મેરાન્યૂઝઃ

ડિઅર ફ્રેન્ડ્સ,

અત્યારે મારા, તમારા સહિત આખું વિશ્વ કોરોના વાઇરસની મહામારી સામે ઝઝૂમી રહ્યું છે. દરેક દેશની સરકાર, નેતાઓ, સેલિબ્રિટીઝ, ડોક્ટર્સ સૌ કોરાના સામે પ્રિક્વોશનની અપીલ કરી રહ્યાં છે. મારા વ્હોટ્સએપમાં છેલ્લાં એક અઠવાડિયાથી રોજ આ અંગેના મેસેજીસ ઠલવાઈ રહ્યાં છે. 

ખૂબ સરસ, આપણે સૌ છેવટે પબ્લિક હાઇજીન તરફ જાગૃત થઈ રહ્યાં છીએ અને મહામારી સામે એક થઈ લડી રહ્યાં છીએ. સુરજની રોશની જેવી પ્રબળ આશા છે કે આ મહામારીને આપણે હંફાવીશું.  વિજ્ઞાન કોરોનાને હંફાવવા રસી શોધવા કાર્યરત છે. મેડિકલ સ્ટાફ રાતદિવસ પોતાનાં સ્વાસ્થ્ય, પરિવાર બધું જ ભૂલીને આપણા માટે ખડેપગે છે. ઉપરાંત પોલીસ, સફાઈ કામદાર સૌ આપણને આ બિમારી સામે બચાવવા સતત ફરજ બજાવી રહ્યાં છે. 

ચલો, એક ફરજ આપણે પણ બજાવીએ. તમે, હું આપણે સૌ એક એવા વર્ગમાંથી આવીએ છીએ જેની પાસે પોતાનું કહી શકાય એવું ઘર છે, આપણી પાસે કાર-વ્હીકલ્સ છે, લાઈફ ઇન્સ્યોરન્સ અને મેડિક્લેઈમ છે, બાળકો મોંઘી સ્કૂલમાં ભણે છે. ટૂર પેકેજિઝ એફોર્ડ કરી શકીએ છીએ... હા, આપણે સૌ આ દેશમાં એક સિક્યોર્ડ લાઈફ એન્જોય કરી શકીએ છીએ. 

પરંતુ હવે જરા એના વિશે વિચારો જેઓ આપણા ઘરે કપડાં-વાસણ કરવા આવે છે, સોસાયટી સાફ કરવા આવે છે, કચરો લેવા આવે છે, રસ્તા પર ફૂગ્ગા-રમકડાં વેચે છે, શાકભાજીના ઢગલાં લઈને બેસે છે, આપણા વાહનોના પંચર બનાવે છે, ફૂટપાથ પર મશીનો લઈને આપણા કપડાંને અલ્ટર કરે છે, ચાની રેંકડીઓ ચલાવે છે... એમની પાસે આ મહામારી સામે કોઈ છત્ર નથી, ડેઈલી વેજર્સ તરીકે ઓળખાતો આ વર્ગ ખૂબ મોટો છે. આપણે તો કદાચ આપણા પગાર, સેવિંગ્સના જોરે આ કપરાકાળમાં ટકી જઈશું, પરંતુ આ વર્ગનું શું?

અત્યારે હેન્ડવોશ ચેલેન્જ સૌ ઉપાડી રહ્યાં છે, ભૂતકાળમાં આપણા નેતાઓએ પણ ફિટનેસ ચેલેન્જ અને સ્વચ્છતા ચેલેન્જ એવું બધું શરૂ કર્યું હતું. તો શું અત્યારે આપણે કોઈ એવી ચેલેન્જના શરૂ કરીએ શકીએ કે હું મારા ઘરે આવતા સફાઈ કામદારને આ કપરા સમયમાં એક મહિનાની એડવાન્સ સેલરી આપીશ? #Payadvancetodailywagers મતલબ કે આપણા મેઈડ, સફાઈ કામદાર, પેપરવાળા-દૂધવાળા જેને પણ શક્ય હોય એને લોકડાઉનની આ સ્થિતિમાં એડવાન્સ પગાર આપીએ. પ્લીઝ, આ ચેલેન્જ સ્વીકારી આપણને હેલ્પફૂલ રહેતા ડેઈલી વેજેર્સને પણ મહામારી તથા લોકડાઉનના આ મુશ્કેલ સમયમાં જિંદગીનું છત્ર #Lifeshelter પ્રદાન કરીએ. 

બિલ ગેટ્સથી માંડીને મા, ઝૂકરબર્ગ જેવાં અનેક બિલિયોનર્સે આ સમયે મુક્ત રીતે દાન આપવાનું શરૂ કરી દીધું છે પરંતુ આપણા દેશમાં હજુ સુધી કોઈ સેલિબ્રિટીઝ કે ઉદ્યોગપતિઓ દ્વારા આવી જાહેરાત નથી થઈ. આવનારા સમયમાં લોકડાઉનની સ્થિતિ લંબાશે તો ડેઈલી વેજર્સની હાલત ખૂબ ખરાબ બનશે. આશા છે કે ઉદ્યોગપતિઓ અને સેલિબ્રિટીઝ, ધર્મસ્થાનો આ આવનારી કટોકટીમાં રાહત આપવા અત્યારથી રાશન જેવી સુવિધાઓ ડેઈલ વેજર્સને પોતાના તરફથી આપવાની શરૂઆત કરે. શક્ય હોય તો એવી પહેલ પણ કરી શકાય કે જે-તે સોસાયટીમાં આવતા સફાઈ કર્મચારીઓને સોસાયટી સામૂહિક રીતે મદદ કરે. અમુક સમય માટેનું રાશન સોસાયટીના તમામ પરીવારો મળીને જો તેમને આપે તો આવનારી કટોકટી સામે લડવામાં આ વર્ગ તમારી સાથે ઉભો રહી શકશે.

તમારો

પ્રશાંત દયાળ