મેરાન્યૂઝ નેટવર્ક.અમદાવાદઃ રાધનપુરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરના કોંગ્રેસ સાથેના રિસામણા મનામણા અંગે આપ સહુ જાણો જ છો. આ રિસામણા થયા ત્યારે કોંગ્રેસના કેટલાક નેતાઓએ અલ્પેશ ઠાકોરે ભાજપ પાસેથી રૂ. 90 કરોડ લીધા હોવાના આક્ષેપો લગાવ્યા હતા.

અલ્પેશ ઠાકોરને આ અંગે જ્યારે મીડિયા દ્વારા સવાલ કરવામાં આવ્યો ત્યારે અલ્પેશે એક રમુજ સાથે કોંગ્રેસમાં પરત જવાની પોતાની ઈચ્છા વ્યક્ત કરી હતી. અલ્પેશે કહ્યું કે, 90 કરોડ રૂપિયામાં કેટલા મીંડા હોય તે પણ મેં કદી જોયા નથી. કોંગ્રેસ મને 50 કરોડ રૂપિયા આપશે તો પણ હું તેમની પાસે જતો રહીશ.

સાથે જ એ પણ ઉમેર્યું કે, કોંગ્રેસે આપેલા રૂપિયા હું ગરીબો માટે વાપરીશ, કોંગ્રેસે આપેલા રૂપિયાથી હું શાળાઓ ઊભી કરીશ અને ગરીબ લોકોની સેવાઓ કરીશ.

અલ્પેશે કહ્યું કે, કોંગ્રેસના નેતાઓએ મને પગે પડવા માટે કહ્યું હતું. બંધ રૂમમાં મને પગે પડવા માટે કહેવામાં આવ્યું હતું. પગે પડનારને કોંગ્રેસે પતાવી દીધા છે. મેં સમાજ માટે આંદોલન કર્યું, હવે ફરી આંદોલનના માર્ગે જઈશ, કોંગ્રેસે મારું અપમાન કર્યું છે. હું મારા અપમાનનો બદલો કોંગ્રેસ પાસેથી લઈશ.