મેરાન્યૂઝ નેટવર્ક.ઈડરઃ ઇડરની મામલતદાર કચેરીમાં એન્ટ્રી પાડવાના પૈસા લેવાતા હોવાના આક્ષેપ સાથેના સ્ટેમ્પ વેન્ડર તથા ગ્રાહક વચ્ચેની વાતચીતનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ચકચાર મચી ગઈ છે. જો કે મામલતદારે આ વીડિયોની બાબતને જુઠાણું ગણાવી વીડિયો સાથે કચેરીને કંઈ લેવાદેવા નથી તેમ જણાવ્યું હતું.

ગુરૂવારે ઇડરમાં એક સ્ટેમ્પ વેન્ડર તથા ગ્રાહકની વાતચીતનો વીડિયો સોશિયલ મિડિયાના માધ્યમ થકી વાયરલ થયો હતો. આ વીડિયોમાં મામલતદાર કચેરીમાં એન્ટ્રી પડાવવાના પૈસા લેવાતા હોવાના ગંભીર આક્ષેપ કરાયો છે. વીડિયોમાં ગ્રાહક તેની પાસે એન્ટ્રી પાડવા માટે રૂ. ૩૪૦૦ની માંગણી કરાઈ હોવાનો આક્ષેપ કરી રહ્યો છે. સામે સ્ટેમ્બ વેન્ડર ભારતમાં પૈસા વિના કોઈ કામ થતું નથી તેમ જણાવી એન્ટ્રીના ૧૭૦૦ રૂપિયા બાંધેલા હોવાનું જણાવે છે. જેમાં ૧૫૦૦ સાહેબના તથા ૨૦૦ ઓપરેટરના હોય છે તેમ વાતચીત થકી જણાવે છે. આ પ્રકારના ગંભીર આક્ષેપો સાથેનો વીડિયો વાયરલ થતાં જ શહેરભરમાં ચકચાર મચી ગઈ છે. અગાઉ પાલિકા મામલતદાર કચેરી પર આક્ષેપ સાથેના વિડિયોએ લોકમાનસને ભારે ઠેસ પહોંચાડી છે ત્યારે આ વીડિયોની સત્યતા બાબતની તપાસ પણ એટલી જ જરૂરી છે. તંત્રએ વીડિયોની તપાસ કરી દૂધનું દૂધ અને પાણીનું પાણી કરવું જોઈએ તેવી લોક માંગણી પ્રબળ બની છે.

આ સમગ્ર મામલે ઇડરના મામલતદાર એચ. બી. કોદરવીનો સંપર્ક રતા તેઓએ જણાવ્યું હતું કે, વીડિયોની વાત છેલ્લા ત્રણેક માસથી ચાલી રહી છે. વધુમાં તેઓએ વીડિયોની વાતને જુઠ્ઠાણું ગણાવી વીડિયો અંગે કચેરીને કંઈ લેવાદેવા નથી તેમ જણાવ્યું હતું. વીડિયોની વાતચીત સ્ટેમ્પ વેન્ડર અને ગ્રાહકની આંતરિક બાબત છે. જો કે, કચેરી પર આક્ષેપ કરાયો હોઈ આ સમગ્ર મામલે તપાસ હાથ ધરાશે.