જયેશ શાહ (મેરાન્યૂઝ નેટવર્ક.ભુજ ) : પશ્ચિમ કચ્છની  ગઢસીસાની પોલિસને જોઈને સ્ટેટ આઇબીનાં એક ઇન્ટેલિજન્સ ઓફિસર ભાગી ગયા હોવાની ચોંકાવનારી ઘટના બહાર આવી છે. પોલીસ સૂત્રોનાં જણાવ્યા પ્રમાણે, જયારે ગઢસીસા પોલીસનાં સબ ઇન્સપેક્ટર તેમની ટીમ સાથે માંડવી તાલુકામાં આવેલાં મોટી ઉંનડોટ ગામમાં જુગાર અંગેની રેડ કરવા ગયા હતા ત્યારે આ સ્ટેટ આઇબી માંડવીમાં રહેતા ઇન્ટેલિજન્સ ઓફિસર ત્યાં જુગાર રમી રહ્યા હતા. પોલીસને આવતી જોઈને તેઓ ભાગી ગયા હતા. ભૂતકાળમાં એસ.ડી.વૈષ્ણવ નામનાં આ ઇન્ટેલિજન્સ ઓફિસર સામે માંડવી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ થતા તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. સોમવાર સાંજે ગઢસીસા પોલીસ દ્રારા કરવામાં આવેલી જુગારની આ કાર્યવાહીમાં બે મહિલા સરપંચનાં પતિનાં નામ પણ ખુલ્યા છે, જેમા એક સરપંચ પતિ જ જુગાર માંડતો હોવાનુ પણ સત્તાવાર રીતે બહાર આવ્યુ છે.

કચ્છની ભૂગોળ તથા ક્રાઇમથી વાકેફ એવા સબ ઇન્સપેક્ટર અજયસિંહ ઝાલાની ગઢસીસા પોલીસ સ્ટેશન ખાતે થોડા દિવસ પહેલા જ ટ્રાન્સફર કરવામાં આવી હતી. દરમિયાન પીએસઆઇ એ.આર.ઝાલાને બાતમી મળી કે, માંડવી તાલુકામાં આવેલા મોટી ઉંનડોટ ગામનાં મેળામાં જાહેરમાં કેટલાક લોકો જુગાર રમી રહ્યાં છે. મેળામાં લોકો પોલીસને જોઇ ગભરાઈ ના જાય તેમજ જુગારીઓ ભાગી ના જાય તે માટે સરકારી વાહનને બદલે પોલીસની ખાનગી વાહનમાં જઇને છાપો મારવાનું પ્લાનિંગ કરીને પીએસઆઇ ઝાલાએ એએસઆઇ શિવદીપસિંહ જાડેજા,  હેડ કોન્સ્ટેબલ અનિરુદ્ધસિંહ જાડેજા તેમજ વિક્રમસિંહ જાડેજા, કોન્સ્ટેબલ જગદીશ દરજી તથા કિરણ ચૌહાણની ટીમ બનાવી હતી. દરોડા દરમિયાન પોલીસની કામગીરીથી વાકેફ સ્ટેટ આઇબીમાં ઇન્ટેલિજન્સ ઓફિસર તરીકે ફરજ બજાવતા માંડવીનાં સુનિલ દલસુખ(એસ.ડી) વૈષ્ણવ ખેતરમાંથી ભાગી ગયા હતા. વૈષ્ણવની સાથે સાથે જુગારીઓને બોલાવી પડ માંડનાર સરપંચ પતિ કરમશી નારણ ગઢવી ઉપરાંત માંડવીનો મનીષ ગોસ્વામી, અનવર હુસેન મેમણ, અશોક કેસર સંઘાર, મુકેશ મોહનલાલ ઠક્કર, હિરજી ભચુ મહેશ્વરી, ચેતન ભગવનજી ચુડાસમા, લક્ષમણ નારણ ગઢવી, આમદ કાસમ રાજા, ઇમરાન રાજા અંધારાનો લાભ ઉઠાવી ભાગી ગયા હતા. 

જયારે જગદીશ ખારવા, ભારૂ ગઢવી, સરપંચ પતિ જીવરાજ  ગઢવી અને રણમલ ગઢવીને પોલીસે રોકડા ₹ ૧૩,૪૦૦ સહીત મોબાઇલ અને વાહનો સહીત કુલ મુદ્દામાલ ₹ ૪૩,૨૦૦ સાથે ઝડપી લઇને ગઢસીસા પોલીસનાં હેડ કોન્સ્ટેબલ અનિરુદ્ધસિંહ જાડેજાની ફરીયાદને આધારે કાયદેસરની કાર્યવાહી કરી હતી.