મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ પુલવામા હુમલાના ૧૨ દિવસ પછી ભારતીય વાયુ સેના (એરફોર્સ)એ સીમા પર છૂપાઈને રહેતા જૈશ એ મહોમ્મદના આતંકવાદીઓનો ખાત્મો બોલાવવા સર્જીકલ સ્ટ્રાઈક ટૂને અંજામ આપ્યો હતો. મંગળવારે વહેલી સવારે એરફોર્સ દ્વારા કરવામાં આવેલી સર્જીકલ સ્ટ્રાઈક ૨માં સેનાએ મિરાઝ ૨૦૦૦ ફાઈટર પ્લેનનો ઉપયોગ કર્યો હતો અને તેના બોમ્બથી ૨૦૦થી વધુ આતંકીઓ ઠાર કરાયા હોવાના મીડિયા અહેવાલો મળી રહ્યા છે.

ભારતીય વાયુસેનાના જણાવ્યા પ્રમાણે આ એરસ્ટ્રાઈક બાલાકોટ, ચકૌટી, મુઝફ્ફરાબાદમાં કરવામાં આવ્યો છે. આ હુમલામાં જૈશના અલ્ફા-3 કંટ્રોલ રૂમને તોડી પાડવામાં આવ્યો છે.

સૂત્રોના કહેવા પ્રમાણે 26 ફેબ્રુઆરીની વહેલી સવારે  3.30 કલાકે મિરાઝ 2000 વિમાનોએ આતંકીઓનાં મોટા ઠેકાણા પર હુમલો કર્યો અને તેમને નષ્ટ કરી નાખ્યા હતા. મિરાઝ-2000 ફાઇટર પ્લેનમાંથી 1000 કિલોના બોમ્બ ફેંક્યા હતા. જૈશ-એ-મોહમ્મદના ઠેકાણાઓ પર કરવામાં આવેલા હુમલા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેબિનેટની સુરક્ષા કમિટિની એક બેઠક મળી છે. આ બેઠકમાં રક્ષા મંત્રી નિર્મલા સીતારમણ, નાણમંત્રી અરુણ જેટલી, ગૃહમંત્રી રાજનાથ સિંહ, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ સહિતના લોકો હાજર રહ્યા છે. વાયુસેનાના હુમલા અંગે કેન્દ્રના એચઆરડી મંત્રી પ્રકાશ જાવડેકરે જણાવ્યું કે, સેનાએ જોરદાર પરાક્રમ કરી બતાવ્યું છે. આ માટે ભારતીય સેનાને સલામ છે.

ભારતીય વાયુસેનાના આ ઓપરેશન લગભગ 35થી 40 મિનિટ સુધી ચાલ્યું. એરફોર્સના મિરાજ 2000 ફાઇટર પ્લેનોએ મોડી રાત્રે 3:30 વાગ્યે ભારતીય એરબેઝથી ઉડાણ ભરી અને લગભગ 4-5 મિનિટ બાદ એલઓસી પાર પહોંચી ગયા. ત્યારબાદ લગભગ 3:45 વાગ્યાથી 3:55 સુધી મુજફ્ફરાબાદ અને પછી સવારે 3:58 વાગ્યાથી 4:40 વાગ્યા સુધી ચકોટીમાં જૈશ-એ-મોહમ્મદ, હિજબુલ મુજાહિદીન અને લશ્કર-એ-તૈયબાના આતંકીઓના ઠેકાણાઓ પર હુમલા કરીને તેને નષ્ટ કરી દીધા.

પાકિસ્તાની આર્મીના પ્રવક્તા મેજર જનરલ આસિફ ગફૂરે ફરી ટ્વિટ કરીને ફોટા શેર કરતા લખ્યું, ભારતીય એરક્રાફ્ટે પરત ફરવાની ઉતાવળમાં અમુક ખુલ્લી જગ્યાએ બ્લાસ્ટ કરી દીધા. પાકિસ્તાનને કોઈ નુકસાન નથી થયું.

ભારત તરફથી PoKમાં કરવામાં આવેલી કાર્યવાહી બાદ પાકિસ્તાનમાં ભૂકંપ આવી ગયો છે. પાકિસ્તાનના વિદેશ મંત્રીએ આ સંદર્ભે તાબડતોડ એક બેઠક બોલાવી છે. બીજી તરફ પાકિસ્તાને સેનાના પ્રવક્તા મેજર જનરલ આસિફ ગફૂરે કહ્યું છે કે ભારતીય વાયુસેનાએ બોર્ડર પાર કરીને પીઓકેમાં ઘૂસી આવી હતી, પરંતુ કોઈ નુકસાન નથી થયું.

રેડિયો પાકિસ્તાનના જણાવ્યા પ્રમાણે પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરેશીએ ઇસ્લામાબાદ ખાતે એક આપતકાલીન બેઠક બોલાવી છે. આ બેઠકમાં સુરક્ષાને લઈને ચર્ચા કરવામાં આવશે. બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં દિલ્હી ખાતે કેબિનેટ બેઠક પણ બોલાવવામાં આવી છે.

જૈશ-એ-મોહમ્મદ સામે કરેલી કાર્યવાહી અંગે વિદેશ સચિવ વિજય ગોખલે જણાવ્યું કે, ભારતના હુમલામાં જૈશનો કમાન્ડર તેમજ અનેક આતંકીઓનો સફાયો કરવામાં આવ્યો છે. ઇન્ટેલિજન્સ રિપોર્ટના આધારે આ કાર્યવાહી કરવામાં આવી હતી. સાથે જ વિદેશ સચિવે પાકિસ્તાનને 2004 આપેલા વચનપ્રમાણે પોતાની ધરતી પરથી ભારત વિરુદ્ધ થઈ રહેલી આતંકી ગતિવિધિઓને રોકવાનું જણાવ્યું હતું.

વિદેશ સચિવે જણાવ્યું હતું કે, અમને માહિતી મળી હતી કે જૈશ-એ-મોહમ્મદ દેશમાં બીજો ફિદાયીન હુમલો કરવાની તૈયારી કરી રહ્યું છે. આ માટે તે ફિદાયીનને તાલિમ આપી રહ્યું છે. આ માટે તેની સામે કાર્યવાહી કરવી જરૂરી હતી. મંગળવારે વહેલી સવારે ભારતીય વાયુસેનાએ પીઓકેમાં આવેલા બાલાકોટ ખાતે જૈશના ઠેકાણા પર હુમલો કર્યો હતો. અહીં આતંકીઓને હુમલા માટે તાલિમ આપવામાં આવી રહી હતી. વાયુ સેના તરફથી કરવામાં આવેલા હુમલામાં મોટી સંખ્યામાં તાલિમાર્થી, જૈશનો સિનિયર કમાન્ડર અને ફિદાયીન હુમલાખોર માર્યા ગયા છે. વાયુસેનાના હુમલામાં કોઈ સામાન્ય નાગરિક ભોગ ન બને તે માટે ખાસ આ ઠેકાણાની પસંદગી કરવામાં આવી હતી.