મેરાન્યૂઝ નેટવર્ક.ઈડરઃ એક તરફ સમગ્ર દેશમાં અને રાજ્યમાં કોરોનાની મહામારી સામે તંત્ર અને લોકો બાથ ભીડી રહ્યા છે કોરોના ૧૭ લોકોને ભરખી ગયો છે, લોકો માનવતાને કારણે એક બીજાની મદદે આવ્યા છે, ભાઈચારો અને પ્રેમભાવ છેલ્લા ઘણા દિવસોમાં જોવા મળ્યા છે ત્યારે નિષ્ઠુર માં-બાપના અમાનવીય કૃત્ય સામે લોકોમાં ભારે આક્રોશ છવાયો છે.

ઈડરના ગોલવાડા ગામના ડુંગર પરથી ત્યજી દીધેલ નવજાત બાળકી મળી આવતા હાહાકર મચી ગયો છે. નિષ્ઠુર માતા-પિતા તેની નવજાતને મરવા માટે છોડી ગયા હતા, પરંતુ કુદરતની ગતિ ન્યારી છે, રડતી બાળકીનો અવાજ સાંભળતાની સાથે જ સ્થાનિકો ત્યાં દોડી ગયા હતા અને આ નવજાતને બચાવી લેવાઈ હતી.

ઈડરના ગોલવાડાના ડુંગર નજીક ગાંડા બાવળ વચ્ચે ફૂલ જેવી નવજાત બાળકીને રૂમાલમાં વીંટીને કોઈએ અગમ્ય કારણોસર તરછોડી દેતા ડુંગર નજીકથી પસાર થતા રાહદારીને બાળકીનો રડવાનો અવાજ સાંભળતા ચોંકી ઉઠ્યો હતો, ત્યાર બાદ ગામના સરપંચ અને અગ્રણીને જાણ કરતા લોકોનો ટોળેટોળા ઘટના સ્થળે ઉમટ્યા હતા. પોલીસ અને 108 ને જાણ કરવામાં આવતા ઈડર ૧૦૮ના ઈએમટી ભૂમિબેન અને પાઈલોટ ઈમ્તિયાઝભાઈ ગોલવાડા ગામે તાબડતોડ પહોંચી જઈ બાળકીને સારવાર અર્થે ઇડર સીએચસી કેન્દ્રમાં ખસેડી હતી. હાલ તરછોડાયેલ બાળકીની હાલત સ્વસ્થ છે. પોલીસે બાળકીને કોણ તરછોડી ગયું તે દિશામાં તપાસ હાથ ધરીને યોગ્ય કાર્યવાહી હાથધરી હતી.

રામ રાખે તેને કોણ ચાખે એમ આ બાળકીના ભાગ્યમાં કંઈ બીજુ જ લખાયેલું હશે કે, આ બાળકીને જંગલી જાનવર કે કુતરા ન લઈ ગયા અને સારવાર મળતા બાળકીને બચાવી લેવામાં આવી છે. આપણે ત્યાં હજુ પણ આવી ઘટનાઓ ઘણી ઘટે છે જેમાં બાળકો જેમને નસીબ નથી થતાં તે લોકો રડી-રડીને, તબીબોને ત્યાં લાઈનોમાં લાગીને, મંદીરો-મસ્જીદો-ગુરુદ્વારાઓમાં માથા ટેકવીને પ્રભુને બાળક આપવા માટે આજીજી કરતા હોય છે ત્યારે ઘણા એવા પણ છે જેમને સંતાન મળ્યાની કદર પણ નથી. ભગવાને તેમના ખોળામાં જતન માટે આપેલા એ ફુલને તેઓ તરછોડી ન જાણે કયા દુઃખથી પીછો છોડાવતા હોય કે કયા સુખની શોધમાં જતા હોય પણ તે બાળકની આખી જીંદગી કેવી વિતે છે તે અંગે એક વાર અનાથાલય કે ચાઈલ્ડ કેર હોમ્સ કે જ્યાં તરછોડાયેલા બાળકો હોય છે તેની મુલાકાત લેવી જોઈએ. બાળકની મનો સ્થિતિ સમજવી જોઈએ.