મેરાન્યૂઝ નેટવર્ક.અરવલ્લીઃ સાબરકાંઠા જીલ્લાના ઇડર તાલુકાના ભાજપના ધારાસભ્ય હિતુ કનોડિયા થોડા સમય અગાઉ ઠાકોર સમાજના સમૂહ લગ્નમાં મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. જેમાં બાળ-લગ્નનો વિવાદ બહાર આવતા હિતુ કનોડિયા વિવાદમાં ફસાયા હતા અને બાળ વિવાહથી અજાણ હોવાનું જણાવ્યું હતું, ત્યારે ફરીથી ઇડર મામલતદાર કચેરીમાં વિદ્યાર્થીઓ અને અરજદારોને પડતી અસુવિધાની જાણકારી મેળવવા ઓચિંતી મુલાકાત લઈ મામલતદાર ખુરશીમાં બેસી કામગીરીની સમીક્ષા કરતા ફોટો વાઈરલ થતા સોશ્યલ મીડિયામાં લોકોએ ટ્રોલ કરવાની સાથે મજાકનું કેન્દ્ર બન્યા હતા.

ગુજરાતી ફિલ્મોના અભિનેતા અને  ઈડરના ભાજપના ધારાસભ્ય હિતુ કનોડિયાએ ઇડર મામલતદાર કચેરીની ઓચિંતી મુલાકાત લઈ કામકાજ અર્થે આવનાર અરજદારો અને વિદ્યાર્થીઓને પડતી અસુવિધાની જાણકારી મેળવી કર્મચારીઓ સાથે ચર્ચા કરી અરજદારોને પડતી સમસ્યા અંગે યોગ્ય વ્યવસ્થા ગોઠવવાની સાથે સરળતાથી કામગીરી થાય તેવી ગોઠવણ કરવા જણાવ્યું હતું.

પ્રજાલક્ષી કાર્ય કરવા જતા ધારાસભ્ય હિતુ કનોડિયા મામલતદારની ખુરશીમાં બેસી સૂચનો કરતા લોકોએ પ્રોટોકોલનો ભંગ ગણાવી મામલતદાર અને હિતુ કનોડિયાની સોશ્યલ મીડિયામાં ઠેકડી ઉડાડી હતી અને વધુ એકવાર વિવાદમાં ફસાયા હતા.

ઇડર મામલતદાર કચેરીની અચાનક મુલાકાત કરીને ત્યાં નાગરિકો તથા વિદ્યાર્થીઓ ને પડતી અસુવિધા ની જાણકારી મેળવી કર્મચારીઓ ને જરૂરી આયોજન કરી સરળતાથી દરેક નાગરિકો ના કાર્યો થાય તેની સૂચના આપી.