મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ તમિલનાડુના રાજકારણમાં પ્રવેશવાની વાત કરીને હલચલ મચાવનારા 70 વર્ષીય મેગાસ્ટાર રજનીકાંતએ મંગળવારે જાહેરાત કરી છે કે તેઓ તેમના રાજકીય પક્ષની જાહેરાત નહીં કરે. અગાઉ, તેમણે જાહેરાત કરી હતી કે તેઓ 31 ડિસેમ્બરે તેમના રાજકીય પક્ષની ઘોષણા કરશે.

રજનીકાંતે મંગળવારે જાહેરાત કરી હતી કે સ્વાસ્થ્યનાં કારણો ટાંકીને તેઓ ચૂંટણીના રાજકારણમાં જોડાશે નહીં. તેમણે કહ્યું છે કે તેઓ ચૂંટણીની રાજનીતિમાં જોડા્યા વિના લોકસેવા કરશે. તેમણે એક નિવેદન બહાર પાડતાં કહ્યું કે 'હું ખૂબ ઉદાસીથી કહું છું કે હું રાજકારણમાં નહીં પ્રવેશ કરી શકું. ફક્ત હું જ જાણું છું કે હું આ ઘોષણા કેટલા દુઃખી મનથી કરી રહ્યો છું. મારા ચાહકો અને લોકો આ નિર્ણયથી નિરાશ થશે, પરંતુ કૃપા કરી મને માફ કરો.

જણાવી દઈએ કે ગયા અઠવાડિયે જ હાઈ બ્લડ પ્રેશરના કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. રજનીકાંત એક ફિલ્મના શૂટિંગ માટે હૈદરાબાદમાં હતા, તે દરમિયાન તેમને શુક્રવારે હાઈ બીપીની ફરિયાદ મળી હતી, ત્યારબાદ એપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાંથી રવિવારે તેને રજા આપવામાં આવી હતી.