પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ.અમદાવાદ): આગળ જવાની હરિફાઈમાં આપણે ભાગ્યે જ રોકાઈને આપણી જીંદગીની પાછળની સફર તરફ નજર કરતા નથી, આપણે પાછલી જીંદગીને ભુલી જતા નથી પણ આપણે પાછલી જીંદગીમાં થયેલા કટુ અનુભવોને ભાર વર્તમાનમાં નીચે મુકતા નથી, તમે વિચાર કરો બાળપણથી લઈ અત્યાર સુધીમાં તમને અનેક મિત્રો મળ્યા હશે કેટલાંક મિત્રો આજે પણ તમારી સાથે હશે તો અનેક સમયના ચક્ર પ્રમાણે તે તમને અથવા તમે તેને છોડી  આગળ નિકળ્યા ગયા છો, આ તમામ મિત્રો સાથે અથવા આ તમામ સંબંધો સાથે તમારી કોઈની કોઈ યાદ જોડાયેલી છે, પણ તમારા માનસ પટ ઉપર સારી યાદોને બદલે તમારી સાથે થયેલા ખરાબ અનુભવો કોઈ શીલાલેખની જેમ અંકિત થઈ ગયા છે, મનમાં રહેલી આ કટુતા તમારો પીછો છોડતી નથી કારણ તમે તેને ભુલવા માંગતા નથી.

દિવાળીનો તહેવાર નજીક છે આપણા ઘરો અને આપણી ઓફિસમાં સાફ સફાઈની શરૂઆત થઈ ગઈ છે, પણ આપણે એક પણ દિવાળી પહેલા આપણા મનમાં રહેલી કટુતાને હટાવવાનો પ્રયત્ન કર્યો નથી જેના કારણે કટુતાના થર ઉપર થર બાજી રહ્યા છે, કારણ દરેક વર્ષે આપણી જીંદગીમાં કોઈ આવે છે અને કોઈ જાય છે પણ દરેક વર્ષે જનાર આપણી નાની મોટી કટુતા છોડતો જાય છે. આપણે આપણા મનને સાફ કરવાની કવાયત કરતા જ નથી, જેના કારણે આપણી અંદરની કટુતા આપણી જીંદગીને લીમડા કરતા પણ વધુ કડવી બનાવી નાખે છે, આપણે આપણી સાથે પ્રમાણિક થઈએ કેટલાંક ચિત્રો આપ મેળે સાફ થશે, જયારે જયારે આપણા જીવનમાં કોઈ નવી વ્યકિતનું આગમન થયુ ત્યારે આપણે ખુશ હતા, કોઈની સાથે દિવસો તો કોઈની સાથે મહિનાઓ અને કોઈની સાથે વર્ષો આપણા ખુબ સારા પસાર થયા

જયારે બધુ જ સારૂ ચાલતુ હતું ત્યારે આપણને લાગ્યુ કે આપણને તેના વગર નહીં ચાલે પણ પછી એક દિવસ અચાનક એવુ થાય છે આપણે તેનું અને તે આપણુ મોંઢુ જોવાનું પસંદ કરતો નથી, વાત કરવાની તો દુર પણ તેમનું નામ સાંભળતા જ આપણી આંખની ભ્રમરો ખેંચાઈ જાય છે. આપણે જયારે સાથે હતા ત્યારે બધુ જ ખરાબ ન્હોતુ તેમ બધુ જ સારૂ ન્હોતુ, છતાં આપણે એકબીજાને પસંદ કરતા હતા તેના કારણે આપણા મનમાં ક્ષણ માટે આવેલી કટુતા આપણે ખેંખેરી નાખતા હતા અને આપણા મનને સાફ કરી ફરી આગળ ચાલ્યા હતા, પણ હવે પહેલા જેવુ રહ્યુ નથી તેના કારણે આપણુ મન આપણે તેના માટે શુ કર્યુ અને તેણે આપણા માટે શુ કર્યુ તેનો હિસાબ માંડે છે અને મન પણ બહુ ચાલાક હોય છે કારણ તે કાયમ સામેની વ્યકિતનો ચોપડો માઈનસમાં લખે છે અને આપણે પ્લસમાં હોઈએ છીએ

અહિયા હું જે સંબંધોની વાત કરી રહ્યો છુ તેમાં તે આપણો ભાઈ-બહેન માતા-પિતા પુત્ર-પુત્રી અને પડોશી તેમજ પ્રેમી પ્રેમીકા પણ હોઈ શકે છે. આપણે જયારે તેમની સાથે હતા ત્યારે આપણે આ સંબંધોનો અહેસાસ માણ્યો છે, તે સંબંધોમાં  આજે પોતાનાપણુ પણ  નથી, સંબંધો અંત કાયમ પીડાદાયક જ  હોય છે, સંબંધ તુટવાની પીડાને આપણે હળવી કરવાને બદલે સંબંધ કોના કારણે તુટયા અને કેમ તુટયા તેના કારણે ઉમેરી તે પીડાને વધુ મજબુત બનાવીએ છીએ, આ સંબંધો ફરી જોડાય તો ઉત્તમ છે પણ તે એટલુ સહેલુ પણ હોતુ નથી કારણ સંબંધ ટકાવવા અને જોડાઈ રહેવા માટે ક્ષમા કરવાની અને ક્ષમા માંગવાની બહાદુરી હોવી જરૂરી છે અને દરેક પાસે આવી બહાદુરીની અપેક્ષા રાખી શકાય નહીં, આમ છતાં આપણે જેમની સાથે સંબંધ હતો તે આપણા મિત્ર અથવા પ્રિયજન સાથે આપણે સારી ક્ષણો પણ પસાર કરેલી છે,

આ સારી ક્ષણોની યાદ આપણ જીવનનું ચાલક બળ બની શકે છે, સંબંધો તુટવા અથવા છુટવા માટે કોણ કારણભુત હતુ તે ભુલી જઈએ તે જ ક્ષણે આપણા મનમાં રહેલા ભાર હળવો થશે કારણ આપણે ભલે શબ્દો દ્વારા માફી માંગતા નથી પણ જયારે આપણે તે કડવી ક્ષણને ભુલવા તૈયાર થઈએ છીએ તે જ ક્ષણે માનસીક માફીની શરૂઆત થાય છે. આપણે આપણી સાથે વાત કરવી પડશે અને આપણા મિત્રો અને પ્રિયજન જેની સાથે આપણો હવે સંબંધ નથી તેમને યાદ કરી  કહેવુ પણ પડશે તારી સાથે પસાર થયેલી સારી ક્ષણો મને યાદ છે તે મારા માટે જે કઈ કઈ કર્યુ તે હું ભુલ્યો નથી, તારા પ્રેમ, તારી સંભાળ અને તારી હુંફને મેં અનુભવી છે જે આજે પણ તુ  મારી સાથે છે, તુ મારા જીવનું એવુ પાત્ર છે જેને હું ભુલી શકતો નથી, તુ જયાં પણ છે ત્યાં ખુશ રહે મારો ઈશ્વર તારી છે . આ દિવાળીના દિવસોમાં આ પ્રયોગ કરી જુઓ અને પછી મને કહેજો....