મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ ભાજપના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજને હાર્ટ એટેક આવતા તેમને દિલ્હીની એઈમ્સ હોસ્પિટલ લઈ જવાયા હતા. જ્યાં તેમનું નિધન થયું છે. રાજનાથ કોવિંદ, સ્વાસ્થ્ય મંત્રી ડો. હર્ષવર્ધન, નીતિન ઘડકરી સહિતના નેતાઓ એઈમ્સ પહોંચી ગયા છે.

કાશ્મીરમાંથી કલમ 370 હટાવવા મામલે આજે સાંજે સુષ્મા સ્વરાજે ટ્વિટ કર્યું હતું કે, પ્રધાનમંત્રીજી, આપને હાર્દિક અભિનંદન, હું મારા જીવનમાં આ દિવસની રાહ જોઇ રહી હતી.

તેમના મૃત્યુના સમાચાર મળતાં જ નરેન્દ્ર મોદીએ પણ ટ્વીટ કરીને તેમની કામગીરી અને દેશ પ્રત્યેની તેમની ભાવના કેવી હતી તે જણાવ્યું હતું અને તેમણે કહ્યું કે, ભારતીય રાજનીતિનો આ એક ગૌરવશાળી અધ્યાય પૂર્ણ થઈ ગયો. એક એવા નેતા જેમને જન સેવા અને ગરીબોના જીવનને સુધારવા માટે પોતાનું જીવન સમર્પિત કર્યું, તેમના નિધન પર ભારત દુઃખી છે. સુષ્મા સ્વરાજજી એક એવી નેતા હતી, તે કરોડો લોકોની પ્રેરણા સ્ત્રોત હતી.

મધ્ય પ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે ટ્વિટ કર્યું હતું કે, હું ભૂતપૂર્વ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજના નિધનથી સ્તબ્ધ છું.