મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હી: વીડિયોકોન લોન મામલે ચાલી રહેલી તપાસ વચ્ચે ICICI બેન્કના મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝીક્યૂટીવ ઓફિસર ચંદા કોચરે રાજીનામું આપી દીધું છે. તેમની જગ્યાએ સંદીપ બક્ષીને આગામી પાંચ વર્ષ માટે નવા MD અને CEO બનાવવામાં આવ્યા છે.

ICICI બેંકના MD અને CEO પદેથી ચંદા કોચરે રાજીનામું આપી દીધું છે. અત્યારે રજાઓ પર રહેલા ચંદા કોચરના રાજીનામાથી ICICI બેંક દ્વારા તેમની જગ્યાએ સંદીપ બક્ષીની નિમણૂંક કરવામાં આવી છે. સંદીપ બક્ષી ૩, ઓક્ટોબર ૨૦૨૩ સુધી આ પદ પર રહેશે. જ્યારે બેંકના બોર્ડ દ્વારા ચંદા કોચરનું રાજીનામું સ્વીકારવા સાથે ચંદા કોચરને બેંકની દરેક સહયોગી કંપનીઓના બોર્ડની જવાબદારીઓમાંથી મુક્ત કરવામાં આવ્યા છે.

આ ફેરફારોના કારણે ICICI બેંકના શેરોમાં આશરે ૩ ટકા જેટલો વધારો થતા તેના ભાવ રૂપિયા ૩૧૩ થયો છે. આ સાથે બેન્કના સિક્યોરિટી શેર પણ ૧.૭૫ ટકા વધ્યા છે. આ બેંક દ્વારા જણાવાયુ છે કે, ચંદા કોચર વિરુધ્દ્ધ ચાલી રહેલી તપાસની બેંક ઉપર કોઈ અસર નહીં પડે. ચંદા કોચરના પતિ દીપક કોચર અને તેમના પરિવારના સભ્યો પાસેથી લોન પ્રાપ્ત કરનાર તરફથી નાણાકીય લાભો લેવામાં આવ્યા હોવાના ચંદા કોચર ઉપર આરોપ મુકવામાં આવેલા છે.