મેરાન્યૂઝ નેટવર્ક.મહેસાણાઃ મહિલા ડીવાયએસપી મંજીતા વણઝારાએ એક વૃદ્ધ મહિલા સીતાબાને દત્તક લીધા છે. કારણ એવું છે કે આ 80 વર્ષિય સીતાબા પોતાના ઘરે નહીં પણ વૃદ્ધાશ્રમમાં જવાની જીદ્દ પકડીને બેઠા છે, તેમનું કેહવું છે કે તેમના પુત્રો તેમને અસહ્ય માર મારે છે. જેનાથી તે ગભરાઈ ગયા છે તેથી તે ઘરે રહેવા માગતા નથી અને તે વૃદ્ધાશ્રમમાં રહી પુત્રો સામે કાયદાકીય લડત લડશે. સંતાનોથી પીડાયેલી આ માતાના વહારે મહિલા પોલીસ અધિકારી મંજીતા વણઝારા આવ્યા અને તેમણે તેમને વૃદ્ધાશ્રમમાં મોકલી આપી તેમનો તમામ ખર્ચ ઉપાડવાનો નિર્ણય કર્યો હતો.

બાબત એવી છે કે, 80 વર્ષના સીતાબા પતિના મૃત્યુ બાદ વિજાપુરના દેવડા ગામ ખાતે એકલવાયું જીવન વ્યતિત કરી રહ્યા છે. ગામમાં તેમની 6 વિઘા જમીન પણ છે. જોકે તે જમીન પર પુત્રોની નજર હોવાથી તેઓ અવારનવાર સીતાબાને હેરાન કરી રહ્યા હોવાનું તેમણે ડીવાયએસપી મંજીતા વણઝારાને મળીને કહ્યું હતું. તેમણે કહ્યું હતું કે, જો તે ઘરે જશે તો તેમના પુત્રો તેમને મારશે તેથી મને વૃદ્ધાશ્રમ જવું છે પણ મારી પાસે પૈસા નથી. તેઓ મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશન સ્થિત મહિલા સહાયતા કેન્દ્રમાં પહોંચ્યા હતા અને ત્યાં કહ્યું હતું કે, સાહેબ મને જીવાડો કે પચી ઝેર આપી માની નાખો. બસ આટલું કહી તેઓ રડવા લાગ્યા હતા. જ્યારે તેમને પુછ્યું ત્યારે તેમણે કહ્યું કે પુત્રોનો માર ખાઈને ફરિયાદ નોંધાવવા વસઈ પોલીસ મથકે ગયા ત્યારે પોલીસે તેમને પહેલા જામીન દાર લાવો પછી ફરિયાદ નોંધીશું તેવું કહ્યું હતું. આ દરમિયાન મંજીતા વણઝારાએ તેમની તમામ પરિસ્થિતિઓથી વાકેફ થઈ આખરે તેમને વૃદ્ધાશ્રમમાં જવા માટે મદદ કરી અને તેમની જવાબદારી ઉપાડીને તેમને વૃદ્ધાશ્રમમાં મુક્યા.

ઉલ્લેખનીય છે કે બે દિવસ પહેલા અમદાવાદમાં રહેતો એક પુત્ર અને તેના પરિવારે તેમને અસહ્ય માર માર્યો હોવાની તેઓ વસઈમાં ફરિયાદ આપવા ગયા હતા પણ વસઈ પોલીસે તેમની ફરિયાદ લેવાને બદલે તેમની પાસે જામીનદાર લઈને આવવાની વાત કરી હોવાનું તેમણે ઉલ્લેખ્યું હતું. હવે ફરિયાદ નોંધવામાં જામીનદાર શા કારણે વસઈ પોલીસને જોઈતા હતા તે તો તેઓ જ કહી શકે કારણ કે ફરિયાદમાં જામીનદાર હોવા જોઈએ તેવી કોઈ બાબત અત્યાર સુધી તો કાયદાવીદોના ધ્યાનમાં આવી જ નહીં હોય, પણ કદાચ ફરિયાદ ટાળવા આમ કર્યું હશે તેવું લોકોનું માનવું છે.

મંજીતા વણઝારાનું કહેવું છે કે, સિતાબા પુત્રોના મારથી ઘણા ગભરાયેલા હતા તેથી મને લાગ્યું કે તે હેરાન છે. મેં તેમની વૃદ્ધાશ્રમ જવાની ઈચ્છા પુરી કરી છે અને કોઈ તકલીફ પડશે તો પોલીસ અધિકારી તરીકે નહીં પણ દીકરી તરીકે તેમની સાથે છું તેવી હૈયાધારણા પણ આપી છે. હાલ વૃદ્ધાશ્રમની એક વર્ષની તેમની ફી એડવાન્સમાં ભરી દીધી છે.