પ્રશાંત દયાળ  (મેરાન્યૂઝ, અમદાવાદ) હાર્દિક પટેલની કથિત સેક્સ સીડી જાહેર થયા બાદ ભાજપની છાવણી ગેલમાં આવી ગઈ હતી પણ ગુજરાત ઈન્ટેલિઝન્સના રિપોર્ટ બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાની ઉંઘ હરામ થઈ ગઈ છે. ગુજરાત આઇબીએ આપેલા રિપોર્ટ પ્રમાણે હાર્દિકની સીડી જાહેર થયા બાદ પાટીદારોની સહાનુભુતી હાર્દિક સાથે વધી છે. અને પાટીદારનો બહુમતિ વર્ગ એવુ માની રહ્યુ છે કે આ સીડીકાંડ પાછળ ભાજપનો હાથ છે, જેના કારણે ભાજપના ચૂંટણી પરિણામ ઉપર અવળી અસર પડી શકે છે.

સામાન્ય રીતે સ્ટેટ આઈબી અધિકારીઓ ગુજરાત પોલીસનો જ હિસ્સો હોવાને કારણે રાજ્ય સરકારને પસંદ પડે તેવા રીપોર્ટ આપતી હોય છે. સામાન્ય રીતે પોતાના રિપોર્ટમાં કઈ પણ સ્પષ્ટ કહેતી નથી, નરોવા કુંજરોવા જેવો જ રીપોર્ટ હોય છે. પણ હવે રિપોર્ટ અને વાસ્તવિકતા વચ્ચે મોટુ અંતર પડવા લાગ્યુ છે તેના કારણે આઈબી અધિકારીઓ પણ રાજ્ય સરકારને પસંદ ના પડે તેવી કડવી વાતો પોતાના રિપોર્ટમાં કહી રહ્યા છે.

હાર્દિક પટેલ ભાજપમાંથી સરી હવે કોંગ્રેસી છાવણીમાં બેસી ગયો છે તે નક્કી થઈ ગયુ છે. હાર્દિકને મનાવવા અને ડરાવવાના અનેક પ્રયત્નોનું કોઈ પરિણામ આવ્યુ નહીં, તેના કારણે હાર્દિકને બદનામ કરી તેને મળી રહેલો  સમાજનો ટેકો ખસી જાય તે માટે હાર્દિકની વ્યક્તિગત જીંદગીની સીડી જાહેર કરી દીધી હતી. આ સીડી જાહેર થતાં ભાજપીઓ ગેલમાં આવી ગયા હતા અને હવે હાર્દિકનું પુરૂ થઈ ગયુ તેવુ તેઓ માનતા હતા, પણ હાર્દિકની પહેલી સીડી જાહેર થયા બાદ ભાજપની ઈચ્છા હતી તેવો આક્રોશ પ્રજામાં જોવા મળ્યો નહીં. તેના કારણે બીજા દિવસે બીજી સીડી પણ જાહેર કરી.

આમ હાર્દિકની બે બે સીડી જાહેર કર્યા પછી ભરૂચ ખાતે મળેલી સભામાં હાર્દિકને સાંભળવા માટે હજારો લોકો એકત્રીત થયા હતા. આ વાત ભાજપ સરકાર માટે ચિંતાનો વિષય હતી, જેના કારણે ભાજપ દ્વારા સીડી પ્રકરણમાં પ્રજાનું માનસ જાણવાનું કામ આઈબીને સોપ્યુ હતું. આઈબીએ પોતાની રિપોર્ટમાં જણાવ્યુ હતું સીડીકાંડને પાટીદાર અને અન્ય સમાજ ચૂંટણીલક્ષી એજન્ડા માની રહી છે  જેના પરિણામ સ્વરૂપ હાર્દિક સામે નારાજગી જન્મી નથી, પણ આ કાંડમાં ભાજપનો હાથ છે તેવુ પ્રજા માની રહી છે. જેનું નુકશાન ભાજપને થવાની સંભાવના છે.

આઈબીએ પોતાના અહેવાલમાં નોંધ્યુ છે કે હાર્દિક કોંગ્રેસ તરફ જઈ રહ્યો હતો તેના કારણે પાટીદારનો એક વર્ગ નારાજ હતો, પણ સીડીકાંડ બાદ હાર્દિકના કોંગ્રસ તરફી વલણને કારણે દુર ગયેલા વર્ગની સહાનુભુતી હાર્દિકને મળી રહી છે. અત્રે ઉલ્લેખનિય છે રાજયમાં હાર્દિકના ઠેર ઠેર પુતળા બાળવાનો કાર્યક્રમ પણ હતો, પણ તેમા પણ પાટીદાર જોડાયા નહીંત તેના કારણે કયાંક કયાંક ભાજપના કાર્યકરોને કેસરી ખેસ વગર આવી પુતળા બાળવા પડયા હતા. આમ હાર્દિકની સીડી હાર્દિકને ખતમ કરી નાખશે તેવુ ભાજપ માનતી હતી પણ આઈબી રીપોર્ટ પ્રમાણે ભાજપને તેનો કોઈ ફાયદો થઈ રહ્યો તેવુ હાલમાં દેખાતુ નથી.