પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ.અમદાવાદ): ગુજરાત રાજ્યમાં કોરોનાની જે સ્થિતિ નિર્માણ થઈ રહી છે તેના માટે માત્ર સરકાર અને વહીવટી તંત્રને જવાબદાર ઠેરવી શકાય નહીં, પરંતુ કોરોના મહામારીમાં વહીવટી તંત્રમાં રહેલા અધિકારીઓ જ્યારે ભગવાન હોય તેવી રીતનો જે વ્યવહાર કરે છે તે અસહ્ય છે. કોઈક વિજય રૂપાણીના જુથમાં છે તો કોઈ કૈલાશનાથન સાથે છે. આ બધા અધિકારીઓ ભૂલી જાય છે કે, તેમને જવાબ તો આખરે ઈશ્વરના દરબારમાં આપવાનો છે, પણ હાલની સ્થિતમાં તેઓ જ ઈશ્વર હોય તેવો વ્યવહાર કરી રહ્યા છે.  અમદાવાદ મ્યૂનિસિપલ કોર્પોરેશનનો હવાલો સંભાળતા એડિશનલ ચીફ સેક્રેટરી રાજીવ ગુપ્તાએ એક વાયુજોગ પ્રવચન કરી અમદાવાદમાં કોરોનાને અટકાવવા લોકોને અપીલ કરી છે. તેમની અપીલના તમામ મુદ્દાઓ સાથે અમે સહમત છીએ પણ અપીલ કરીને તેઓ પોતાની જવાબદારીમાંથી છટકી શકે નહીં.

આપણે ત્યાં અધિકારીઓ અને નેતાઓ, ગુજરાતના નેતા અને ગુજરાતના અધિકારી હોવાને બદલે જાણે સુબા હોય તેવો વ્યવહાર કરી રહ્યા છે. ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી ભૂલી ગયા છે કે તેઓ ગુજરાતના મુખ્યમંત્રી છે, તેઓ જાણે રાજકોટના મુખ્યમંત્રી હોય તેમ તેમનું ધ્યાન રાજકોટ શહેર પુરતું સિમિત કર્યું છે. ગુજરાતની આર્થિક રાજધાની કૈલાશનાથનના ખાસ રાજીવ ગુપ્તાના હવાલે છે.


 

 

 

 

જ્યારે કોઈ અધિકારી અથવા સત્તાધિશ પોતાને સર્વસત્તાધિશ માને અને ઈશ્વરને સમકક્ષ પોતાને સમજે તેવી સ્થિતિ રાજીવ ગુપ્તાની છે. મને કોઈ પૂછનાર અને કહેનાર નથી તેવી માનસિક્તામાં આવી ગયેલા રાજીવ ગુપ્તાને કારણે ખાનગી હોસ્પિટલ્સ બેફામ બની છે. મેડિક્લેમ ધરાવતા નાગરિકોને પણ દાખલ કર્યા પછી કેસલેસની સુવિધા નથી તેવા બ્હાને હોસ્પિટલ્સ લૂંટી રહી છે. અમદાવાદની શ્રેય હોસ્પિટલમાં 8 લોકોના મૃત્યુ પછી પણ રાજીવ ગુપ્તાને હોસ્પિટલ સાથે સહાનુંભૂતિ છે. રાજીવ ગુપ્તાનો આ હોસ્પિટલ પ્રેમ કેમ છે તેનું કારણ તો તે જ સમજાવી શકે.

નરેન્દ્ર મોદીની જેમ અકડાઈ રાખવી દરેક નેતા અને સનદી અધિકારીઓને પાલવે તેમ નથી કારણ કે તેના માટે પાક-સાફ રહેવું જરૂરી છે, છતાં તેવી જ અકડાઈ રાજીવ ગુપ્તામાં જોવા મળે છે. ના કહેનાર અને ટીકા કરનાર વ્યક્તિ તેમને પસંદ નથી. જેમાં રાજીવ ગુપ્તાને પોતાની માણસાઈ મુકી દેતાંય સંકોચ થતો નથી. અમદાવાદ કોર્પોરેશનની ટીકા કરનાર ટીવી9ના પત્રકાર જીગ્નેશ પટેલને ધરાર તેમણે સારવાર ના આપી. આ વખતે રાજીવ ગુપ્તાને કહેવાનું એટલું જ મન થાય છે કે તમે ઈશ્વર નથી, ઈશ્વર હોવાનો ભ્રમ કાઢી નાખજો. જન્મ અને મૃત્યુ નિયતિના આધિન છે, આ કોરોના કાળમાં ઈશ્વરને એટલી જ પ્રાથના કે તંત્રની ટીકા કરનાર કોઈને રાજીવ ગુપ્તા અને તેના તંત્રની મદદ લેવાનો વારો ન આવે. કારણ જીગ્નેશ પટેલનું ઉદાહરણ તાજુ છે.

આમ છતાં રાજીવ ગુપ્તાએ અમદાવાદની જનતા માટે જે વાયુજોગ પ્રવચન કર્યું છે તેમાં તથ્ય છે. કોરોનાના મુદ્દે અમદાવાદીઓ બેદરકાર છે અને પોતાના જીવને જોખમમાં મુકી રહ્યા છે. આ સ્થિતમાં માત્ર સરકાર અને તંત્રને જ જવાબદાર ઠેરવી શકાય નહીં. જુઓ રાજીવ ગુપ્તાએ વીડિયોમાં શું કહ્યું...