પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ.અમદાવાદ): હમણાં મારા એક સંબંધીના ઘરે લગ્ન લેવાના છે, ઘરના વડિલ તરીકે મારે પણ લગ્નની ચર્ચાનો હિસ્સો બનવાનો વખત આવ્યો, ખરેખર તો મને નહીં ગમતા કામમાં આ કામ અગ્રતાના ધોરણે આવે, પહેલા તો મને થયું કે આ પ્રકારના નિર્ણય અને ચર્ચા મને પસંદ નથી માટે હું આવીશ નહીં તેવું કહી દઉ, પણ પછી તરત મને વિચાર આવ્યો કે મારે મારો પક્ષ મુકવા માટે પણ ત્યાં જવું જોઈએ. દિકરા અને દીકરીના લગ્નની વાતની શરૂઆત થતાં જ મેં કહ્યું આપણે બંન્ને પક્ષે લગ્નમાં આટલો ખર્ચ કરવા કરતા મેરેજ રજીસ્ટ્રારને બોલાવી લગ્નની નોંધણી કરાવી દઈએ. બંન્ને પક્ષના લોકો મારી તરફ જોવા લાગ્યા કારણ અહીં તો કેટલાં માણસ આવશે, શું જમાડશો, છોકરાવાળાની કેવી વ્યવસ્થા કરશો છોકરીવાળા કેટલું આપશે વગેરે વગેરે કાયમ જે ચર્ચા થાય તેવી જ થવાની હતી. તેવા વખતે મેં લગ્નના ખર્ચની વાત કરવાને બદલે મેરેજ રજીસ્ટ્રારની વાત કરી તે દિકરા અને દીકરી બંન્નેના માતા-પિતાને પસંદ પડી નહીં તેવું તેમના બંન્નેના ચહેરા ઉપર  હું વાંચી શકતો હતો.

મેં કહ્યું તમે બંન્ને પરિવારો મધ્યમવર્ગીય છો, તમે હાલમાં જ્યાં છો ત્યાં ખુબ મહેનત કરીને અહીં આવ્યા છો. હવે તમે તમારી મહેનની કમાણીનો મોટો હિસ્સો લગ્નમાં ખર્ચ કરી નાખવાના છો, તમારા સંતાનો હવે જ્યારે નવી જીંદગીની શરૂઆત કરવા જઈ રહ્યા છે તેઓ પણ તમારી જેમ પૈસા કમાવવા ખુબ મહેનત કરવાના છે. હું બોલી રહ્યો હતો ત્યારે બધાના ચહેરા ઉપર કોઈ પણ  પ્રકારનો ભાવ ન્હોતો. હું સમજી શકતો હતો કે તેઓ  મારી વાત સાથે સંમત્ત થઈ રહ્યા નથી, મેં  વાતને જુદી રીતે રજુ કરતા કહ્યું કે તમારે ખર્ચ કરવો જ છે તો કરીએ મેં કહ્યું દિકરા અને દીકરીના પિતાએ કેટલી રકમનો ખર્ચ કરવો તેવું નક્કી કર્યું જ હશે. મારી સલાહ છે, મેરેજ રજીસ્ટ્રાર પાસે લગ્ન નોંધણી પછી બંન્નેના પિતાએ ખર્ચ કરવાની જે રકમ નક્કી કરી છે તે નવ દંપત્તીના નામે આપણે ફિકસ કરી દઈએ પણ દિકરાના પિતાએ સવાલ કર્યો આપણે લોકોના લગ્નમાં જમી આવ્યા તો આપણે તેમને બોલાવવા તો પડેને?

આ સવાલનો મારી પાસે જવાબ ન્હોતો, મેં કહ્યું કયારેક તો આપણે આ પ્રથા તોડવી પડશે, ત્યાં અનેક લોકો મારાથી અપરિચત હતા, મેં કહ્યું મેં 23 વર્ષ પહેલા લગ્ન કર્યા, મારી બે શરતો હતી કે આપણે છોકરા-છોકરની કુંડળી જોવાની નહીં અને બીજી શરત હતી કે મેરેજ રજીસ્ટ્રાર પાસે લગ્નની નોંધણી કરાવી વાત પુરી કરવાની. આમ તો મારી વાત સાથે મારા માતા-પિતા જ સંમત્ત ન્હોતા છતાં મારી જીદ તેમણે સ્વીકારી. આ શરતોને કારણે અનેક સ્થળે તો વાત શરૂ થઈ ત્યાં જ અટકી ગઈ પણ શીવાની (હવે મારી પત્ની) તૈયાર થઈ શીવાનીને હું પહેલી વખત મળ્યો ત્યારે મેં મારો પ્રસ્તાવ મુકયો, તે તરત રાજી થઈ, જો કે તેમના ઘરમાં તે એક જ દીકરી, બે ભાઈઓ વચ્ચે એક જ બહેન, એટલે શીવાનીના માતા-પિતા અને ભાઈઓને ધામધુમની ઈચ્છા હતી, ત્યારે મેં તેમને પણ સમજાવ્યા, ધામધુમ બે દિવસમાં પુરી થઈ જશે અને શીવાનીના લગ્નમાં તમારી બચત વપરાઈ જશે અને દેવું કરશો તો વર્ષો સુધી ભરતા રહેશો.

તેઓ કચવાતા મને તૈયાર થયા હું અમદાવાદથી 25 મિત્રો સંબંધીઓ સાથે બસ લઈ ભરૂચ ગયો, મેરેજ રજીસ્ટ્રાર સામે  સહી કરી  અને અમારા લગ્નને કાયદેસરતાની મહોર મરાવી પાછા ફર્યા, મેં મારૂ ઉદાહરણ આપી વાત કરી પણ કોઈ પક્ષ મારી વાત માનવા તૈયાર થયો નહીં. મને તે વાતનો બહુ જ રંજ થાય છે કે આપણે ત્યાં લગ્ન અને મરણ પ્રસંગે ખુબ ખર્ચ થાય છે. આ બધુ સમાજ શું કહેશે તેવા ડરમાં થાય છે. મારા માતાનું અવસાન કેન્સરને કારણે થયું મારી માતાને ખબર હતી કે તે લાંબુ જીવવાની નથી તેણે મને જતા પહેલા કહ્યું કે મારા મૃત્યુ પછી કોઈ વિધી કરી ખર્ચ કરતો નહીં કારણ મૃત્યુ પછી બ્રાહ્મણ શું બોલે છે તેની મને અને તને ખબર પડવાની નથી, પણ આપણે ત્યાં પૈસાના અભાવે અનેક લોકો સારવાર લઈ શકતા નથી. તું મરણોત્તર વિધીનો ખર્ચ કરવાને બદલે તે પૈસા કોઈ ગરીબની સારવાર માટે વાપરજે અને મેં તેવું જ કર્યું મારી માતાના અવસાન પછી બેસણું પણ ન રાખ્યું. મારી માં મરી ગઈ તેનું દુઃખ મને થાય તે સ્વભાવીક છે પણ મારા મિત્રોને શું કામ થાય, તેમને મને માત્ર ચહેરો બતાડવા માટે બેસણામાં આવવું પડે.

આપણે લગ્ન અને મરણમાં થતો ખર્ચ અટકાવી શકીએ તેમ છીએ. તે જ પૈસા પરિવાર માટે અથવા બીજાના પરિવારને બેઠો કરવા ઉપયોગમાં લઈ શકીએ. મારા કેટલાંક મિત્રો દેશની રોબીનહુડ નામની સંસ્થાના કાર્યકર છે. તેઓ લગ્ન પ્રસંગ પછી વાડી અને પાર્ટી પ્લોટમાં વધેલા ભોજનને એકત્રીત કરી ગરીબોમાં વહેંચવાનું કામ કરે છે. રોબીનહુડના કાર્યકરના કહેવા પ્રમાણે  લગ્ન પ્રસંગે અમદાવાદ જેવા શહેરમાં દસ-બાર હજાર લોકો જમી શકે એટલું ભોજન તેઓ એકત્રીત કરે છે. તેનો અર્થ એવો થયો કે આપણે જેમને લગ્નમાં બોલાવીએ છીએ તેમાંથી મોટી સંખ્યામાં લોકો એક અથવા બીજા કારણે હાજર રહી શકતા નથી. આપણે તેમના માટે ભોજન તો બનાવીએ છીએ પણ તે આવતા નથી. ઘણા જમે, ન જમે, ઉપવાસ વગેરે કારણો... જેના કારણે ભોજનનો બગાડ થાય, આપણે ત્યાં લગ્નમાં ડીશ કેટલી મોંઘી તેના આધારે લગ્નની સફળતા નક્કી થાય છે.

પહેલા તો લગ્ન અને મરણનો ખર્ચ બચાવી શકીએ તો ઉત્તમ છે, પણ નવી દિશામાં જવાની આપણી હિંમત નથી તો આપણે પારસીઓ જે રીતે લગ્ન કરે છે તે પ્રથાને અપનાવી ઘણો ખર્ચ બચાવી શકીએ છીએ. મને મારા પારસી મિત્રો દ્વારા લગ્ન સહિતના વિવિધ પ્રસંગે આમંત્રણ મળ્યું છે. તેઓ આમંત્રણ મોકલે તેની સાથે એક કાર્ડ અને કવર હોય છે, આ કાર્ડમાં તમારે લખવાનું હોય છે કે તમે લગ્નમાં કેટલી વ્યકિત હાજરી આપશો, કેટલા નાના બાળકો છે, કોણ વેજ જમશે કોણ નોનવેજ જમશે. આ કાર્ડ ભરી તમારે પરત મોકલી આપવાનું હોય છે. માની લો કો તમે આમંત્રણ મળ્યા પછી કાર્ડ ભરીને મોકલો નહીં તો પારસી મિત્ર તમને લગ્નના એક અઠવાડીયા પહેલા  ફોન કરશે અને કેટલી વ્યકિત આવવાની  છે તેની જાણકારી માંગશે. આમ પારસીમાં આ બહુ સ્વભાવીક છે. તેમને આવો ફોન કેમ કર્યો તેનું માઠું લાગતું નથી. જેના કારણે પારસીના લગ્નમાં એક હજાર વ્યકિતને આમંત્રણ હોય તો ભોજન સમારંભ પછી માંડ પાંચ-દસ માણસનું ભોજન જ વધે છે. આપણી જેમ ભોજનનો બગાડ થતો નથી.