રમેશ સવાણી (મેરાન્યૂઝ.અમદાવાદ): જે માબાપના કારણે આપણું અસ્તિત્વ છે; એને મારતા શરમ આવે કે નહીં? ત્રણ દીકરા હોય અને ત્રણેય જુદા રહેતા હોય ત્યારે વૃધ્ધ માબાપની સ્થિતિ વિકટ બનતી હોય છે. રોજે રોજ ઘર બદલવાનું. માબાપ અણગમતા મહેમાન બની જાય; ત્યારે તેમને કેટલી વ્યથા થતી હશે? કવિ બોટાદકરની પ્રસિધ્ધ કવિતા છે : “મીઠા મધુ ને મીઠા મેહુલા રે લોલ; એથી મીઠી તે મોરી માત રે; જનનીની જોડ સખી ! નહીં જડે રે લોલ. વરસે ઘડીક વ્યોમવાદળી રે લોલ; માડીનો મેઘ બારે માસ રે; જનનીની જોડ સખી ! નહીં જડે રે લોલ.” પરંતુ અમીની ભરેલ એની આંખડી; વ્હાલનાં ભરેલાં એના વેણ; દીકરાને ન દેખાય તો? ગંગાનાં નીર તો વધે ઘટે; સરખો એ પ્રેમનો પ્રવાહ દીકરો જોઈ ન શકે તો? ચળતી ચંદાની દીસે ચાંદની; એનો નહિ આથમે ઉજાસ; પણ દીકરો આવું ફીલ ન કરે તો? માડીનો મેઘ બારે માસ રે; એ વાત સાચી પણ દિકરો દારુ પીને માડીને મારે તો? ઈન્દુલાલ ફૂલચંદ ગાંધીની કવિતા ‘આંધળી માનો કાગળ’ યાદ આવી જાય તેવી ઘટનાઓ બને છે. ઊર્મીશીલ માનવીનું કાળજું કંપાવી મૂકે તેવી એ રચના છે : “ખોરડું વેચ્યું ને ખેતર વેચ્યું, કૂબામાં કર્યો છે વાસ; જારનો રોટલો જડે નહિ તે દિ' પીઉં છું એકલી છાશ; તારે પકવાનનું  ભાણું, મારે નિત જારનું ખાણું. દેખતી તે દિ' દળણાં-પાણી  કરતી ઠામેઠામ; આંખ વિનાનાં આંધળાંને હવે કોઈ ન આપે કામ; તારે ગામ વીજળી દીવા; મારે આંહીં અંધારાં પીવાં. લિખિતંગ તારી આંધળી માના વાંચજે ઝાઝા જુહાર; એકે રહ્યું નથી અંગનું ઢાંકણ, ખૂટી છે કોઠીએ જાર, હવે નથી જીવવા આરો, આવ્યો ભીખ માગવા વારો.”

હ્રદયને હચમચાવી મૂકે તેવો વીડિયો છે. મુંબઈના બાન્દ્રા રેલ્વે સ્ટેશન ઉપર 70 વર્ષના લીલાવતીનું ઇન્ટરવ્યુ એક મહિલા પત્રકાર લઈ રહી છે. લીલાવતીજી કહે છે : “મારે ત્રણ દીકરા અને બે દીકરી છે. મુંબઈમાં રહેતો દીકરો બિમાર હતો; એનો ફોન આવ્યો એટલે હું દિલ્હીથી મુંબઈ આવી હતી. દીકરાને સારું થઈ ગયું એટલે મને ધક્કો મારીને કાઢી મૂકી. લોકડાઉન છે. મેં કહ્યું કે હું કઈ રીતે જાઉં ? દીકરાએ કહ્યું કે ભીખ માંગીને જતી રહેજે. મેં કહ્યું કે તમે સુખી રહો ! મારી પાસે પૈસા નથી. ચાર વખત મારા દીકરાએ મને દારુ પીને માર માર્યો. હું શું કરું? મારા પતિ બહુ સારા હતા. હવે એ નથી.  હવે હું કામ કરી શકું તેમ નથી. હું દિલ્હી જવા માંગું છું. ત્યાં રહેતો દીકરો મને રાખશે નહીં. પણ હું ગમે તેમ કરીને ગુજારો કરી લઈશ. માર ખાઈને જીવવું કરતા; ભીખ માંગીને જીવીશ.”

લીલાવતીજી રડતા રડતા પોતાની વેદના વ્યક્ત કરે છે. પત્રકાર તેને કહે છે કે ‘રડો નહીં, અમે તમારી સાથે છીએ.’ પત્રકાર લીલાવતીજીના આંસુઓ લૂછે છે; ભેટીને સાંત્વના આપે છે. બન્યું એવું કે પત્રકારની આંખો ભીની થઈ જાય છે ત્યારે લીલાવતીજી કહે છે : “રડ નહીં બેટા !” કવિ બોટાદકર સાચું કહે છે : “પ્રભુના એ પ્રેમતણી પૂતળી રે લોલ; જગથી જૂદેરી એની જાત રે. જનનીની જોડ સખી ! નહીં જડે રે લોલ.”

(લેખક નિવૃત્ત IPS અધિકારી છે, અહીં તેમના વિચારો અને લેખન કલાને અહીં રજુ કરવામાં આવે છે)