પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ.અમદાવાદ): તમે યાદ કરો તમને જે વ્યકિત ગમે છે, તેને તમે છેલ્લે કયારે કહ્યું હતું કે તું મને ગમે છે.... તમે મારી પત્ની જેવો જવાબ આપતા નહીં કે લો તેમાં કહેવાનું શું, તમને તો બધી ખબર જ છે, હું કાયમ મારી પત્નીને કહું છું કે મને ખબર છે કે હું તને હું ગમુ છું છતાં મારા હ્રદયને જેની ખબર છે. તે વાત મારા કાન પણ સાંભળવા માગે છે. હમણાં ગુજરાતના સિનેમા થીયેટરમાં આ પ્રકારની વિષયને લઈ મનોજ જોષીની ગુજરાતી ફિલ્મ પ્રદર્શીત થઈ છે, તું મને ગમે છે અથવા હું તને પ્રેમ કરૂ છું તે સમજી જવું જેટલું સરળ છે એટલુ તે કોઈને કહેવુ કેટલું અઘરૂ છે તે વિષયની આસપાસ આ ફિલ્મ ચાલે છે. કોઈ વ્યકિતને આપણે પસંદ કરીએ અને તેના વગર આપણને ચાલતુ નથી તેવું આપણે કદાચ રોજે-રોજ અનુભવીએ છીએ છતાં જેના વગર ચાલતુ નથી તેને કહેવામાં આપણને સંકોચ થાય છે. આ વિષય હું તમને થોડી જુદી રીતે સમજાવુ.

તાજેતરમાં એનડીટીવીના પત્રકાર રવિશકુમારને મૈગસેસ એવોર્ડ મળ્યો, રવિશકુમારને એવોર્ડ મળતા જેમને પત્રકારત્વ સાથે સ્નાન સુતકનો સંબંધ નથી તેવા લાખો લોકો રાજી થયા છે. અમદાવાદના એક પ્રાધ્યાપકે મને કહ્યું રવિશકુમાર સાથે તમારે વાત થાય તો તેમને કહેજો કે, મને જીવવાનું બળ મળ્યુ છે,  આ મારા પ્રાધ્યાપક મિત્રને પત્રકારત્વ તો ઠીક પણ તેમને રાજકારણ સાથે પણ સંબંધ નથી છતાં તેમના ચહેરા ઉપરનો રાજીપો હું વાંચી શકતો હતો. આખી ઘટનાનો સાર એવો છે કે જે તમને પ્રેમ કરે છે અને તમારી નાની નાની બાબતોની ચિંતા કરે છે તે વ્યકિતના કાન ઉપર જ્યારે હું તને પ્રેમ કરૂ છું તેવા શબ્દો કાને પડે ત્યારે તે ભલે કહે નહીં પણ તેના શરિરમાં સવા શેર લોહી વધી ગયું હોય તેવો ચહેરો લાલ થઈ જાય છે. સ્થુળ અર્થમાં આ ભલે વેવલા વેડા લાગતા હોય તો પણ કોઈ વ્યકિતને સારી રીતે જીવાડવા માટે પણ આ શબ્દો સંજીવીની સાબીત થાય છે.

એક તબ્બકે જ્યારે હું આ લખવા બેઠો ત્યારે મને લાગ્યું આ માત્ર પતિ-પત્નીની વાત નથી ત્યાંથી મારે તે લખવાની શરૂઆત કરવી જોઈએ, પણ થોડોક વિચાર કર્યા પછી લાગ્યુ. હું તને પ્રેમ કરૂ છું તેવુ દરેક પતિ-પત્નીએ એકબીજાને રોજ કહેવું જોઈએ, હું માનુ છું કે પ્રેમ તો વ્યવાહર દ્વારા પ્રદર્શીત થાય છે, છતાં પ્રેમ કરૂ છું તેવા શબ્દો સંબંધ નામના વૃક્ષને પાણી સીંચવાનું કામ કરે છે. પ્રેમ શબ્દોનો મૌતાજ નથી, તે સ્પર્શ દ્વારા આંખ દ્વારા પણ વ્યતિત થાય છે છતાં આપણે સ્કૂલમાં ભણતા બાળકને કહીએ છીએ કે મોટેથી વાંચ એટલે તને યાદ રહી જશે તેવી રીતે પ્રેમ માટે સતત બોલાતા શબ્દો આપણા પ્રેમને ઘાટા કરવાનું કામ કરે છે. આપણે કહીએ છીએ કે શબ્દ નાશ પામતો નથી, એટલે આપણને મોટા કાયમ ટોકે છે કે સારૂ જ બોલો, જો શબ્દ નાશ પામતો નથી તો હું તને પ્રેમ કરૂ છું અને તું મને ગમે છે તેવું આપણે રોજ બોલીએ તો આપણી આસપાસ આ પ્રેમ નામનો શબ્દ ટોળુ બની દોડી આવશે.

આપણે ત્યાં આપણે પતિ-પત્ની, પિતા પુત્રી માતા-પુત્ર જેવા સંબંધોમાં આપણે માઠુ લાગે ત્યારે આપણે કટુતા ખરાબમાં ખરાબ શબ્દોમાં એકબીજા સામે વ્યકત કરીએ છીએ પણ જયારે આ સંબંધોમાં આપણેં સારૂ લાગે ત્યારે તેની અભિવ્યકિત કરવાનું આપણે ચુકી જઈએ છીએ, આપણે માણસ છીએ એટલે આપણને સારૂ લાગે તેમ માઠુ પણ લાગવાનું તેમાં કઈ ખોટું પણ નથી પણ જેમ આપણે માઠાની અભિવ્યકિત તરત કરીએ છીએ તેમ સારી ઘટના વખતે પણ આપણા જીવનમાં જે સારી ઘટનાના આપણા નિમિત્ત બન્યા તેને બે સારા શબ્દો દ્વારા વ્યકત કરતા શીખવુ જોઈએ, ઘણા તેવું માને છે કે વખાણ કરવા નહીં કારણ વખાણે ખીચડી દાઢે વળગે છે, હું કહીશ જ્યારે વળગે ત્યારે ભલે વળગે પણ આજે આપણને ખીચડી સારી લાગે તો આજે તેના વખાણી લો...

ખીચડીની વાત નિકળતા મને યાદ આવ્યું કે પ્રેમ વ્યકત કરવાની એક બીજી પણ રીતે છે, મેં ઘણી સ્ત્રીઓને પોતાના પતિ અને બાળકો માટે આજે તમારૂ ભાવતુ જમવાનું બનાવ્યું છે તેવું મેં અનેક વખતે સાંભળ્યુ છે, પણ આ પતિ અને બાળકો જ્યારે ભાવતા ભોજન ઉપર બેસે અને તગારૂ ભરી જમે છતાં ઉભા થતાં પોતાની પત્ની અથવા માતાને તારા હાથમાં ખરેખર જાદુ છે, તેવું કહેતા સાંભળ્યા નથી, પણ આ માણસો જ્યારે રેસ્ટોરામાં જમા જાય છે ત્યારે બીલ ચુકવતી વખતે કહે છે ફુડ બહુ સારૂ હતું. આવુ કેમ રેસ્ટોરાના રસોઈયાના વખાણ થાય તો ઘરે પત્ની અથવા માતાના વખાણ કરવામાં કેમ કંજુસાઈ કરીએ છીએ. મારે એક દિકરો અને દીકરી છે, તેઓ યુવાન થઈ ગયા છે અને તેમને પ્રેમ થવો સ્વભાવીક છે. દીકરી યુવાન થાય ત્યારે ખાસ કરી તેની માં અને નજીકના ખાસ ધ્યાન રાખે છે રખેને તેને પ્રેમ થઈ જાય નહીં.

મેં અગાઉ પણ કહ્યું કે કોઈને પ્રેમ થાય તો સમજવું તે નોર્મલ માણસ છે. નોર્મલ હોવાની પહેલી નિશાની પ્રેમ છે, કોઈ કહે કે મને કઈક પ્રેમ-બેમ થાય નહીં અને આપણે આખી જીંદગી કોઈની સાથે પ્રેમ કર્યો નથી તો મને લાગે આ એબનોર્મલ હોવાની નિશાની છે. આ મિત્રએ તાત્કાલીક કોઈ મનોચીકીત્સક પાસે જવુ જોઈએ, પ્રેમને ખુલ્લા મને વ્યકત કરો, પ્રેમને સ્ત્રી-પુરૂષોના સંબંધો વચ્ચે સિમિત રાખી વિચારતા નહીં તમારી સાથે કામ કરતા સાથી અથવા તમારા મિત્ર સામે પણ પ્રેમની અભિવ્યકિત કરો, થોડા સપ્તાહ પહેલા મારા પરિવારમાં એક દીકરીનું વૈવીશાળ નક્કી થયું, આ દીકરી સાથે વાત કરતા મેં તેને પુછયુ તમે એકબીજાનો કહો છો કે હું તને પ્રેમ કરૂ છું, પહેલા તો તે શરમાઈ ગઈ, પછી તેણે મને પુછ્યું તમે કોઈને કહો છો કે પ્રેમ કરૂ છું. મેં કહ્યું હા હું રોજ મારી પત્નીને સવારે કહું છું કે તને પ્રેમ કરૂ છું, તમે પણ એક વખત આ પ્રયોગ કરી જુવો ઝેરના પારખા ના કરાય, પણ પ્રેમના તો રોજ પારખા કરવા જોઈએ.