પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ.અમદાવાદ): મેં તારા માટે કેટલું કર્યું તો પણ તે મારી સાથે આવું કર્યું. આવું વાકય તમે દોઢસો કરતા વધુ વખત સાંભળ્યુ હશે. કદાચ તમારા ઘરમાં પણ કોઈ બોલ્યું હશે અને કદાચ તમે પણ તમારા કોઈ સગા અને મિત્રને પણ કહ્યું હશે. આવી જ ચર્ચા થોડા દિવસ પહેલા મારા મિત્રો સાથે પણ નીકળી હતી. તેમનો દાવો હતો કે તેમણે પોતાના પરિવાર માટે કરવામાં કઈ બાકી રાખ્યું નથી, છતાં તેમના પરિવારનો વ્યવહાર તેમની સાથે બરાબર નથી. આ વાત કરતા મિત્ર પોતાની વાતમાં વેદના હતી. આવું મિત્રો વચ્ચે પણ બનતું હોય છે, આવી ઘટના પતિ-પત્ની વચ્ચે થતી હોય છે અને ખાસ કરી સંતાનો મોટા થઈ જાય ત્યારે માતા પિતાના માટે એમને આવી લાગણી થતી હોય છે. માતા પિતા માનતા હોય છે કે આપણે બાળકોને મોટા કરવા માટે કેટલા કષ્ટ વેઠ્યા તો પણ સંતાન હવે આપણું ધ્યાન રાખતું નથી. સંતાન માટે બહું કર્યું અને અને હવે તે આપણું ધ્યાન રાખતું નથી. તે બંન્ને અલગ ઘટનાઓ છે પણ આપણે તેની વચ્ચે અલ્પવિરામ મુકયા વગર જોઈએ તેના કારણે તેમાંથી પીડાનો જન્મ થાય છે.

આપણે કોઈકના જીવનમાં સારૂ થાય તેવો પ્રયત્ન કરીએ છીએ, તે આપણુ સંતાન હોય, આપણો મિત્ર હોય અથવા રસ્તે પસાર થતી વ્યકિત પણ હોય. સંતાન પોતાના બાળકોના જન્મથી લઈ તેનો સંસાર મંડાય ત્યાં સુધી તેના માટે અનેક પ્રયત્નો કરતા હોય છે આ આખી પ્રક્રિયા દરમિયાન માતા પિતા પોતાની ઈચ્છાઓને પણ બાજુ ઉપર મુકી સંતાનની ઈચ્છા પુરી કરે છે. સંતાનને મોટા કરવા કોઈ નાની બાબત નથી, પણ માતા પિતા માનવા લાગે છે કે તેમણે સંતાન ઉપર ઉપકાર કર્યો છે, ખરેખર પીડાના ગર્ભનો જન્મ અહિયાથી જ થાય છે, જ્યારે કોઈ પણ માણસમાં તે કોઈની ઉપર ઉપકાર કરી રહ્યો છે તેવી ભાવનાનો જન્મ થાય ત્યારે પીડાનો પણ જન્મદાતા બને છે. વાત ત્રાહિત વ્યકિત ઉપર ઉપકાર કર્યો તેવી લાગણીની હોય ત્યાં સુધી બરાબર છે, પરંતુ પોતાના સંતાનો ઉપર પણ માતા પિતાએ ઘણો ઉપકાર કર્યો છે તેવું તે પોતે માનવા લાગે છે.

મોટા ભાગના કિસ્સામાં આવું જ બનતું હોય છે,  આ માનસીકતા બહુ છેતરામણી અને સુક્ષ્મ છે, ક્યારેક માતા પિતાને લાગણીના વાઘા પણ પહેરાવી દેતા હોય છે. સંતાનનો જન્મ તે કુદરતનું સૌથી શ્રેષ્ઠ સર્જન છે, જ્યારે એક સ્ત્રી અને પુરૂષ પોતાના દ્વારા થયેલા દુનિયાના શ્રેષ્ઠ સર્જનને જુવે છે ત્યારે તેમના હાથમાં દુનિયાનો સૌથી મોટો ખજાનો હોય છે. આ સંતાનને મોટો કરવા દરેક માતા પિતા પોતાની હેસીયત પ્રમાણે બધુ જ કરતા હોય છે, અનેક  માતા પિતા એક કરતા વધુ નોકરી કરે છે, દેવું કરે છે પોતાની ઈચ્છાઓ મારી સંતાનની ઈચ્છા પુરી કરે છે, આવું માતા પિતા કેમ કરે છે. તેવો પ્રશ્ન કોઈ માતા પિતા પોતાની જાતને પુછતા નથી, ખરેખર તો દરેક માતા પિતાને પોતાના સંતાન માટે આવું કરવામાં આનંદ મળે છે, તેમાં તકલીફ પડે તો પણ તે તકલીફ પણ સુખ આપનારી હોય છે, હવે જ્યારે પોતાના સુખ માટે જે કઈ થાય તેમાં ઉપકારની ભાવના ક્યાંથી આવી.... પણ જ્યારે સંબંધો સારા ના  હોય અથવા પોતાના ઈચ્છા પ્રમાણે થાય નહીં ત્યારે માણસે ખરેખર પોતાના સુખ માટે બીજા માટે કરેલા તમામ કામોને  તે ઉપકાર માનવા લાગે છે.

આવી ભુલ મોટા ભાગના માતા પિતા પોતાની પાછલી ઉંમરમાં કરતા હોય છે. સંતાન પોતાના માતા પિતાનું ધ્યાન રાખે તે ઉત્તમ છે, સંતાને પણ પોતાની ફરજ અદા કરવી જોઈએ, તેમાં ના નથી, પણ કોઈ સંતાન પોતાની વ્યકિતગત મર્યાદાઓ, સામાજીક કારણો સહિતના અનેક પ્રશ્નોને કારણે માતા પિતાની ઈચ્છા પ્રમાણે તેમનું ધ્યાન રાખી શકે નહીં ત્યારે માતા પિતાએ ભુતકાળમાં જે કઈ કર્યું તે તેમનો પ્રેમ હતો તે સ્વીકારવું પડશે અને પહેલા જેવો જ પ્રેમ સંબંધના ઉમરામાં ઊભો રાખવો પડશે. સંબંધમાં આવેલી ઓટ અથવા સ્થિતિને કારણે સંબંધમાં ઘટેલા પ્રેમને લાગણી અથવા ઉપકારનો ચઢાવો ચઢાવી પોતે અને બીજાને દુઃખી કરવાની જરૂર નથી. મેં તારા માટે ઘણું કર્યું પણ જ્યારે તારો સમય આવ્યો ત્યારે તે મારી સાથે  ઊભો રહ્યો નહીં, તેવી લાગણી અને આરોપને તીલાંજલી આપવી પડશે. સાદી ભાષામાં કહું તો હું તને પ્રેમ કરતો હતો અને  પ્રેમ કરૂં છું, માટે મેં બધુ કર્યું કારણ તને પ્રેમ કરવો મને ગમતો હતો અને આજે પણ ગમે છે.

પ્રેમની આ સાદી રીત સમજાઈ જાય તો ઉપકારની બાદબાકી સાથે દુઃખની પણ બાદબાકી થશે, મેં મારા એક મિત્ર સાથે ચર્ચામાં કહ્યું કે એક કુતરી પણ પોતાના સંતાનો માટે જે શ્રેષ્ઠ કરી શકે તે બધુ જ કરતી હોય છે અને આપણે પણ  આપણા સંતાન માટે તેવું જ કરીએ છીએ. ફર્ક માત્ર એટલો છે કે પ્રાણી આપણી જેમ ઉપકારનું પોટલું લઈ ફરતા નથી. જેના કારણે તેના ગલુડીયા મોટા થઈ બીજા મહોલ્લામાં જતા રહે છે ત્યારે તેઓ દુઃખી થતા નથી અને આપણે સંતાનો, સગા, મિત્રો, કોઈ પ્રેમ કરનાર અથવા પ્રેમ કરનારી માટે જે કઈ કર્યું તે બધાને ઉપકારના પોટલામાં બાંધી મરતા સુધી તેનો બોજ સહન કરતા હોઈએ છીએ પણ નવા વર્ષે આ પોટલું જુના વર્ષમાં મુકી નવા વર્ષમાં એક નવી જીંદગી તરફ આગળ વધીએ તેવી શુભેચ્છા સાથે…

નુતનવર્ષા અભિનંદન