ઇબ્રાહિમ પટેલ (મેરાન્યૂઝ.મુંબઈ): ભારતીય બુલિયન બજારમાં સોદા અત્યંત પાતળા પડી જવાથી સ્થાનિક ડીલરો સોનાના સત્તાવાર ભાવ સામે પ્રતિ ઔંસ (૩૧.૧૦૩૪૮ ગ્રામ) ૧૦ ડોલરનું ડિસ્કાઉન્ટ ઓફર કરતા થયા છે, જે જુલાઈ મધ્યમાં બે ડોલરનું પ્રીમીયમ હતું. સ્થાનિક બજારમાં ઇબ્જા હાજર ભાવ ૧૦ ગ્રામે રૂ.૫૦,૫૫૨ શુક્રવારે હતા. લોકડાઉનને કારણે ભારતભરના ૫૦ ટકા જ્વેલરી સ્ટોર્સ બંધ પડ્યા છે. રીટેઈલ માંગ નબળી પડી ગઈ છે, પણ જવેરીઓને આશા છે કે દિવાળી સમયે નવી માંગ આવશે. સોનાના સૌથી મોટા ગ્રાહક દેશ ચીનમાં ડીસ્કાઉન્ટ ૩૦ ડોલરથી વધીને ૩૭ ડોલર થયા છે, વેપાર સાવ ધીમો છે.

જાગતિક અર્થવ્યવસ્થાઓ નબળી પાડવા સાથે રોકાણકારો સલામત રોકાણના સાધનો શોધતા, બુલિયન બજારમાં પહોચતા સોનાના ભાવ ૧૯૦૦ ડોલર આસપાસ ૯ વર્ષની ઓલ ટાઈમ હાઈ નજીક પહોચી ગયા છે. ૨૦૧૧ પછી સતત સાત સપ્તાહ સુધી ભાવ વધ્યા હોય તેવી આ પહેલી ઘટના છે. ચાંદીના ભાવમાં છેલ્લા ચાર દાયકામાં ક્યારેય ન જોવાયો તેવો સાપ્તાહિક ઉછાળો જોવાયો હતો. વિદેશી બેન્કોના ભારતીય બુલિયન સલાહકાર અમીર કોલંબોવાલાએ સપ્ટેમબર એન્ડ સુધીમાં સોનાના ભાવ ૨૦૦૦ ડોલરની ઊંચાઈ હાંસલ કરી લેશે, એવી આગાહી કરી હતી.

ઇન્ડિયન બુલિયન એન્ડ જવેલર્સ એસોસિયેશનના સેક્રેટરી સુરેન્દ્ર મહેતા કહે છે કે સોનાના ભાવ આ વર્ષે અત્યાર સુધીમાં ૩૦ ટકા વધ્યા હોઈ રોકાણકારોમાં વેચવાલીનો ઉત્સાહ વધ્યો છે. તેઓ કહે છે કે રોકાણકારો સોનું વેચીને ચાંદીમાં પૈસા ઠાલવવા લાગ્યા છે. રોકાણકારો એવું માનતા થયા છે કે સોનાની તુલનાએ ચાંદીના ભાવ વધવા જોઈએ તેટલા વધ્યા નથી.

બુલિયન એનાલીસ્ટ ભાર્ગવ વૈદ્ય કહે છે કે વિશ્વભરમાં શૂન્ય નજીકના વ્યાજદર રાખવાની સ્પર્ધાનું આ પરિણામ છે. તેઓ કહે છે કે વ્યાજદરો જ્યારે શૂન્ય નજીક હોય ત્યારે સોનામાં આકર્ષણ વધે તે સ્વાભાવિક છે, કારણ કે સોનામાં રોકાણ કરવાથી વ્યાજ ભલે નાં મળે પણ વ્યાજ ચુકવવાની જવાબદારીમાંથી પણ તમે મુક્ત થઇ જાવ છે. જગતમાં જ્યારે અનિશ્ચિતતાનું વાતાવરણ સર્જાય ત્યારે સામાન્ય રીતે સોનાના ભાવ વધતા હોવાથી રોકાણકારને મોટો નફો છૂટતો હોય છે. તેમણે નજીકના ભવિષ્યમાં સોનાના ભાવ ૬૦થી ૬૫ હજાર થવાની ધારણા વ્યક્ત કરી હતી.

કોલંબોવાલા કહે છે કે ચાંદીના ભાવની આગાહી કઠીન છે, તેના માટે કહી શકાય, આભ એ જ મર્યાદા છે. એશિયાના મોટાભાગના દેશોમાં ચાંદીએ નફાનું આવશ્યક માધ્યમ બની ગઈ છે. શનિવારે મુંબઈમાં ચાંદીના હાજર ભાવ કિલો દીઠ રૂ. ૬૧,૨૦૦ અને સોનાના ૧૦ ગ્રામે રૂ. ૫૦,૯૦૦ હતા. રોકાણકારોને મારું સૂચન છે કે સોનું પુરપાટ વેગે વધી રહ્યું છે અને વધુ વધવાની સંભાવના છે, માટે વર્તમાન ભાવે સોનાચાંદી ખરીદો અને દરેક ઘટાડે પણ ખરીદો.

દુર ડીલીવરીનો કોમેકસ ડીસેમ્બર ગોલ્ડ વાયદો પાકતા બેંચમાર્ક વાયદા કરતા વધુ ઉંચે ટ્રેડ થાય છે, આનો અર્થ એ થાય કે બેન્ચમાર્ક સક્રિય વાયદામાં વિક્રમ ઊંચાઈ સર કરવાની ક્ષમ્તા વધી ગઈ છે. આથી એવું પણ લાગી રહ્યું છે કે ડીસેમ્બર વાયદો વહેલો સક્રિય બનીને આગામી દિવસોમાં ઓળીયાં પોઝીશન બેન્ચમાર્ક કરતા પણ વહેલી વધી જાય, આ ધારણાને આધારે જ ગત સપ્તાહે ડીસેમ્બર વાયદો ૧૯૨૭.૧૦ ડોલર બોલાયો હતો. જે સપ્ટેમ્બર ૨૦૧૧ની બેન્ચમાર્ક ઓલ ટાઈમ હાઈ ૧૯૨૩.૭૦ ડોલર કરતા પણ ઉંચે જતો રહ્યો છે. સ્પોટ સોનાના ભાવ ૧૯૦૨ ડોલર જે સપ્ટેમ્બર ૨૦૧૧નાં ૧૯૨૧.૧૭ ડોલર નજીક સરકી ગયો છે. ૧૯૮૦ પછી પહેલી વખત હાજર ચાંદી એકજ સપ્તાહમાં વિક્રમ વધી શનિવારે ૨૨.૬૫ ડોલર બોલાઈ હતી.        

(અસ્વીકાર સૂચના: commoditydna અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન ઉભી કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)