મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ વાયુસેનાના ખોવાયેલા એએન-32 વિમાનનો છ દિવસ બાદ પણ કોઈ પત્તો નથી લાગ્યો. આ દરમિયાન વાયુસેનાએ આ વિમાનના અંગે સચોટ માહિતી આપનારને 5 લાખ રૂપિયાનું ઈનામ આપવાની ઘોષણા કરી છે. ડિફેન્સના પીઆરઓ વિંગ કમાન્ડર રત્નાકર સિંહએ શિલોન્ગમાં કહ્યું કે, એયર માર્શલ આરડી માથુર, એઓસી ઈન કમાંડ, ઈસ્ટર્ન એયર કમાંડએ 5 લખ રૂપિયાનું ઈનામ આપવાની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે ખોવાયેલા એએન-32 વિમાનની સચોટ જાણકારી આપનાર વ્યક્તિ કે સમુહને આ ઈનામ આપવામાં આવશે.

વિંગ કમાન્ડર રત્નાકરે કહ્યું કે, વિમાનની લોકેશનની સૂચના 0378-3222164, 9436499477, 9402077267, 9402132477 નંબરો પર ફોન કરી આપી શકાશે. ઉપરાંત વાયુસેના પોતાના ખોવાયેલા વિમાનને શોધવા માટે દરેક સંભવ પ્રયત્નો કરી રહ્યું છે. સેના, અરુણાચલ પ્રદેશ તંત્ર અને અન્ય એજન્સીઓને તપાસ માટે દિવસ રાત્રી એક કરી રહી છે.

ભારતીય વાયુસેનાના ખોવાયેલા વિમાનની શોધમાં લાગેલી વિવિધ એજન્સીઓના સતત પ્રયાસો છતાં હજુ સુધી સફળતા હાથ લાગી નથી. ખરાબ વાતાવરણ વચ્ચે શનિવારે છઠ્ઠા દિવસે પણ તેની શોધ ચાલું છે. વિમાનમાં 13 લોકો પણ સવાર હતા.