પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ.અમદાવાદ): ચાર દિવસ પહેલા મેં તેમને ફોન કર્યો હતો, મેં તમને કહ્યું તા 26 જુલાઈના બ્લાસ્ટ ઉપર મારે તમારી સાથે વાત કરવી છે, તો કયારે મળી શકીએ, તેમણે કહ્યું આજે સાંજે જ મળીએ કારણ પછી હું એક મહિના માટે અમેરિકા જઈ રહ્યો છું. હું તેમને મળવા તેમના એડવોકેટ પુત્રની અમદવાદાના થલતેજ વિસ્તારમાં આવેલી ઓફિસમાં પહોંચ્યો. 26 જુલાઈ 2008માં અમદાવાદમાં થયેલા સીરીયલ બ્લાસ્ટ કેસની તપાસ ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવી ત્યારે ક્રાઈમ બ્રાન્ચને આ તપાસ કરી શકે તેવા સારા પોલીસ અધિકારીઓની જરૂર હતી, એટલે ડીવાયએસપી વી આર ટોળીયાને તપાસમાં સામેલ કરવામાં આવ્યા હતા. (ઉપરોક્ત તસવીર તેમની જ છે.)

એસપી તરીકે ત્રણ વર્ષ પહેલા નિવૃત્ત થઈ ચુકેલા વી આર ટોળીયાએ મારી સાથે વાત શરૂ કરી હતી. ઘટના અગીયાર વર્ષ પહેલાની હતી અને નિવૃત્તીને પણ ત્રણ વર્ષ થઈ ગયા હતા. હું તેમને એક પછી એક પ્રશ્ન પુછી રહ્યો હતો. તેમની પાસે કોઈ જુની ડાયરી પણ ન્હોતી છતાં તેઓ એક એક ઘટના તારીખ સાથે કહી રહ્યા હતા. આ કેસમાં 80  કરતા વધુ આરોપીઓ પકડયા હતા, પણ કેવી રીતે અને કયાં પકડયા તેની માહિતી તેમને અક્ષરસહ યાદ હતી. અમે રાત સુધી વાત કરતા રહ્યા, તેમણે મને જતા કહ્યું મને કઈક યાદ આવે તો આપણે કાલે ફોન ઉપર વાત કરીશું, બીજા દિવસે પણ ફોન ઉપર વાત કરી તે જ દિવસે રાતે તેઓ અમેરિકા જવા રવાના થયા. રવિવારની બપોરે મને વોટસએપ ઉપર ભરવાડ સમાજ દ્વારા ફરતો કરવામાં આવેલા સંદેશો આવ્યો ફોટો જોતા જ હું ઓળખી ગયો આ તો વી આર ટોળીયા સાહેબ છે.

પણ ત્યાર પછીનું લખાણ વાંચતા હું સ્તબ્ધ થઈ ગયો. વાતને સાચી માનવા તૈયાર ન્હોતો, પણ તે સમાચારની ખરાઈ કયાં કરવી?  મેં મારા એક વડિલ ભરવાડ મિત્ર પુંજાભાઈ ગમારાને ફોન કર્યો  તેમણે મને કહ્યું તમને મળેલા સમાચાર સાચા છે મારાથી નિશ્વાસો નખાઈ ગયો. પુંજાભાઈએ કહ્યું તે અમેરિકા ગયા અને ત્યાં તેમનું હ્રદયરોગના હુમલાને કારણે અવસાન થયું છે મન બેચેન થઈ ગયું, ક્રાઈમ રિપોર્ટર તરીકે 30 વર્ષમાં અનેક પોલીસ અધિકારીને મળવાનું થયુ પણ બહુ ઓછા પોલીસ અધિકારીના વ્યવહારમાં પોતાનાપણાનો અનુભવ થયો હતો. તે પૈકીના તેઓ એક હતા. ખાખી કપડાની નોકરીને કારણ આવતી બરછટતા છતાં તેમણે સતત પોતાની અંદરના માણસને જીવતો રાખવાનો પ્રયત્ન કર્યો હતો.

મારો અને તેમનો પહેલા પરિચય મારા માહિતીખાતામાં ફરજ બજાવતા મિત્ર હિરેન ભટ્ટને કારણે થયો હતો. 2005માં હું એક અખબારમાં નોકરી કરતો હતો, ત્યારે મારા ધ્યાનમાં આવ્યું કે વી આર ટોળીયા સામે એક ખાતાકીય તપાસ ચાલી રહી છે, પોલીસની નોકરીમાં તો આવી અનેક ખાતાકીય તપાસ થતી હોય છે. હું તે અંગે સમાચાર લખી રહ્યો હતો. તે સંદર્ભમાં જ તેઓ મને મળવા આવ્યા હતા તેમની સાથે હિરેન પણ હતો. અમે અમદાવાદ પોલીસ કમિશનર ઓફિસ પાસેની એક રેસ્ટોરન્ટમાં કોફી પીતા પીતા વાત શરૂ કરી તેમણે મને કહ્યું એક પત્રકાર તરીકે તમારી પાસે આવતી વિગતો છાપવાનો તમને અધિકાર છે. હું તમને રોકવા માગતો નથી, પણ મારી સમસ્યા એવી છે કે મારો દિકરો અર્જુન મહારાજા અગ્રેસન સ્કૂલમાં ભણે છે, જ્યારે પણ તમારા સમમાચાર પ્રસિધ્ધ થાય છે ત્યારે અર્જુનને તેના મિત્રો સવાલો પુછે છે.

અર્જુન હજી નાનો છે. તેની પાસે તેનો કોઈ જવાબ હોતો નથી, મેં જો ખોટું કર્યું છે તો તેની સજા મને મળવી જોઈએ પણ મને લાગે છે અર્જુનને તેની સજા મળી રહી છે. હું તેમને સાંભળી જ રહ્યો. થોડીક વાર કોઈ સંવાદ થયો નહીં અમે ઊભા થયા અને જતી વખતે કહ્યું જયાં સુધી તમારી સામેની તપાસનો અહેવાલ નહીં આવે ત્યાં સુધી તે અંગે હું કઈ લખીશ નહીં. તેમણે મારો આભાર માન્યો અને અમે છુટા પડયા. જો કે ખરેખર છુટા પડી શકયા નહીં કારણ ટોળીયાને એક વખત મળ્યા પછી તેમનાથી આસાનાથી છુટી શકાય તેવા તે માણસ ન્હોતા. પોલીસની નોકરી સાથે વાંચનનો શોખ તેમને જાળવી રાખ્યો હતો. 2008ની એક રાતે લઘભગ રાતના ત્રણ વાગે મારા ફોનમાં મેસેજ પડયો અલબત તે મેં બીજા દિવસે સવારે વાંચ્યો, તેના શબ્દો કઈક આ પ્રમાણે હતા.

પુસ્તક વાંચતા અનેક વખત મારી આંખો ભરાઈ આવી, હું કબુલ કરૂ છું કે ગોધરાકાંડની ઘટના બાદ હું થોડા સમય માટે પોલીસને બદલે હિન્દુ થઈ ગયો હતો. આ મેસેજ વી આર ટોળીયાનો હતો, મેં ગોધરાના રમખાણો અંગે જે પુસ્તક લખ્યું તે તેમના હાથે ચઢયુ અને તે પુસ્તક વાંચ્યા પછી તેમણે મને મેસેજ મુકયો હતો. બીજા દિવસે અમે મળ્યા તેમણે મને કહ્યું ખાખીનો કોઈ ધર્મ હોતો નથી, પરંતુ ગોધરાકાંડની ઘટના પછી  મારે પોલીસ અધિકારી તરીકે વિચારવાનું હતું અને તેવો  જ વ્યવહાર કરવાનો હતો, પણ હું મારી ફરજ ચુકયો અને બે ત્રણ દિવસ હિન્દુ થઈ ગયો હતો. ટોળીયા જ્યારે આ કહી રહ્યા હતા ત્યારે પણ તેમની આંખમાં અફસોસ હતો.  ખોટું થઈ ગયું અથવા આવું ન્હોતુ કરવું તેવો અફસોસ બહુ ઓછા પોલીસ અધિકારીમાં જોયો છે.

એક પોલીસ તરીકે તો ઠીક પણ એક માણસ તરીકે તે મને ગમવા લાગ્યા હતા. તેઓ પોલીસ અધિકારી હતા અને હું પત્રકાર હતો. માણસ તરીકે અમે નીકટ હોવા છતાં તેમણે નોકરી દરમિયાન અમારી વચ્ચેની અદર્શ્ય રેખાને અકબંધ રાખી હતી. થોડા દિવસ પહેલા તે નવજીવન ટ્રસ્ટ ખાતે કેદીઓના ભજનમાં પરિવાર સાથે આવ્યા હતા. તેમના પત્ની, દિકરાઓ અને પુત્રવધુ સહિત પૌત્રો પણ હતા, તેમને કેદીઓના ભજનમાં ખુબ ગમ્યા તેમની સાથે તેમનો વકિલ પુત્ર અને અર્જુન પણ હતો. હવે તો અર્જુન પણ સરકારી અમલદાર થઈ ગયો છે. જતી વખતે ટોળીયા કેદીઓને મળ્યા, તેમને કઈ રીતે મદદ કરી શકાય તેની અંગે પણ વાત કરી અને છેલ્લે ચાર દિવસ પહેલા અમે બ્લાસ્ટ કેસની ચર્ચા કરવા માટે મળ્યા તે છેલ્લી મુલાકાત હશે તેની મને જરા પણ ખબર ન્હોતી.

ટોળીયા નિવૃત્ત થયા તેના અનેક વર્ષો પહેલા તેમણે પ્રવૃત્તી શોધી કાઢી હતી. ટોળીયાએ ભરવાડના ગરીબ બાળકો ખુબ ભણે તે માટેની વ્યવસ્થા ઊભી કરી હતી. ખાસ કરી ભરવાડ સમાજની દીકરીઓ શાળાએ જતી થાય અને ગામડામાં રહેતી ભરવાડ દીકરી શહેરમાં આવી ભણે તે માટે તેમણે રાજકોટમાં ભરવાડ દીકરીઓ માટે હોસ્ટેલ શરૂ કરી હતી. ભરવાડના સંતાનો ભણે એટલુ જ નહીં, સ્પર્ધાત્મક પરીક્ષા દ્વારા સરકારનો હિસ્સો બને તેના માટે પોતાના મિત્રો સાથે તે કામ કરી રહ્યા હતા. અમેરિકા જતા પહેલા તેમણે એલએલબીનો અભ્યાસ કરતા ભરવાડ વિદ્યાર્થીઓને માસીક સ્કોલરશીપ મળે તેવી વ્યવસ્થા કરતા ગયા. મેં અને મારા જેવા અનેક મિત્રોએ એક સંવેદનશીલ માણસ ગુમાવ્યો, પણ ટોળીયાના જવાથી તેમના સંતાનોએ નહીં પણ ભરવાડ સમાજના અનેક દિકરા દીકરીઓએ પિતાનું છત્ર ગુમાવ્યું છે.