ઇબ્રાહિમ પટેલ (મેરાન્યૂઝ નેટવર્ક.મુંબઈ): ૨૧ જુલાઈ, એ દિવસ હતો જ્યારે ચાંદીએ સપ્ટેમ્બર ૨૦૧૬ પછી પહેલી વખત ૨૦ ડોલર પ્રતિ ઔંસ (૩૧.૧૦૩૪૭ ગ્રામ)નું લેવલ વટાવ્યું હતું. પણ ૨૦૨૦મા અત્યાર સુધીમાં આ ઔદ્યોગિક ધાતુએ, ૧૫ ટકા વૃદ્ધિ સાથે સોનાને જાખું પાડીને રોકાણકારોને ૬૧ ટકા જેવું સમૃદ્ધ વળતર આપ્યું છે. અહી કહેવું જોઈએ કે આ વર્ષે જબ્બર વૃદ્ધિ દાખવનાર ચાંદી તેની ઓલ ટાઈમ હાઈ ૪૯.૨૪ ડોલર, જે માર્ચ ૨૦૧૧મા સ્થાપાઈ હતી, તેનાથી ઘણી દુર છે.

શક્ય છે કે ચાંદી હજુ વધુ સમય સોના કરતા વેગથી વધે. અમેરિકન અર્થતંત્રનો વૃદ્ધિ વિકાસ ઓલ ટાઈમ લો એ પહોચ્યો છે, તેથી ડોલરનું મુલ્ય પણ ગબડી પડ્યું છે. કોરોના વેકસીન જો શોધાઈ જશે તો, ઔદ્યોગિક ગતિવિધ વધુ ખંતીલી બનશે, જે ચાંદીના ભાવને ઉંચે જવાનો રસ્તો સાફ કરશે. સોનું ૮ ઓગસ્ટે ૨૦૮૯ ડોલરની ઓલ ટાઈમ હાઈએ પહોચ્યું હતું, તેને વટાવવા ફરી પ્રયાસ શરુ થયા છે. બીજી તરફ આર્થિક અને રાજકીય અનિશ્ચિતતાઓ દરમિયાન નબળી પડતી કરન્સીથી બચવાનો છેલ્લો ઉપાય, સોનામાં સરણ લેવાનો છે.

ચાંદીના એક પૂર્ણ સમયના અનામી તેજીવાળા કહે છે કે હકીકતમાં વર્તમાન સેન્ટીમેન્ટ સૂચવે છે કે ટૂંકાગાળા માટે અહીંથી વેચવાલીના સિગ્નલ યથાવત રહ્યા છે. પણ મારો મત કહે છે કે ૨૮.૫૦ કે ૨૯ ડોલરના ભાવની તેજી દરમિયાન વેચવાલીનું જોરદાર દબાણ સર્જાશે. અને ભાવમાં ૨૪.૫૦ ડોલરની પુલબેક સંભાવનાઓ પણ એટલીજ મજબુત છે. પણ આજના સમયમાં હું કહીશ કે બજાર ફરીથી ૨૮.૫૦ ડોલરને બાજવા તત્પર થઇ છે અને ત્યાર પછી ૩૦ ડોલરની યાત્રાએ નીકળી પડશે.

આખરે તો આ બજારનાં આંતરપ્રવાહમાં તેજીના અસંખ્ય સપોર્ટ તૈયાર થઈને બેઠા છે. આથી મને તો દરેક ઘટાડે લેવાવાળાના આઈડીયા વધુ ગમતીલા લાગે છે, જે તેજીના ટ્રેન્ડના પ્રેરકબળ પણ છે. મુંબઈ બુલિયન બજારના આ વરિષ્ઠ તેજીવાળા આગળ કહે છે કે અમેરિકન ફેડરલ રિઝર્વ, બજારમાં કરન્સીના ઢગલા કરતી રહેશે, ત્યાં સુધી મને લગે છે કે, ચાંદીમાં તેજીના ઘોડાપુર આવતા રહેશે. આને આધારે તો ચાંદી માટે લાંબાગાળાનો કેસ લોંગટર્મ તેજીનો મજબુત પાયો રચાઈ ગયો છે.

તમે જુઓ, આટલા બધા ભાવ વધી ગયા છતાં બુલીયનમાં હજુ કોઈ પેનિક ફીઝીકલ સેલિંગ આવ્યું નથી. પરંતુ મુંબઈના એક ફીઝીકલ સિલવર ટ્રેડર કહે છે કે અમે તો ફીઝીકલ ગ્રાહકોની આખી પેઢી જ બદલાઈ ગયાનો અનુભવ કરી રહ્યા છીએ. લાંબાગાળા પછી આવું પહેલી વખત બની રહ્યું છે કે ૨૦ અને ૩૦ વર્ષની ઉમરના અસંખ્ય યુવા ફીઝીકલ ચાંદી ગ્રાહકોનો, બજારમા પ્રવેશ સતત વધી રહ્યો છે. છેલ્લા એકાદ મહિનાથી યુવા ફીઝીકલ ગ્રાહકોની ચાંદી પ્રત્યેની લાગણી દ્રઢ બનવા લાગી છે.

ફીઝીકલ સિલ્વરની માંગ વધતી ચાલી છે ત્યારે ચાંદીના પ્રોફેશનલ ડીલરો આવા નવયુવા ગ્રાહકોને ચેતવણીના સૂરમાં કહે છે કે તમે જ્યારે ચાંદી ખરીદો ત્યારે ડીલરની વિશ્વસનીયતાનો અભ્યાસ પહેલા કરજો, નહીતો લાખના બાર હજાર થશે. તેમની સલાહ છે કે તમે એવા કોઈ ગઠીયા ગ્રાહકના શિકાર બની, બુલિયન ભષ્ટાચારનો ભોગ ન બની જતા માટે તમારા ટ્રેડરને પહેલા જાણો પારખો.         

(અસ્વીકાર સુચના: commoditydna વેબસાઈટ અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન ઉભી કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)