જયેશ શાહ (મેરાન્યુઝ.કચ્છ) : આઝાદીનાં સાત દાયકા પછી પણ જાતિવાદનું દુષણ કેટલી હદે ભારતીય સમાજમાં પ્રવર્તી રહ્યું છે તેનું ઉદાહરણ ફરી એકવાર ગાંધીના ગુજરાતમાં જોવા મળ્યું છે. માત્ર ચાર દિવસ પહેલા જ કચ્છ કલેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવેલા પ્રતિભાશાળી આઈએએસ ઓફિસર સુજલ મયાત્રાને બદલવા પાછળ પણ જાતિવાદી માનસિકતા હોવાનું માનવામાં આવી રહ્યું છે. કારણ કે જે દિવસે IAS અધિકારીઓની બદલી કરવામાં આવી હતી હતી તે જ દિવસે એક ઓડિય ક્લિપ વાયરલ થઈ હતી. જેમાં આઈએએસ સુજલ આહીર સમાજમાંથી નથી આવતા તેવી વાત કરીને આહીર સમાજનાં યુવાનોને ખાસ ધ્યાન રાખવાની બીટવીન ધી લાઇન્સ વાત પણ કરવામાં આવી હતી. આમ એક ખૂબ જ હોશિયાર અને મૂળ ગુજરાતનાં પ્રતિભાસંપન્ન ઓફિસરને તેમની અટક નડી ગઈ તે સ્પષ્ટ જોવા મળી રહ્યું છે.

મચ્છોયા આહીર સમાજનાં એક વોટ્સએપ ગ્રુપમાં સુજલ મયાત્રા આહીર સમાજનાં નથી એવી વાત કરવામાં આવી હતી. તેઓ કચ્છનાં નહીં પરંતુ રાજકોટ પાસે આવેલા ગામનાં રહેવાસી છે તેવું કહેવામાં આવ્યું હતું. ઓડીઓ ક્લિપની એન્ડમાં આહીર સમાજનાં યુવાનો ખાસ ધ્યાન રાખે તેવી વાત પણ ઉચ્ચારવામા આવી હતી.

Advertisement


 

 

 

 

 

કચ્છમાં મચ્છોયા આહીર સમાજમાં મયાત્રા અટક આવે છે. જેને લીધે કચ્છમાં એવી વાત ફેલાઈ હતી કે, નવનિયુક્ત કલેકટર કચ્છનાં આહીર સમાજમાંથી આવે છે. કચ્છમાં અંજાર વિધાનસભા બેઠકનાં ધારાસભ્ય અને ગુજરાત સરકારમાં રાજ્યકક્ષાના મંત્રી વાસણ આહીર પણ આહીર સમાજમાંથી આવે છે.

સોમવારે સવારે ગુજરાત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા આ ટ્રાન્સફર ઓર્ડરમાં ચાર દિવસ પહેલા જ કચ્છ કલેક્ટરનો ચાર્જ લેનારા સુજલ મયાત્રાને બદલી પંચમહાલ કલેક્ટર તરીકે મુકવામાં આવ્યા છે. અને કચ્છથી બદલાઈને પંચમહાલ મુકવામાં આવેલા પ્રવીણા ડી.કે.ને ફરી કચ્છ કલેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.