મેરાન્યૂઝ નેટવર્ક.અમદાવાદઃ અમદાવાદ શહેરના થલતેજ વિસ્તારમાં રોંગ સાઈડ પર આવી રહેલી એક કારને રોકવા જતાં પોલીસને વર્દી જ ઉતરી જવાની ધમકી મળી છે. કાર ચાલકે ટ્રાફીકના નિયમો પણ પોલીસને બતાવ્યા અને પોલીસને સસ્પેન્ડ કરાવી દેવાનું કહ્યું હતું. સાથે જ તેણે રોડ પર પાર્ક કરેલી રિક્ષાઓ બતાવી અને તેમનો દંડ વસુલ્યા પછી પોતે ભરશે તેવી જીદ્દ પકડી હતી. પીએસઆઈને પણ ધમકાવ્યા હતા અને બીજા વાહન ચાલકો પાસે માર ખવડાવવાની ધમકી પણ આપી હતી.

અમદાવાદમાં એસજી હાઈવે પર થલતેજ સર્કલ પર હેડ કોન્સ્ટેબલ રવજીભાઈ સોમાભાઈ ટ્રાફીક નિયમન કરાવી રહ્યા હતા. દરમિયાન સવારના સમયે જ અમૂલ પાર્લર તરફથી એક કાર રોંગ સાઈડમાં થલતેજ ક્રોસ રોડ સુધી આવી. પોલીસે તેને રોક્યો અને લાયસન્સ તથા કારના કાગળ માગ્યા. બસ પછી કાર ચાલક ઉશકેરાઈ ગયો અને પોલીસને કહ્યું, જુઓ આ રિક્ષાઓ રોંગ સાઈડમાં આવે છે અને રોડ પર પાર્ક પણ કરેલી છે, તમને એ દેખાતી નથી. પહેલા તેમની પાસેથી દંડ લો અને પછી હું ભરીશ.

હવે પોલીસ સાથે આ શખ્સની રકઝક વધી ઘઈ અને ઝઘડાનું સ્વરૂપ લીધું. તેણે પોલીસને કહ્યું, મારે ઉપર સુધી ઓળખાણ છે, તમને સસ્પેન્ડ કરાવી દઈશ, વર્દી ઉતરાવી દઈશ. રવજીભાઈએ હવે ઉપરી અધિકારીને જાણ કરી તો પીએસઆઈ એ આર ધવન ત્યાં સ્ટાફ સાથે આવી પહોંચ્યા, તેમણે પહેલા કાર ચાલકને શાંત પાડી પુછપરછ કરી તો તેણે પોતાનું નામ જૈમીન દિનેશભાઈ પટેલ હોવાનું અને પોતે મેમનગરની નિલમણી સોસાયટીમાં રહેતો હોવાનું કહ્યું હતું. પીએસઆઈ જ્યારે અહીં આવ્યા ત્યારે પણ જ્યારે કાર ચાલકને સમજાવી દંડ ભરાવ્યો હતો તેથી તેમને પણ ધમકી આપી હતી કે, તને તો હું છોડીશ જ નહીં, ટ્રાફીક જવાનને અન્ય વાહન ચાલકો પાસે માર ખવડાવવાની ધમકી આપી હતી.

પોલીસે તેને આ સાથે 3 હજારનો દંડનો મેમો આપ્યો, જોકે તેમે દંડ તો ભર્યો પણ બબડવાનું ચાલું રાખ્યું હતું. તેણે પોલીસને અપશબ્દો અને જોઈ લઈશ તેવી ધમકી આપી હતી. આ અંગે પોલીસે ફરિયાદ નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે અમદાવાદના જ શ્યામલ ચાર રસ્તા ખાતે શનિવારે બપોરે જ ટ્રાફીક પોલીસની ક્રેન વાહન ટો કરી જતાં બેથી ત્રણ છોકરીઓ અને એક યુવાન દ્વારા ઈન્ચાર્જ વિકાસભાઈ સાથે બોલાચાલી કરી હતી. બાદમાં બંને પક્ષો વચ્ચે ઝપાઝપી અને મારામારીના આક્ષેપો થયા હતા. મામલો આનંદનગર પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો. જોકે બાદમાં બંને વચ્ચે સમાધાન થયું હોવાનું પોલીસે જણાવ્યું હતું.