મેરાન્યૂઝ નેટવર્ક, નવી દિલ્હી: ફેક ન્યૂઝને લઇને કેન્દ્રિય મંત્રી સ્મૃતિ ઇરાની તરફથી જારી ગાઇડલાઇન અને ત્યાર બાદ વડાપ્રધાન મોદી દ્વારા તેને પરત લેવાના નિર્ણય પર રાજકારણ ગરમાયુ છે. ભૂતપૂર્વ કેન્દ્રિય મંત્રી અરુણ શૌરીએ મંગળવારે એનડીએ સરકાર પર નિશાન તાકતા કહ્યુ કે ફેક ન્યૂઝ પર પત્રકારોને દંડિત કરવાનો નિર્ણય મીડિયાને દબાવવાનો એક પ્રયાસ હતો અને ભવિષ્યમાં આવા પ્રયત્ન થતા રહેશે.

અરુણ શૌરીએ એનડીટીવી સાથે વાતચીત કરતા કહ્યુ કે વિશ્વાસ નથી આવતો કે વડાપ્રધાન મોદી માહિતી અને પ્રસારણ મંત્રી સ્મૃતિ ઇરાની દ્વારા જારી વિવાદાસ્પદ ગાઇડલાઇનથી અજાણ હોય. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મરજી વિના એક પાન પણ નથી હલતુ તો પીએમઓની જાણકારી બહાર આટલો મોટો આદેશ કેવી રીતે ડ્રાફ્ટ થઇ શકે? આ પ્રકરણથી બોધપાઠ મળે છે કે દર વખતે સરકાર કોઈ એવા નિર્ણય કરવાનો પ્રયાસ કરે છે અને દરેક વખતે પ્રતિક્રિયાઓની એવી સુનામી આવે છે કે મોદી સરકારે પોતાના નિર્ણય પાછા લેવા પડે છે.

અરુણ શૌરીએ કહ્યું કે સરકાર પોતે જ ફેક ન્યૂઝની આરોપી છે. સરકાર જો ખરેખર ફેક ન્યૂઝ રોકવા માટે છે તો ફેફ્ટ ચેકિંગ વેબસાઇટ્સની મદદ લેવી જોઈએ અને ફેક ન્યૂઝના લેખકો વિરૂદ્ધ કાર્યવાહી કરવી જોઈએ. પ્રેસ કાઉન્સિલ અને અન્ય કમિટિને ફેક ન્યૂઝવાળા મીડિયા પર કાર્યવાહી કરવાની સત્તા આપવી જોઈએ. સરકારે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, ચૂંટણી પંચ સાથે શું કર્યું છે તે દેશમાં કોઇનાથી છૂપુ નથી.

અત્રે ઉલ્લેખનીય છે કે માહિતી અને પ્રસારણ મંત્રાલયે આદેશ આપ્યો હતો કે ફેક ન્યૂઝ લખનાર પત્રકારને 6 મહિનાથી લઇને આજીવન માન્યતા રદ કરવાની કરવામાં આવશે. આ આદેશને મોદી સરકારે વિરોધ બાદ પાછો ખેંચી લીધો છે.