મેરાન્યૂઝ નેટવર્ક.અરવલ્લીઃ સાબરકાંઠા એસપી નીરજ બડગુજરના આગમન પછી જીલ્લામાં બનતી અસમાજિક પ્રવૃતિઓ પર જીલ્લા પોલીસતંત્ર કાબુ મેળવવામાં મહદંશે સફળ રહ્યું છે. સાબરકાંઠા જીલ્લામાં પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલ પશુપાલકો તબેલાઓ માંથી પશુ ચોરાઈ જવાની ઘટનાથી તોબા પોકારી ઉઠ્યા છે. ઇડર પોલીસે તબેલામાંથી પશુઓની ચોરી કરતા બે અઠંગ ચોરને છોટા હાથી સાથે અને જીલ્લાના તબેલામાંથી ચોરી કરેલ ત્રણ પશુઓ સાથે દબોચી લઇ જેલના સળિયા પાછળ ધકેલી દઈ કાયદેસરની કાર્યવાહી હાથધરી ઢોર ચોરીના ત્રણ ગુન્હાનો ભેદ ઉકેલી નાખ્યો હતો. સાબરકાંઠા સાયબર સેલે ઇન્સ્ટાગ્રામ પર બે ફેક આઈડી બનાવી એક યુવતીને બીભસ્ત મેસેજ કરતા યુવતીએ સાયબર ક્રાઈમ હેઠળ ગુન્હો નોંધાવતા સાયબર સેલની ટીમે હળવદના હરેશ રામજીભાઈ ચૌહાણને દબોચી લઇ જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો. 

ઇડર પીઆઈ જે.એ.રાઠવા અને તેમની ટીમે પશુ ચોરીમાં સંડોવાયેલ શખ્સોની બાતમી મળતા ઇડર રેવાસના પ્રવીણ જેઠાભાઇ પટેલ અને સીયાસણના ભુરજી રામજીભાઈ નિનામાને ઝડપી પાડી આગવી ઢબે પૂછપરછ કરતા બંને પશુચોરોએ વસાઈ ગામની સીમમાં આવેલ તબેલા માંથી ગાય ની અને અન્ય એક તબેલામાંથી ભેસ અને પાડોરૂ તેમજ અરવલ્લી જીલ્લાના ભિલોડા તાલુકાના મલાસા ગામે થી ગાયની ચોરી કરી હોવાનું કાબુલી લેતા પોલીસે ચોરી કરેલ પશુઓ અને ચોરી માટે ઉપયોગમાં લેવાતા છોટા હાથીને જપ્ત કરી કુલ.રૂ.૨૦૫૦૦૦/- નો મુદ્દામાલ જપ્ત કરી બંને આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા.