મિલન ઠક્કર (મેરાન્યૂઝ ગાંધીનગર): ગાંધીનગર ખાતે ચાલી રહેલા વિદ્યાર્થીઓના ન્યાય આંદોલનમાં ગુરુવારે સવારે હાર્દિકે પગ પેસારો કરવાનો પ્રયત્ન કર્યો હતો, પણ વિદ્યાર્થીઓ દ્વારા હાર્દીક ગો બેકના નારા લગાવવામાં આવ્યા હતા.

પરંતુ મોડી રાત્રે વિદ્યાર્થીઓએ નક્કી કર્યું કે જે પણ નેતા આપની સાથે આવવા માગતા હોય તે આવી શકે છે. તે પછી વિપક્ષના નેતા પરેશ ધાનાણી અને કૉંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા તથા NSUIના કાર્યકર્તાઓ આંદોલન સ્થળે પહોંચ્યા હતાં. તેઓએ વિદ્યાર્થીઓને સંબોધ્યા હતા અને કહ્યું હતું કે અમે તમારી સાથે છીએ. વિધાનસભાના ૧૦ દિવસનાં સત્રમાં પણ અમે આ મુદ્દો ઉઠાવીશું અને વિદ્યાર્થીઓને ન્યાય અપાવીશું. ત્યારબાદ નક્કી થયા પછી મોડી રાતે હાર્દિક પટેલે એન્ટ્રી કરી હતી અને પરેશ ધાનાણીના કહેવાથી વિદ્યાર્થીઓએ તેને સાંભળ્યો હતો.(વીડિયો અંતમાં દર્શાવ્યો છે)

હાર્દિકે કહ્યું હતું કે જો હું હાજર હોવું તો સરકાર સેટિંગ ના કરી શકે માટે સરકારના માણસોએ તમારી કાનભંભેરણી કરી હતી. પણ હવે હું તમારી સાથે જ છું. અન્યાય બધા સાથે થયો છે તો, કોઈ પાંચ જણા જઈને બંધ બારણે મિટિંગ કરી આવે એ ના ચાલે. આ લડાઈ નેતાની નથી તમામ વિદ્યાર્થીઓની છે.એટલે આપણામાં દરેક વિદ્યાર્થી નેતા જ છે. આપણે સરકાર પાસે મિટિંગમાં જવાનું ના હોય. હવે તો સરકાર જ આપણી પાસે અહીં આવે અને જાહેરમાં જ નિર્ણય આપે.હાર્દિકે પોતાના ભાષણમાં જે.પી. આંદોલનનો ઉલ્લેખ કર્યો હતો જેમાં તેનું ઇતિહાસનું અજ્ઞાન દેખાઈ આવ્યું હતું.

કોંગ્રેસના ગીતાબેન પટેલે પણ જણાવ્યું હતું કે હાર્દિકનો હુરિયો બોલાવનાર ABVPના કાર્યકરો હતાં.