુખ્યમંત્રી થવા માગે છે અને તેમનું ખૂટતું  સંખ્યાબળ પૂરું પાડવાની જવાબદારી કોંગ્રેસે બતાવી છે. સત્તાના ભાગીદાર થયા વગર  અથવા  કર્ણાટક ફોર્મ્યુલા પ્રમાણે ભાજપથી થયેલા જૂથને કોંગ્રેસ ટેકો આપે અને નીતિન પટેલ મુખ્યમંત્રી પદ સંભાળે તેવી પણ એક ફોર્મ્યુલા વિચારણા હેઠળ છે જોકે ભાજપની નેતાગીરી અત્યારે તપાસી રહી છે કે ખરેખર પટેલ સાથે કેટલા છોડી શકે છે જેના આધારે ભાજપ ઓપરેશન નીતિનને આખરી અંજામ આપી શકે.

આ અહેવાલ અંગે નીતિન પટેલે મેરાન્યૂઝને જણાવ્યું હતું કે આ રિપોર્ટમાં કોઈ તથ્ય નથી. હું જનસંઘના સમયથી જોડાયેલો છું અને ભાજપ સાથે જોડાયેલો જ રહીશ. ભાજપમાંથી જ મુખ્ય બે વખત ડેપ્યુટી સીએમ પણ બન્યો છું. હું કોઈ નવો પક્ષ બનાવવાનો નથી કે પાર્ટીથી છેડો ફાડવાનો નથી.