મેરાન્યૂઝ નેટવર્ક.ગાંધીનગરઃ પૂર્વ મંત્રી શંકર ચૌધરી જે ગત વિધાનસભા હારી ગયા હતા તેમને રાધનપુરની ચૂંટણી લડાવી ફરી રાજકીય કારકિર્દીને પાટે લાવવાનું ભાજપ વિચારી રહ્યું હોવાની લાંબા સમયથી અટકળો ચાલી રહી છે. તેવા સંજોગોમાં અલ્પેશ ઠાકોરનું એક નિવેદન રીતસર સામસામી લડાઈ જેવી ભાસી રહ્યું છે. હું ચૂંટણી લડીશ તો રાધનપુરથી જ લડીશ અને ત્યાં મેં કામ કર્યું છે. મારું ભાજમાં આવવાનું કારણ પણ તે જ હતું કે હું તેમના વિકાસના કામો કરી શકું પાણી સહિતની સમસ્યાઓનો ઉકેલ લાવી શકું અને તેમની સેવા કરી શકું, અલ્પેશ ઠાકોરનું આ નિવેદન ભાજપની પ્રદેશ નેતાગીરી માટે પણ ધ્યાન દોરનારું છે.

અલ્પેશ ઠાકોરે આ અંગે એક ન્યૂઝ ચેનલ સાથે વાત કરતાં એ પણ કહ્યું કે, ભાજપમાંથી ક્યાંય મારો વિરોધ થયો હોય તો તે મારા ધ્યાનમાં નથી, મારા વિરુદ્ધ જવાની મીટીંગ્સ થતી હોય તો પણ મને ખ્યાલ નથી. હું માનું છું કે આ એક શિસ્તબદ્ધ પાર્ટી છે તેથી જ્યારે પ્રદેશ અને રાષ્ટ્રીય નેતાગીરીએ મને શામેલ કરવાનો નિર્ણય કર્યો છે તો તેઓએ તેને આવકાર્યો જ છે.

ઉલ્લેખનીય છે કે ગત વિધાનસભા ચૂંટણીના પહેલાથી જ અલ્પેશ ઠાકોર કોંગ્રેસની નેતાગીરીમાં પોતાની થતી અવગણનાને લઈ વારંવાર કોંગ્રેસ હાઈકમાન્ડનું નાક દબાવતા હતા. તેઓ અને તેમના સાથી નેતાઓ ભાજપમાં જશે તેવી ચર્ચાઓ થતી હતી અને ત્યારે પણ અલ્પેશ ઠાકોર કહેતા હતા કે હું ભાજપમાં જવાનો નથી. તે પછી ધીમે ધીમે તેમના વચનોમાં બદલાવ થયો અને ભાજપમાં જવાની તૈયારીઓ બતાવી અને આખરે ભાજપમાં જોડાયા. આ દરમિયાન વાતો વહેતી થઈ હતી કે અલ્પેશ ઠાકોરની બેઠક રાધનપુર પર હવે ભાજપના નેતા શંકર ચૌધરીને ચૂંટણી લડાવાશે અને તેમની બ્રેક વાગી ગયેલી રાજકીય ગાડીને દોડાવાશે પરંતુ અચાનક આજે અલ્પેશ ઠાકોરે રાધનપુર જ બેઠક પરથી ચૂંટણી લડીશ તેવું નિવેદન કરતા રાજકીય હલચલ મચી છે.