ઈબ્રાહીમ પટેલ (મેરાન્યૂઝ.મુંબઈ) : આખા વિશ્વમાં માલવાહક જહાજી ઉપલબ્ધિની કટોકટી સર્જાતાં, બ્રાઝિલથી અસંખ્ય દેશોમાં થતી રૂ નિકાસ અંશત: અટકી પડી છે, તેમજ નિર્ધારિત નિકાસ ડિલિવરીના સોદા કારાર ઘોંચમાં પડ્યા છે. આ સાથે જ અમેરિકન કૃષિ મંત્રાલયે જણાવ્યું કે ગત સપ્તાહે તેની રૂ નિકાસ મુખ્યત્વે ચીન ખાતે, અગાઉના સપ્તાહ કરતાં ૨૧ ટકા ઉછળીને ૩,૪૫,૪૦૦ ગાંસડી (પ્રત્યેક ૨૧૮ કિલો)ની થઈ હતી. આ સમાચારની આસરે જુલાઇ પછીથી સૌથી વધુ સટ્ટોડિયા બજારમાં નવેસરથી દાખલ થતાં આઇસીઇ ન્યુયોર્ક કોટન ડિસેમ્બર વાયદો, મંગળવારે નવેમ્બર ૨૦૧૧ પછીની નવી ઊંચાઈએ ૯૯.૮૫ ડોલર બોલાયો હતો. 

ગત એકજ સપ્તાહમાં રૂ વાયદો, જૂન મધ્ય પછી પહેલીજ વખત સૌથી વધુ ૩.૫ ટકા ઉછળ્યો હતો, પાછલા બાવન સપ્તાહમાં ૪૯ ટકાનો જમ્પ. અલબત્ત, ચીન, મધ્ય એશિયા અને આફ્રિકામાં ભાવ પ્રમાણમાં ઊંચી સપાટીએ સ્થિર હતા. ૨૦૨૦-૨૧માં અમેરિકન રૂ નિકાસ છેલ્લા ૧૫ વર્ષમાં સૌથી વધુ ૧૬૪ લાખ ગાંસડી નિકાસ થવાનું અનુમાન છે. આખા વિશ્વમાં આ વર્ષ રૂની આયાત પણ વિક્રમજનક થવાની સંભાવના છે. અમેરિકા બહાર જેવા દેશને પણ રૂ નિકાસમાંથી જબ્બર ભાવ પ્રાપ્ત થઈ રહ્યા  છે.

Advertisement


 

 

 

 

 

અમેરિકાથી છેલ્લા છ વર્ષમાં પહેલી વખત વિયેતનામ ૫૦ લાખ ગાંસડીની આયાત સાથે સૌથી મોટો ગ્રાહક દેશ પૂરવાર થયો હતો. ૨૦૨૦-૨૧માં અમેરિકામાં રૂ ઉત્પાદન ગયા વર્ષ કરતાં ૫૩ લાખ ગાંસડી ઓછું થયું હોવા છતાં, મોટાપાયે ચીનમાં નિકાસ કરવા સક્ષમ છે. ચીન પણ છેલ્લા ૮ વર્ષમાં પહેલી વખત ધરખમ અમેરિકન રૂ આયાત કરશે.

ચીન પછી બાંગ્લાદેશ, વિયેતનામ, પાકિસ્તાન અને તુર્કી વિશ્વમાં પાંચ સૌથી મોટા રૂ આયાતકાર દેશ બન્યા છે. આ બધા દેશોમાં ભારત અને બ્રાઝિલે પણ ધરખમ રૂ નિકાસ કરી છે. શક્ય છે કે આ વર્ષે બ્રાઝિલની નિકાસ, ગતવર્ષ કરતાં ૨૦ લાખ ગાંસડી વધુ નિકાસ કરશે. જ્યારે ભારત છેલ્લા સાત વર્ષમાં સૌથી વધુ મોટા નિકાસકાર તરીકે ઊભરી આવશે.

પાકિસ્તાન કોટન જિનર્સ ઍસોસિયેશન કહે છે કે આ વર્ષે પાકિસ્તાન તેના ઇતિહાસમાં પહેલી વખત પ્રતિ હેક્ટર ૮૨૫ કીલો રૂ ઉત્પાદકતા મેળવીને વિક્રમ ૧૩૦ લાખ ગાંસડી (૧૭૦ કિલો પ્રત્યેક) મેળવીને બજારમાં ઉતરશે. ગતવર્ષે પાકિસ્તાન તેના ૩૦ વર્ષના ઇતિહાસમાં સૌથી ઓછો ૫૬ લાખ ગાંસડી પાક લણી શક્યું હતું. 

Advertisement


 

 

 

 

 

આ તરફ ભારતના સૌથી મોટા રૂ ઉત્પાદક રાજ્ય ગુજરાતમાં આવકો ધીમી અને મોડી પડી છે. એવા પણ સમાચાર છે કે પંજાબ, હરિયાણા, રાજસ્થાનમાં ભારે વરસાદને લીધે પાકમાં પોલ ઊભી થવાની ભીતિ છે. ભારતના કૃષિમંત્રાલયે તેનો ખરિફ પાકનો પ્રથમ પ્રાથમિક વરતારો ગતવર્ષના ૩૫૩.૮ લાખ ગાંસડીથી વધારીને ૩૬૨.૨ લાખ ગાંસડી મૂક્યો હતો. પણ કોટન એસોસિયેશનના પ્રમુખ અતુલ ગણાત્રાએ કહ્યું કે કપાસ પાકની ગુણવત્તા જોતાં પાક કેટલો આવશે, તે કહેવું અત્યારે વહેલું ગણાશે. છતાં કહી શકાય કે ત્રણ વર્ષની પાક સરેરાશ ૩૬૦ લાખ ગાંસડી છે, ત્યાં સુધી તો પહોંચી જ જઈશું. પણ અનુમાન છે કે આ વર્ષે રૂના ભાવ સતત વધી રહ્યા છે જે નવી ઊંચાઈ ધારણ કરશે. 

(અસ્વીકાર સુચના: www.commoditydna.com અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન સ્થાપિત કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)