મેરાન્યૂઝ નેટવર્ક.ઈડરઃ ગુજરાતમાં કોરોના વાયરસના કેસમાં ધીમે ધીમે ઘટાડો આવી રહ્યો છે જોકે હજુ મહામારીનો ખતરો ટળ્યો નથી. મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ કોરોનાની ઝપેટમાં આવી ગયા છે ત્યારે ઇડર ખાતે એક કાર્યક્રમ હાજરી આપી ગુજરાતી કલાકાર અને ગરબા લોક સંગીત માટે દેશ-વિદેશમાં જાણીતી કિંજલ દવે વિવાદમાં સપડાઈ છે. ઈડરના રોઝવીલા બંગ્લોઝ સ્કીમના પ્રમોશન માટે આયોજકોએ પોલીસ મંજૂરી વગર કિંજલ દવેનો મ્યુઝિકલ પ્રોગ્રામનું આયોજન કરતા હકકડે ઠઠ ભીડ એકઠી થતા ઇડર પોલીસે કાર્યક્રમ સ્થળે પહોંચી પ્રોગ્રામ બંધ કરાવી દઈ મ્યુઝીકલ પ્રોગ્રામનું આયોજન કરનાર ચાર આયોજકો સામે ગુન્હો નોંધ્યો હતો.
કોરોના સંક્રમણમાં ભીડ એકઠી કરવાના વિવાદોથી સતત ઘેરાયેલી કીંજલ દવે ફરીવાર વિવાદોમાં સપડાઈ છે, વારંવાર સોશ્યલ ડિસ્ટન્સના ભંગના વિવાદમાં આવનાર કિંજલે ફરીવાર નિયમોને ઠેંગો બતાવીને ઇડરમાં સ્ટેજ શો કર્યો હતો.ઈડરના વલાસણા રોડ પર આવેલ રોઝવીલા બંગ્લોઝના પ્રમોશન માટે કીંજલ દવેને આમંત્રીત કરી મ્યુઝીકલ પ્રોગ્રામ યોજાતા કીંજલ દવેને જોવા માટે મોટી સંખ્યામાં લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા જેના કારણે કોરોના સંક્રમણ ફેલાવીનો ભય રહેલો હોવાથી ઇડર પોલીસે રેડ કરી હતી. ત્યાં પોલીસને મોટી સંખ્યામાં એકઠા થયેલા લોકો સોશિયલ ડિસ્ટન્સ ન જાળવતાં હોવાનું જણાયું હતું. ઉપરાંત ત્યાં હાજર લોકોએ કોરોના કાળમાં માસ્ક પણ ન પહેર્યા હોવાથી કલેક્ટર અને જિલ્લા મેજીસ્ટ્રેટના જાહેરનામાનો ખુલ્લો ભંગ કર્યો હતો. તેથી ઈડર પોલીસે જાહેરનામા ભંગ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ 2005ની કલમ 5 1 (બી) અને એપેડેમિક ડિસિઝ એક્ટની કલમ-૩ મુજબ ૧) અંકિત નાયી, (રહે, મડાણા ગઢ-પાલનપુર, બનાસકાંઠા), ૨) મયંક પ્રજાપતિ (રહે, વાડીયાવીર-ઇડર ), ૩) ભાવેશ રાઠોડ (રહે, ટીંબાચોડી-વડગામ, બનાસકાંઠા અને ૪) યજ્ઞેશ પટેલ સુંઢીયા-વડનગર) નામના આયોજકો સામે ફરિયાદ નોંધી હતી.