મેરાન્યૂઝ નેટવર્ક.મોરબીઃ 11 ઓગસ્ટ 1979ના દિવસે મોરબીનો મચ્છુ-2 ડેમ તૂટ્યો હતો. જેના કારણે મોરબી તથા માળીયા મિયાણામાં પ્રલય સર્જાયો હતો. હજારો માનવીઓ અને લાખો પશુઓના આ જળ હોનારતમાં મોત નિપજયા હતા. કાદવ-કીચડ અને કોહવાયેલા મૃતદેહોની દુર્ગંધથી ખદબદતુ મોરબી એક બદતર ઉકરડામાં ફેરવાઈ ગયું હતું. ત્યારે તત્કાલીન મુખ્યમંત્રી બાબુભાઈ જશભાઈ પટેલની કામગીરી સલામીને પાત્ર હતી.

જનતા પક્ષની ટેકાવાળી સરકારના મુખ્યમંત્રી બાબુભાઈ જશભાઈ પટેલને મોરબી હોનારતના સમાચાર મળ્યા તેમણે તરત જ કૃષિ સચિવ એચ.કે ખાનને મોરબી રવાના કર્યા મોરબી પહોંચીને ત્યાંની હાલત જોઈને રિપોર્ટ આપવા માટે ખાને મુખ્યમંત્રી બાબુભાઈનો સંપર્ક કર્યો. ખાને મુખ્યમંત્રી પાસે ખર્ચ સહિતની તમામ રાજ્ય સરકારની સત્તાઓ માંગી અને પોતાને સચિવ તરીકેના અધિકારો માંગ્યા બાબુભાઈએ માન્ય રાખ્યા 13મી તારીખે સવારે 11:15 વાગ્યે બાબુભાઈ મોરબી આવ્યા અને તેમણે મહેસૂલ મંત્રી તેમજ કૃષિ મંત્રી સાથે મોરબી શહેરની મુલાકાત લીધી.

આ મુલાકાતમાં મોરબીના પૂરપીડિત લોકોએ બાબુભાઈ પર ભારે રોષ ઠાલવ્યો જે બાબુભાઈને છેક ભીતરથી હચમચાવી ગયો, બાબુભાઈએ તેમના મંત્રી કેશુભાઇ પટેલ, હેમાબેન આચાર્ય સહિતના મંત્રીઓને મોરબી બોલાવી પોતે મોરબીથી જ સરકાર ચલાવવાનું શરૂ કર્યું. સરકારી અતિથિગૃહમાં રહેતા આ ૬૮ વર્ષના જાડી દાંડીના ચશ્માં પહેરતા રાજપુરુષ દરરોજ કાદવ ભરેલા રસ્તાઓ પર પગપાળા નીકળતા, વ્હેલી સવારથી નવ વાગ્યા સુધીમાં શહેરમાં ચાલતી રાહત કામગીરીનું નિરીક્ષણ કરીને બાબુભાઇ મણીમંદિર ખાતે બનાવેલા કામ ચલાઉ સચિવાલયમાં આવતા જ્યાં કૃષિમંત્રી કેશુભાઈ પટેલ, હેમાબેન આચાર્ય, કૃષિ સચિવ એચ.કે ખાન, કલેકટર એ.આર બેનર્જી, એસ.પી પ્રભાત દત્તા, ધારાસભ્ય ગોકળ પરમાર, પાલિકા પ્રમુખ રતિલાલ દેસાઈ અને જિલ્લા ગૃહ રક્ષક દળના કમાન્ડર ઉષાકાન્ત માંકડ સાથે મીટીંગ યોજતા દિવસ દરમિયાન વિવિધ જગ્યાએ ચાલતી રાહત છાવણીઓમાં ભોજનની ગુણવત્તા ચકાસવા દરરોજ અલગ અલગ જગ્યાએ સામાન્ય માણસની જેમ લાઈનમાં ઊભા રહીને જમતા.

એમના આગ્રહથી અનેક મંત્રીઓ મોરબીમાં રહેતા. એક દિવસ બાબુભાઈને ખબર પડી કે તેમના નાણા મંત્રી રાજકોટના અતિથિગૃહમાં જઈને ઊંઘી ગયા છે. રાત્રે એક વાગ્યે બાબુભાઈએ ફોન કરીને નાણા મંત્રીને કહ્યું કે, હવેથી તમારે મોરબીમાં જ રાત ગાળવી પડશે.

મોરબીના નુકસાન પામેલા પાડાપુલની બાજુમાં મચ્છુ નદી પર બની રહેલા કામચલાઉ બેઠા પુલની બાંધકામ પ્રગતિ જોવા બાબુભાઇ પહોંચ્યા હાજર ઇજનેરે અહેવાલ આપ્યો કે, આ યોજનાની માહિતી સાથે માણસ ગાંધીનગર રવાના થયો છે અને ટૂંક સમયમાં કામગીરી શરૂ થશે, આ સાંભળી મુખ્યમંત્રી બાબુભાઈએ ઊંચા અવાજે ઇજનેરને કહ્યુ કે “તમે માણસ ગાંધીનગર મોકલ્યો ? ત્યાં જઈને એ તમારા મુખ્ય ઇજનેરને મોકલશે પછી ઉપસચિવ, નાયબ સચિવ, અને સચિવ, સચિવ ત્યાર પછી આ કાગળો મંત્રીને મોકલશે કેટલા દિવસ લાગી જાય. આ નહીં ચાલે, મુખ્યમંત્રી તરીકે હું કહું છું કે હું તમારો સચિવ, હું તમારો મુખ્ય ઇજનેર અને હું જ તમારો મંત્રી. આવતીકાલે સવારે આઠ વાગ્યે કામ શરૂ થઈ જવું જોઈએ જે કંઈ ખર્ચ થશે એ હું અપાવી દઇશ. બીજા દિવસે સવારે પુલનું કામ શરૂ થઈ ગયું.

આજે મચ્છુ જળ હોનારતના 40 વર્ષ પૂરા થાય છે જે તે વખતે આ હોનારત માટે તપાસ પંચ બનાવવામાં આવેલું જે પછીના મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીએ વિખેરી નાંખેલુ અને જળ હોનારત માટે દોષિત કોણ? એ પ્રશ્ન હંમેશા રહસ્ય બનીને રહી ગયો પરંતુ આજે પણ મોરબીની પ્રજાએ સમયના કર્મયોગી મુખ્યમંત્રી બાબુભાઈ જશભાઈ પટેલને ગર્વ સાથે યાદ કરે છે.